________________
૨૩૫
કર્યા છે. હું અધમ, પાપી છું. હું ખરેખર સજાને પાત્ર છું! બુદ્ધિનિધાન અભયકુમારે મને પકડવા રચેલા પ્રપંચમાંથી હું આબાદ છટકી ગયો કારણકે મેં પૂર્વે પગમાં કાંટો વાગ્યો ત્યારે ભગવાન મહાવીર સ્વામીના શ્રી મુખેથી દેવભવ સંબંધી દેશના સાંભળી હતી. તે દેશનાના પ્રતાપે દુર્લષ્ય બુદ્ધિના સ્વામી મહામંત્રી અભયકુમારે રચેલો દેવલોકનો આભાસ હું પામી શક્યો.”
પ્રસ્તુત પ્રસંગમાં રાસનાયકની સરળતા, નિર્દોષતા, પાપોને પ્રગટ કરવાની હામ, પ્રશંસનીય છે.
રોહિણેયકુમારે મહારાજા શ્રેણિકને બે હાથ જોડી, નતમસ્તક બની પ્રાર્થના કરતાં આગળ કહ્યું, “હે રાજેશ્વર ! આપ તો અમારા રક્ષક છો, તારણહાર છો, અમારા પરમ પ્રિય મહારાજા છો. મને તમારા પુત્ર સમાન ગણી ઉદાર હદયે મારા ગુનાઓ માફ કરજો. મારી ઉપેક્ષા ન કરશો.” રોહિણેયકુમાર આટલું બોલતાં ધ્રુસકે ધ્રુસકે રડી પડયો.
તેણે પોતાનું મસ્તક રાજાના ચરણોમાં મૂકી, આંસુઓથી તેમના ચરણ ભીંજવી નાખ્યા. તે સંતાપથી આગમાં બળી રહ્યો હતો. તેણે પોતાનું હદય મહારાજા સમક્ષ ખોલતાં કહ્યું, “મહારાજ! હું દુર્જન અને અવિચારી છું. મારા પાપોનું પ્રાયશ્ચિત કરવા ઈચ્છું છું. મેં પ્રજાજનોનો તૂટેલો અખૂટ ખજાનો વૈભારગિરિ પર્વતની ગુફામાં સંતાળ્યો છે, તે ધન જેનું છે તેને પાછું સોંપવા ઈચ્છું છું. હે મહારાજ! અવળી ક્રિયાઓના સંસ્કાર વિપુલ સવળી ક્રિયા કર્યા વિના કેમ ટળે? નરક અને નિગોદના કારમાં દુઃખોનો છેદ કરનાર એક જ રામબાણ ઈલાજ ચારિત્ર છે, તેવું મને સમજાઈ ગયું છે તેથી હે રાજન! હું આ સંસારનો ત્યાગ કરી સર્વવિરતિધર્મ સ્વીકારવા તત્પર થયો છું. મને માફ કરો. આપ પ્રજા વત્સલ છો. આપ જ મારી સાર સંભાળ કરો.” આટલું કહી તે રાજાને સમર્પિત થયો.
પરજન વત્સલ શ્રેણિક રાજા આ સાંભળી સ્તબ્ધ થઈ ગયા. એમને ક્યારેય કલ્પના પણ ન હતી કે રોહિણેયકુમાર ગૃહવાસ ત્યજી શ્રમણ બનશે. રોહિણેયકુમાર પ્રત્યે ઉત્પન્ન થયેલી અપ્રશસ્તા ભાવનાની ઈમારત ક્ષણવારમાં જમીનદોસ્ત થઈ ગઈ. તક્ષણ કુત્સિત અને અતિ ઉગ્ર વિચારો નાબૂદ થયાં. રાજસભામાં સંપૂર્ણ મૌન છવાઈ ગયું. સૌને રોહિણેયકુમાર પ્રત્યે હમદર્દી પ્રગટી. મહારાજા શ્રેણિકે સાંત્વના આપતાં વાત્સલ્યપૂર્વક રોહિણેયકુમારના મસ્તકે હેતથી હાથ ફેરવ્યો. પોતાના ઉત્તરીય વસ્ત્ર વડે રોહિણેયકુમારના આંસુ લૂછયાં. મહારાજા શ્રેણિકની ક્ષમાશીલતાપણ અજોડ હતી. | પશ્ચાતાપની અગ્નિમાં સાધ્વી મૃગાવતીજીએ ઘાતી કર્મો બાળી નાખ્યાં. પશ્ચાતાપની પાવન ગંગામાં સ્નાન કરી જેસલ નામનો બહારવટિયો પવિત્ર બન્યો. પશ્ચાતાપમાં કેવી ગજબની તાકાત છે!
નિશ્ચયનયથી પાપોનો એકરાર થતાં સર્વ જીવો પ્રત્યે સમતા, સમાનભાવ ઉભવે છે. પાપોનું પ્રગટીકરણ અધ્યાત્મ માર્ગનું પ્રથમ સોપાન છે. આત્મવિશુદ્ધિથી નિર્લોભતા પ્રગટે છે. વળી, સરળતા અને મૃદુતા વિના પાપોનું પ્રગટીકરણ શક્ય નથી. પાપભીરુતા ક્ષમા, નિર્લોભતા, સરળતા અને મૃદુતાને ખેંચી લાવે છે. યોગ્ય વ્યક્તિને યોગ્ય પદે પહોંચાડવામાં વચ્ચે બાધા નાખનાર પોતાની અયોગ્યતા પુરવાર કરે છે. લાગણીશીલ પ્રકૃત્તિ ધરાવતા મહારાજા શ્રેણિકને પણ ધન્ય છે!
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org