________________
૨૦૯
વડોદરાનાં જિનાલયો
ગામમાં શ્રાવકોનો એક અને શ્રાવિકાના બે ઉપાશ્રય તથા શ્રી ચંદનસાગરજી અને શ્રી શાંતિસાગરજી જ્ઞાનભંડાર, આયંબિલશાળા તેમજ પાઠશાળા પણ છે. ગામમાં આશરે ૫૦ કુટુંબ વસે છે. ગામમાંથી ૨૩ મુમુક્ષુએ દીક્ષા ગ્રહણ કરેલ છે.
ઐતિહાસિક સંદર્ભ સંવત ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલયનો ઉલ્લેખ શિખરબંધી તરીકે થયો છે. ૭ પાષાણ પ્રતિમાઓ અને ૨૭ ધાતુ પ્રતિમાઓ હતી. શ્રી સંઘે આ દેરાસર બંધાવ્યું હતું. શેઠ પાનાચંદ ખેમચંદ તેનો વહીવટ કરતા હતા. દેરાસરની સ્થિતિ સારી હતી.
(૧૬) શ્રી શાંતિનાથ ભગવાનનું મોટું જિનાલય
ટાવર પાસે, શાંતિનગર ચોક, ગોધરા. તા. ગોધરા ગોધરા શહેરમાં બજારમાં, ટાવર પાસે, દેરાસર ફળિયામાં મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનનું સાદા પત્થર અને આરસનું બનેલું ત્રણ શિખરયુક્ત દેરાસર આવેલું છે.
કમાનો તેમજ નારી શિલ્પવાળા દરવાજામાંથી વિશાળ પરિસરમાં પ્રવેશ થાય છે. પ્રવેશદ્વારની બાજુની દિવાલ પર લેખ લખેલ છે જે નીચે મુજબ છે.
“સ્વસ્તિ શ્રી ગોધરા નગરી પ્રાચીન શ્રી શાન્તિજિન પ્રાસાદમાં મૂ.ના. શ્રી શાંતિ પ્રભુની પ્રતિમા ખંડિત થવાથી દહેજથી સંપ્રતિ રાજાની ભરાવેલી પ્રતિમા લાવી સં. ૧૯૯૮ના ફા. સુ. ૩ ઈ. સ. ૧૯૪૨ના દિવસે શ્રી વિજય અમૃતસૂરીશ્વરના હસ્તે તથા પાવાગઢથી લાવેલ શ્રી ચિંતામણી પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરવામાં આવેલ, ત્યાર બાદ વિ. સં. ૨૦૧૯માં જીર્ણોદ્ધાર કરાવી માગશર વદ ૧ના રોજ બે નવા ગભારા બનાવ્યાં તથા ગોધરાના નાના દેરાસરમાંથી શ્રી ધર્મનાથ ભગવાન લાવી આચાર્ય શ્રી સુરેન્દ્રસાગરજી મ. સા. ની નિશ્રામાં પ્રતિષ્ઠા થયેલ છે.”
દેરાસરના પરિસરમાં પ્રવેશતાં તુરત જ જમણી બાજુ શ્રી ઘંટાકર્ણ વીરનું અલગ મંદિર છે. બાજુમાં ગુરુમંદિર છે, જ્યાં શ્રી તીર્થંકર પરમાત્માની એક પાષાણ પ્રતિમા તેમજ વચ્ચે શ્રી ગૌતમસ્વામીની પ્રતિમા બિરાજમાન છે. બહાર દેવકુલિકામાં શ્રી પદ્માવતી માતાની મૂર્તિ બિરાજમાન છે. તથા શ્રી શુભંકર સ્મૃતિ મંદિર છે તેમાં શ્રી આનંદસાગરસૂરિ મ. સા. અને શ્રી શુભંકરસૂરિ મ. સા.નાં પગલાં બિરાજમાન છે.
આ ઉપરાંત ડાબી તરફ એક ઓરડીમાં શ્રી શ્રેયાંસકુમાર શ્રી આદીશ્વર ભગવાનને પારણાં કરાવતાં હોય તેવી ઊભી આરસની પ્રતિમા જોવા મળે છે.
આગળ જતાં ચોકમાં પ્રવેશતાં જમણી બાજુ પેઢીનું કાર્યાલય અને યાત્રિકોના રોકાણ માટેની રૂમો આવેલી છે, તેમજ ડાબી બાજુ દેરાસર આવેલું છે.
મુખ્ય જિનાલયના આશરે ૬ પગથિયાં ચઢતાં પહેલા બે બાજુ બે દ્વારપાળની આકૃતિ છે.