________________
વડોદરાનાં જિનાલયો
૨૧૧
દેરાસરની વચ્ચેના ગભારાની વર્ષગાંઠ તિથિ ફાગણ સુદ ૩ તેમજ આજુબાજુના ગભારાની વર્ષગાંઠ તિથિ માગશર વદ ૧ છે. આ નિમિત્તે શ્રી મહાસુખલાલ મનસુખલાલ અમરચંદ પરિવાર તરફથી વચ્ચેના ગભારાની, શ્રી ચીમનલાલ ગીરધરલાલ હેમચંદ પરિવાર તરફથી શ્રી પાર્શ્વનાથ ભગવાનના ગભારાની તેમજ શ્રી સેવંતીલાલ માણેકલાલ પરિવાર તરફથી શ્રી ધર્મનાથ ભગવાનના ગભારાની ધ્વજા ચઢાવવામાં આવે છે. '
શ્રી શાંતિનાથ ચોકમાં શ્રાવકના ૨ અને શ્રાવિકાના ૧ ઉપાશ્રય છે તથા પાઠશાળા પણ ચાલે છે. આયંબિલશાળા પણ છે જ્યાં નવપદજીની ઓળીમાં આયંબિલ કરાવવામાં આવે છે. ધર્મશાળા અને ભોજનશાળા માટે પણ અલગ મકાન છે, પરંતુ યાત્રાળુઓની ખાસ અવરજવર રહેતી ન હોવાથી હાલ બંધ છે.
આશરે ૩૫૦ જૈન કુટુંબોની વસ્તી ધરાવતાં ગોધરા શહેરમાં કુલ ૩ દેરાસર અને ૧ ઘરદેરાસર છે. છેલ્લા ૫૦ વર્ષમાં શહેરમાંથી ૧૫ ભાઈઓ અને ૪ બહેનોએ દીક્ષા ગ્રહણ કરેલ છે. શ્રી શુભંકરવિજયજી મ. સા. તથા આ. શ્રી સૂર્યોદયસૂરીશ્વરજી મ. સા. મૂળ ગોધરાના નિવાસી હતા એમ ત્યાંના વડીલોએ રૂબરૂ મુલાકાત વેળાએ જણાવ્યું છે.
ઉપાશ્રયની સામેની ગલીમાં એક નાની ઓરડી જેવું ઘુમ્મટબંધી શ્રી સિદ્ધચક્રજી મંદિર છે જેમાં દિવાલ પર શ્રી સિદ્ધચક્રજી યંત્રનો આરસનો પટ છે. પટમાં મધ્યમાં શ્રી અરિહંત પદના સ્થાન પર અરિહંત પરમાત્માની સુંદર આરસની પ્રતિમા છે.
ઐતિહાસિક સંદર્ભ સંવત ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલયનો ઉલ્લેખ શિખરબંધી તરીકે થયો છે. ૨૮ પાષાણ પ્રતિમાઓ, ૨૩ ધાતુ પ્રતિમાઓ હતી. શ્રી સંઘે આ દેરાસર બંધાવ્યું હતું. શ્રી શાંતિનાથ ભગવાનની પેઢી હા. મણિલાલ પાનાચંદ તેનો વહીવટ કરતાં હતા. દેરાસરની સ્થિતિ સારી હતી.
બીજું મૂળનાયક શ્રી ધર્મનાથ ભગવાનનું દેરાસર હતું જેનો ઉલ્લેખ ધાબાબંધી તરીકે થયો છે. તેમાં ૩ પાષાણ પ્રતિમાઓ, ૩ ધાતુ પ્રતિમાઓ હતી. શેઠ મગનલાલ વસનજીએ સં. ૧૯૪૫માં આ દેરાસર બંધાવ્યું હતું. તેઓ જ તેનો વહીવટ કરતા હતા. હાલ આ દેરાસરની પ્રતિમા શ્રી શાંતિનાથ ભગવાનના દેરાસરમાં અલગ ગભારો બનાવી પધરાવવામાં આવેલ છે.
(૧૭) અમીઝરા શ્રી સુમતિનાથ જિનાલય મહાવીર જૈન સોસાયટી, મહાસુખધામ, ગોધરા. તા. ગોધરા. ગોધરામાં એસ. ટી. સ્ટેન્ડની પાછળ આવેલું મહાવીર જૈન સોસાયટીના વિશાળ પ્લોટમાં મૂળનાયક શ્રી સુમતિનાથ ભગવાનનું સાદા પત્થર અને આરસનું બનેલું ત્રણ શિખરવાળું દેરાસર આવેલું છે.