________________
૨૦૮
વડોદરાનાં જિનાલયો ઐતિહાસિક સંદર્ભ સંવત ૨૦૧૦માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં આ જિનાલયનો ઉલ્લેખ શિખરબંધી તરીકે થયો છે. જેમાં ૨ પાષાણ પ્રતિમાઓ અને ૧ ધાતુ પ્રતિમા હતી. શ્રી સંઘે આ દેરાસર બંધાવ્યું હતું. શેઠ પાનાચંદ ખેમચંદ તેનો વહીવટ કરતાં હતા. દર વર્ષે ફાગણ સુદ ૧૧ના રોજ મેળો ભરાવવાનો ઉલ્લેખ છે. દેરાસરની સ્થિતિ સારી હતી.
(૧૫) શ્રી આદિનાથ જિનાલય
વેજલપુર. તા. કાલોલ કાલોલથી ૧૪ કિ. મી.ના અંતરે આવેલ વેજલપુર ગામમાં જૈન દેરાસર ફળિયામાં મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનનું આરસનું શિખરબંધી દેરાસર આવેલું છે.
દેરાસરના પ્રાંગણમાં પ્રવેશતાં આપણી ડાબી બાજુ ગુરુમંદિર આવેલ છે. તેની મધ્યમાં ૧૧" ની શ્રી ગૌતમસ્વામીની પ્રતિમા તેમજ આજુબાજુ શાસનસમ્રાટ શ્રી વિજય નેમિસૂરીશ્વરજી મ. સા. અને આગમોદ્ધારક આ. શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મ. સા. ની પ્રતિમા બિરાજમાન છે. આપણી જમણી તરફ સામે કેસર-સુખડની રૂમ, તેની બાજુમાં ગોખમાં શ્રી માણિભદ્રવીરની મૂર્તિ તેમજ પાછળ સામરણયુક્ત શ્રી સિદ્ધચક્રજી મંદિર છે.
આઠ પગથિયાં ચઢતાં ઓટલો આવે છે. તેમાં વિવિધ શિલ્પ જોવા મળે છે. ત્રણ પ્રવેશદ્વારમાંથી રંગમંડપમાં પ્રવેશ થાય છે. રંગમંડપને અન્ય બે બાજુ અન્ય બે પ્રવેશદ્વાર પણ છે. રંગમંડપમાં સ્તંભો પર નારી-શિલ્પ જોવા મળે છે. અહીં તીર્થંકર પરમાત્માની ૧ પાષાણ પ્રતિમા અને ૩ ધાતુ પ્રતિમાઓ તથા ગોખમાં શ્રી ગોમુખ યક્ષ અને શ્રી ચક્રેશ્વરી દેવીની પ્રતિમા બિરાજમાન છે. વળી અહીં વિવિધ તીર્થપટ પણ જોવા મળે છે.
ત્રણ ગર્ભદ્વારવાળા ગભારામાં મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનની ૧૧" ની ધાતુની પ્રતિમા બિરાજમાન છે. અહીં કુલ ૧૧ પાષાણ પ્રતિમાઓ અને ૨૬ ધાતુ પ્રતિમાઓ બિરાજમાન
છે.
દેરાસરનો જીર્ણોદ્ધાર થયેલ છે. ત્યાર બાદ આ. શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજીના શિષ્ય મુનિશ્રી રંગવિજયજી મ. સા. ની નિશ્રામાં નાથાલાલ પૂજાલાલ પરિવારના હસ્તે પુન:પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
દેરાસરની વર્ષગાંઠ તિથિ વૈશાખ સુદ ૬ છે. આ નિમિત્તે પ્રભાવના કરવામાં આવે છે. ગોધરાના શેઠ શ્રી મગનલાલ જેઠાલાલને કાયમી ધ્વજા ચઢાવવાનો આદેશ આપવામાં આવ્યો છે, પરંતુ તેમના પરિવારના સભ્યો હાજર ન હોય તો ગામમાંથી કોઈ એક વ્યક્તિ ધ્વજા ચઢાવે છે.