________________
વડોદરાનાં જિનાલયો (૪૮) શ્રી આદિનાથ જિનાલય (સંવત ૨૦૫૭)
ગાંધીપાર્ક પાસે, હરણી રોડ. હરણી રોડ પર ગાંધી પાર્ક પાસે પશ્ચિમાભિમુખ શિખરયુકત નુતન જિનાલય આવેલું છે.
મુખ્ય માર્ગ ઉપર જ ઝાંપામાંથી પ્રવેશતાં ત્રણ પ્રવેશદ્વાર વાળું જિનાલય છે. રંગમંડપમાં ડાબી બાજુ શ્રી શત્રુંજય તીર્થ અને જમણી બાજુ શ્રી સમેતશિખર તીર્થના પટ છે. ઘુમ્મટ તથા સ્તંભો ગુલાબી રંગથી સુશોભિત કરવામાં આવ્યા છે. ગભારાની બહાર ગોખલામાં ડાબી બાજુ શ્રી પુંડરીકસ્વામી અને જમણી બાજુ શ્રી ગૌતમસ્વામીની આરસ પ્રતિમાઓ બિરાજમાન કરવામાં આવી છે.
એક ગર્ભદ્વારવાળા ગભારામાં મૂળનાયક શ્રી આદિનાથ ભગવાનની ૧૭" ની પ્રતિમા બિરાજમાન છે. મૂળનાયક ભગવાનની ડાબી તરફ શ્રી મહાવીરસ્વામી અને જમણી તરફ શ્રી પાર્શ્વનાથ ભગવાન બિરાજમાન છે. અહીં કુલ ૩ પાષાણ પ્રતિમાઓ અને ૨ ધાતુ પ્રતિમાઓ બિરાજમાન છે.
મૂળનાયક શ્રી આદિનાથ ભગવાનની પ્રતિમા ઉપર નીચે મુજબનો લેખ પ્રાપ્ત થાય છે.
સ્વસ્તિ શ્રી આદિનાથ જિનબિંબ શ્રી શ્રીયશાશ્રી પ્રેરણયા જોગાણી નાલીબેન ધરણચંદ મોતીચંદ માતાપિત્રોગ્ધ શ્રેયસે તપુત્ર મફતલાબેન પત્ની વાસુતી. ”
શ્રી મહાવીરસ્વામી ભગવાનની પ્રતિમા ઉપર નીચે મુજબનો લેખ પ્રાપ્ત થાય છે. “૨૦૫૫ વર્ષે – સૂર્યોદયસૂરિભિઃ”
આ દેરાસરની પ્રતિષ્ઠા વિ. સં. ૨૦૫૭માં આચાર્ય શ્રી મહાનંદસૂરીશ્વરજી મ. સા. ની નિશ્રામાં શ્રી જિતેન્દ્રભાઈ રમણલાલ શાહ પરિવારે કરેલી છે. તે અગાઉ ૧૫ વર્ષ સુધી આ ગૃહમંદિર એક ઓરડામાં ભગવાનને પરોણા પધરાવી બનાવ્યું હતું.
દેરાસરની વર્ષગાંઠ તિથિ જેઠ સુદ ૫ છે. તે નિમિત્તે ચઢાવો બોલી ધ્વજારોપણ થાય છે અને જમણવાર થાય છે.
દેરાસરનો વહીવટ શ્રી હરણી રોડ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ હસ્તક છે. દેરાસરના ટ્રસ્ટી શ્રી ચંદ્રકાન્તભાઈ શાહ, શ્રી જગદીશભાઈ શાહ, શ્રી અલ્પેશભાઈ શાહ છે.
આ જિનાલયનો સમય સંવત ૨૦૫૭નો છે.