________________
વડોદરાનાં જિનાલયો
૩૩
(૧૬) શ્રી કલ્યાણ પાર્શ્વનાથ જિનાલય (સં. ૧૮૯૬).
મામાની પોળ, રાવપુરા. મામાની પોળમાં શ્રી મહાવીરસ્વામીના દેરાસરની આગળ જતાં જમણી બાજુ આ દેરાસર આવેલું છે.
પાવાગઢથી વડોદરામાં પ્રગટ થયેલા જીરાવલા પાર્શ્વનાથ” નામના પુસ્તકમાં ભાવનગરનિવાસી લેખક શ્રી એ. લાલચંદ્ર ભગવાનદાસ ગાંધી નોંધે છે કે, “વડોદરાના શ્રી કલ્યાણ પાર્શ્વનાથના જિનાલયના મૂળનાયક તે પાવાગઢના પ્રાચીન બાવન જિનાલયના મૂળનાયક શ્રી જીરાવાલા પાર્શ્વનાથ છે. જેની પ્રતિષ્ઠા પાવાગઢમાં સંવત ૧૧૧૨ના વૈશાખ સુદ ૫ ના રોજ પૂ. આ. શ્રી ગુણસાગરસૂરીશ્વરજીની નિશ્રામાં થયેલ હતી. પાવાગઢના પતન પછી આ પ્રતિમા વડોદરામાં આવી. '
વડોદરાના રાજા બીજા સયાજીરાવના સમયમાં રામજી નામના બ્રાઘણના મકાનમાંથી આ મૂર્તિના પ્રગટ થવા પૂર્વે સ્વપ્ન દ્વારા સૂચન થયેલ પરંતુ તે કાંઈ સમજી ન શકયો. જોગાનુજોગ આવું જ સ્વપ્ન આચાર્ય શ્રી શાન્તિસાગરસૂરીશ્વરને પણ આવ્યું અને તે મુજબ તેઓશ્રીએ શ્રી સંઘના મોવડીઓની હાજરીમાં ખોદકામ કરાવ્યું. પ્રભાવશાળી, ચમત્કારી, પ્રાચીન એવી શ્રી કલ્યાણ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા પ્રગટ થઈ. તે શુભ દિવસ વિ. સં. ૧૮૮૯નો માગશર વદ ૧૧નો હતો. બરાબર સાત વર્ષ બાદ પ્રસ્તુત ભવ્ય મંદિરમાં આ પ્રતિમાની સંવત ૧૮૯૬ના માગશર સુદ-૧૩ના રોજ ભવ્ય મહોત્સવપૂર્વક પ્રતિષ્ઠા કરવામાં આવી. આ સમયે વડોદરામાં માત્ર એક જ શિખરબંધી જિનાલય હતું. પ્રાચીન કલાની સાક્ષી પૂરાવતું આ ભવ્યાતિભવ્ય કળા-કારીગરીના સુંદર નમૂના રૂપે દેરાસર હજુ આજે પણ શોભી રહ્યું છે. બે બાજુ પગથિયાં પછી એક પ્રવેશદ્વારથી રંગમંડપમાં પ્રવેશ થાય છે.
ઝીણી કોતરણી તથા યક્ષ-યક્ષિણીઓની શિલ્પાકૃતિવાળા સુંદર થાંભલા છે. થાંભલા પર બારસાખમાં મગરમુખી અને કમળમુખી પ્રવેશદ્વાર પાસે આજુબાજુ બે ગોખમાં સુંદર રંગકામયુકત ઇન્દ્ર-ઇન્દ્રાણીની શિલ્પાકૃતિઓ છે. વળી દ્વાર પાસે દ્વારપાળ અને હાથીની અંબાડી પર બીરાજેલાં શેઠ-શેઠાણીની સુંદર રંગકામયુકત મૂર્તિ છે. કોતરણી ચિત્રાત્મક છે. મધ્યમાં ઝરૂખાની રચના છે. પ્રવેશદ્વારમાં પ્રવેશતાં જ જમણી બાજુ રંગકામ કરેલા મનોહર કાષ્ઠદ્વાર ધરાવતી દેવકુલિકામાં આરસનાં પગલાંની આઠ જોડ છે જેમાં એક મુનિ શ્રી મુક્તિવિજયજી મ. સા. ની પાદુકા છે. આ પગલાં ઘુમ્મટ અને ચાર થાંભલા યુકત કોતરણીવાળી છત્રીમાં પ્રતિષ્ઠિત છે. આ પાદુકાની પાછળ દિવાલ પર નીચે મુજબનું લખાણ જોવા મળે છે.
( ૧ ) પંન્યાસ શ્રી મુક્તિવિજયજી મહારાજની ચરણ પાદુકા શ્રી વટ્ટપત્તન નગરે શ્રી કલ્યાણ પાર્શ્વનાથ પ્રાસાદે કારાપિત શ્રાવક હરીલાલ પ્રભુદાસ સજ્ઞાતી દશા શ્રીમાળી લઘુ શાખાયા તે પ્રતિષ્ઠીતે સં. ૧૯૪૦ વર્ષે શ્રાવણ માસે શુકલ પક્ષે તીર્થ દસમી બુધવારે સ્થાપીતે શ્રાવક નાથાલાલ લક્ષ્મીચંદ જ્ઞાતી દશા શ્રીમાળી લધુ શાખાયા.