________________
વડોદરાનાં જિનાલયો
ગામ : સાલપુરા તાલુકો : સંખેડા ૬૨. શ્રી કેસરિયાજી આદિનાથ (સં. ૨૦૫૫)
૧૪૧
ડભોઈ–બોડેલી હાઈવે ઉપર તેમજ સંખેડાથી ૧૫ કિ. મી.ના અંતરે સાલપુરા ગામમાં શ્રી કેસરિયાજી આદિનાથ ભગવાનનું સામરણયુક્ત શિખરબંધી દેરાસર આવેલ છે.
વિશાળ પ્રાંગણ ધરાવતાં દેરાસરની બાજુમાં આરાધના ભવન અને ૨૧ રૂમ ધરાવતી ધર્મશાળા પણ છે. દેરાસરની આજુબાજુ બે દેવકુલિકા બનાવવાનું કાર્ય હાલ ચાલુ છે. ૨૦ પગથિયાં ચઢીને જિનાલયના મુખ્ય ૩ પ્રવેશદ્વારમાંથી રંગમંડપમાં પ્રવેશ થાય છે.
એક ગર્ભદ્વારવાળા ગભારાની મધ્યમાં મૂળનાયક શ્રી કેસરિયાજી આદિનાથ ભગવાનની ૧૯" ની કસોટીના પત્થરમાંથી બનાવેલ, શ્યામ વર્ણની, પંચતીર્થી પ્રતિમા બિરાજમાન છે. અહીં ૭ પાષાણ પ્રતિમાઓ તથા ૪ ધાતુ પ્રતિમાઓ બિરાજમાન છે.
મૂળનાયક ભગવાનની પ્રતિમા પરના લેખમાં “સં. ૨૦૦૮ જેઠ સુદ-૬ બુધવાર આ. શ્રી વિજયવલ્લભસૂરિ.'' એ પ્રમાણે વાંચી શકાય છે.
ભોંયરામાં એક ગર્ભદ્વારવાળા ગભારા મધ્યે મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનની ૫૧" ની પ્રતિમા સહિત ૬ પાષાણ પ્રતિમાઓ (જેમાં ૨ શ્યામ વર્ણની) તથા ૬ ધાતુ પ્રતિમાઓ બિરાજમાન છે.
શ્રી આદિનાથ ભગવાનની પ્રતિમા પર નીચે મુજબનો લેખ કોતરવામાં આવ્યો છે.
“વીર સં. ૨૫૨૫ વિ. સં. ૨૦૫૫ ઈ. સ. ૧૯૯૯ માઘ શુક્લા પંચમ્યા તીથૌ શુક્રવાસરે ઉત્તરભાનુ નક્ષત્રે સાલપુર ઇન્દ્રધામ જિનાલયસ્ય ભૂગર્ભે ઈદમ યુગાવતારી શ્રી આદિનાથ જિનબિંબ પાંચાલદેશોલદ્વારકાણાં તપાગચ્છીય જૈનાચાર્ય શ્રીમદ્ વિજયાનંદ સૂરીશ્વરાણાં પટ્ટાલંકાર પંજાબ કેસરી યુગવીર જૈનાચાર્ય શ્રીમદ્ વિજયવલ્લભસૂરીશ્વરાણાં . ઇન્દ્રદિન્નસૂરિભિઃ પાનીદેવી આત્મ શ્રેયાર્થે જીવરાજજી પરિવારેણ કારાપિત.
આશરે ૫૦ જૈન કુટુંબોની વસ્તી ધરાવતા આ ગામના એકમાત્ર દેરાસરની વર્ષગાંઠ તિથિ મહા સુદ ૫ છે જે નિમિત્તે શ્રી સંઘ તરફથી શ્રીસંઘજમણ રાખવામાં આવે છે તથા શેઠ શ્રી પારસમલજી પરિવાર તરફથી ધ્વજા ચઢાવવામાં આવે છે.
દેરાસરના પરિસરમાં શ્રી વિજયઇન્દ્ર આરાધના ભુવન નામનો ૩ માળનો શ્રાવકશ્રાવિકા બંનેના ઉપયોગ માટેનો ઉપાશ્રય છે. શેઠ શ્રી રાયચંદ ગુલાબચંદ અચ્છારીવાળા તરફથી પાઠશાળા ચાલે છે જેમાં ૨૦ વિદ્યાર્થીઓ ધાર્મિક શિક્ષણ મેળવે છે.
છેલ્લા ૫૦ વર્ષ દરમિયાન આચાર્ય શ્રી ઇન્દ્રદિક્ષસૂરીશ્વરજી મ. સા. સહિત કુલ ૪ મુમુક્ષોએ ગામમાંથી દીક્ષા ગ્રહણ કરેલ છે.
જિનાલયનો સમય સં. ૨૦૫૫નો છે.