________________
વડોદરાનાં જિનાલયો
(૧૧) શ્રી કુંથુનાથ ગૃહ ચૈત્ય (સંવત ૧૯૮૯ )
તમાકુવાળાની ખડકી, નરસિંહજીની પોળ. નરસિંહજીની પોળમાં તમાકુવાળાની ખડકીના ખૂણામાં ઉપરના માળે આ ઘરદેરાસર આવેલ છે.
જર્મન-સિલ્વરના કબાટમાં પબાસન પર મૂળનાયક શ્રી કુંથુનાથ ભગવાનની ૩" ની પ્રતિમા બિરાજમાન છે. શ્રી કુંથુનાથ ભગવાનની પ્રતિમામાં મૂર્તિલેખ નીચે મુજબ કોતરવામાં આવ્યો છે.
“શ્રીમાલ જ્ઞાતીય મુ. પાંચાબા સુભહી સુ. સંવધર મા. ૧૫૦૬ વર્ષે ચૈત્ર વદિ પાંચમ કુંથુનાથ બિંબ કારિત સીમા પક્ષીય ગુણસુંદરસૂરિ ઉપદેશે પ્રતિષ્ઠિતું.”
અહીં કુલ ૭ ધાતુ મૂર્તિઓ અને ૨ જોડ પગલાં બિરાજમાન છે.
દેરાસરની વર્ષગાંઠ તિથિ વૈશાખ સુદ ૬ છે. તે નિમિત્તે સમગ્ર પરિવાર એકઠો થઈ વર્ષગાંઠ ઉજવે છે.
દેરાસરનું સ્થાપના વર્ષ સંવત ૧૯૮૯ છે. દેરાસરનો વહીવટ શ્રી ચંદુલાલ લીલાચંદ કોઠારી હસ્તક છે.
ઐતિહાસિક સંદર્ભ સંવત ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલયનો ઉલ્લેખ ઘરદેરાસર તરીકે થયો છે. ૫ ધાતુપ્રતિમાઓ તથા ૧ સ્ફટીક પ્રતિમા હતી. કોઠારી રામદાસ હરજીવનદાસે આ દેરાસર બંધાવ્યાની નોંધ છે.
આ જિનાલયનો સમય સંવત ૧૯૮૯નો છે.
(૧૨) શ્રી દાદા પાર્શ્વનાથ જિનાલય (સંવત ૧૯૬૩ પૂર્વે)
નરસિંહજીની પોળ, જગમાલની પોળ. નરસિંહજીની પોળમાં આવેલ નાના નરસિંહજીના મંદિર પાસે આ ભવ્ય દેરાસર આવેલું છે. આ જિનાલય ઘુમ્મટબંધી છે.
મુખ્ય પ્રવેશદ્વારથી પ્રવેશતાં વિશાળ રંગમંડપના ઘુમ્મટમાં સુંદર ચિત્રકામ છે. વર્તમાન ચોવીસીના ચોવીસ તીર્થંકર પરમાત્મા અને તેઓનાં યક્ષ-યક્ષિણી ચિત્રિત કરેલાં છે. વળી, શ્રી દાદા પાર્શ્વનાથ, શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ, શ્રી માણેકસ્વામી, શ્રી સીમંધરસ્વામી, શ્રી ગૌતમસ્વામી, શ્રી પદ્માવતી દેવી, શ્રી આદિનાથ અને શ્રી શાંતિનાથ ભગવાન તેમજ ઇન્દ્ર-ઇન્દ્રાણી, અલ્હાબાદનો ત્રિવેણી સંગમ, કુલપાકજી, અંતરીક્ષજી, ભદ્રાવતી, ભોપાવર આદિ તીર્થો અને શ્રી