________________
૩૨
વડોદરાનાં જિનાલયો
(૧૫) શ્રી નેમિનાથ જિનાલય (સં. ૧૯૬૩થી પૂર્વે)
મહેતા પોળના નાકે, બેંક રોડ, રણછોડરાય મસાલા મીલની સામે. મહેતા પોળના નાકે, મુખ્ય માર્ગ પર સાંકડી ગલીમાં આ શિખરયુકત જિનાલય આવેલ છે.
ત્રણ પ્રવેશદ્વારવાળા આ દેરાસરમાં મધ્યમ કદના લાંબા ગભારા ફરતી પ્રદક્ષિણાની જગ્યા છે અને દિવાલ પર ફ્રેઈમમાં ડાબી બાજુએ શ્રી નેમનાથ ભગવાનની જાન, ભગવાનના પંચકલ્યાણક, શ્રીપાળ રાજાના રાસના પ્રસંગો અને જમણી બાજુ શ્રી ગિરનાર, શ્રી શત્રુંજય અને શ્રી સમેતશિખર તીર્થના પટ છે.
એક ગર્ભદ્વા૨વાળા ગભારામાં મૂળનાયક શ્રી નેમનાથ ભગવાનની પંચધાતુની ૧૯" ની પ્રતિમા બિરાજમાન છે. અહીં કુલ ૫ પાષાણ પ્રતિમાઓ અને ૧૨ ધાતુ પ્રતિમાઓ બિરાજમાન છે. ગોખલામાં શ્રી ગૌતમસ્વામીની પ્રતિમા કમળ ઉપર બિરાજમાન છે.
દેરાસરની બાજુમાં દાદાવાડી છે. તેમાં શ્રી અભયદેવસૂરિ, શ્રી જિનચંદ્રસૂરિ, શ્રી જિનદત્તસૂરિ, શ્રી જિનકુશલસૂરિ અને કવીન્દ્ર શ્રી સાગરસૂરિની આરસ મૂર્તિઓ બિરાજમાન છે. એક ગોખલામાં ભૈરવ અને બીજા ગોખલામાં કાળા ભૈરવ છે. બહાર કાચની ફ્રેઈમમાં શ્રી જિનદત્તસૂરિના જીવનના વિવિધ પ્રસંગોનાં ચિત્રો બનાવવામાં આવ્યાં છે.
દેરાસરની પ્રતિષ્ઠા સં. ૨૦૦૮માં આચાર્ય શ્રી વલ્લભસૂરિ મહારાજની નિશ્રામાં શ્રાવક શ્રી શાંતિલાલ હેમરાજ પારેખના હસ્તે કરાવવામાં આવેલ છે.
દેરાસરની વર્ષગાંઠ તિથિ મહાસુદ ૬ છે.
ઐતિહાસિક સંદર્ભ
સં. ૧૯૬૩ જૈન શ્વેતાંબર ડિરેકટરીમાં આ જિનાલયનો ઉલ્લેખ ધાબાબંધી તરીકે થયો છે. ૩ પાષાણ પ્રતિમાઓ તથા ૪૦ ધાતુ પ્રતિમાઓ હતી.
સં. ૨૦૧૦ જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલયનો ઉલ્લેખ ઘુમ્મટબંધી તરીકે થયો છે. ૩ પાષાણ પ્રતિમાઓ, ૨૨ ધાતુ પ્રતિમાઓ તથા ૧ સ્ફટીકની પ્રતિમાઓ હતા. શ્રી સંઘે આ દેરાસર બંધાવ્યાની નોંધ છે.
આ જિનાલયનો સમય સં. ૧૯૬૩ પૂર્વેનો છે તેમજ સં. ૨૦૦૮માં જીર્ણોદ્વાર કરાવી શિખરબંધી જિનાલય બનાવવામાં આવેલ છે.