________________
૧૨૨
વડોદરાનાં જિનાલયો
ગામ : માસર રોડ તાલુકો : પાદરા
૩૧. શ્રી અભિનંદન સ્વામી જિનાલય (સં. ૧૯૯૧) પાદરાથી ૨૯ કિ. મી.ના અંતરે માસર રોડ, ગામમાં બજારમાં મૂળનાયક શ્રી અભિનંદન સ્વામીનું પશ્ચિમાભિમુખ, એક શિખરવાળું, નલીનીગુલ્મ આકારનું, દેવવિમાન જેવું આરસયુક્ત જિનાલય આવેલું છે.
મુખ્ય દરવાજામાંથી પ્રવેશતાં મોટા ચોકમાં એક તરફ શ્રી સિદ્ધચક્ર યંત્ર, શ્રી અષ્ટાપદ, શ્રી ગિરનાર, શ્રી શત્રુંજય, શ્રી આબુ, શ્રી સમેતશિખર આદિ વિવિધ તીર્થોના પટ દિવાલ ઉપર કોતરણી કરી કાચથી મઢેલાં છે. બાજુમાં ૪ દેરી છે જેમાં શ્રી જયસિંહસૂરીશ્વરજી, શ્રી ઘંટાકર્ણ વીર, શ્રી માણિભદ્રવીર તથા શ્રી મણિવિજય દાદાની પ્રતિમા સ્થાપિત કરવામાં આવેલ છે.
મોટો ચોક પસાર કરી, પાંચ પગથિયાં ચઢીને દેરાસરમાં પ્રવેશ થાય છે. જોકે મુખ્ય પ્રવેશદ્વાર હાલ ઉપયોગમાં લેવાતો નથી અને જમણી બાજુના પ્રવેશદ્વારનો વિશેષ ઉપયોગ કરવામાં આવે છે. મુખ્ય ત્રણ પ્રવેશદ્વારવાળા દેરાસરના રંગમંડપના ઘુમ્મટમાં રાસ રમતી નારીઓ, ફૂલમાળા લઈ ઊભેલી દેવીઓના સુંદર ચિત્રકામ જોવા મળે છે. વળી એક શ્રી સિદ્ધચક્ર મહામંત્રનો પટ પણ છે.
એક ગર્ભદ્વારવાળા ગભારાની બહાર ગોખમાં શ્રી યશ યક્ષ તથા શ્રી કાલિકા યક્ષિણીની આરસની મૂર્તિઓ બિરાજમાન છે તેમજ બે બાજુની દિવાલમાં ડાબી બાજુ ગોખમાં શ્રી મહાવીરસ્વામી તેમના મોટાભાઈ નંદીવર્ધન સમક્ષ પોતાની દીક્ષાની મંજૂરી માંગતા પ્રસંગને ઉપસાવેલ છે તેમજ જમણી બાજુ શ્રી પદ્માવતી દેવીની ધાતુ પ્રતિમા છે.
ગભારામાં મૂળનાયક શ્રી અભિનંદસ્વામીની ૩૯" ની પ્રતિમા સહિત કુલ ૩ પાષાણ પ્રતિમાઓ તથા ૧૨ ધાતુ પ્રતિમાઓ બિરાજમાન છે.
વિ. સં. ૧૯૯૩માં આ જિનાલયની સ્થાપના કરવામાં આવેલ. આ જિનાલયની વર્ષગાંઠ તિથિ મહા વદ ૭ છે જે નિમિત્તે શ્રી સંઘ તરફથી જમણવાર કરવામાં આવે છે તેમજ ચડાવો બોલીને ધ્વજા ચઢાવવામાં આવે છે. જે ભાગ્યશાળી ચઢાવાનો લાભ લે તેમના તરફથી પ્રભાવના પણ કરવામાં આવે છે.
આ જ વિસ્તારમાં શ્રાવકના ૨ અને શ્રાવિકાનો ૧ ઉપાશ્રય છે તેમજ ૨૦૦થી ૩૦૦ પુસ્તકોનો જ્ઞાનભંડાર છે. “શ્રી આત્માનંદ જૈન પાઠશાળા” પણ ચાલે છે જેમાં ૩૦ વિદ્યાર્થીઓ ભણવા માટે આવે છે. દરરોજ સવારે દેરાસરમાં આશરે ૨૦ ભાવિકો ખૂબ જ ભક્તિભાવનાપૂર્વક શ્રી ભક્તામર સ્તોત્રનું પઠન કરે છે.
હાલ ગામમાં ૪૦ જૈન કુટુંબો રહે છે. છેલ્લા ૫૦ વર્ષમાં ગામની કોઈ વ્યક્તિએ દીક્ષા ગ્રહણ કરેલ નથી પરંતુ બોડેલીના પૂ. આ. શ્રી જગશ્ચંદ્રસૂરીશ્વરજીની દીક્ષા અહીં દેરાસરના ચોકમાં થયેલ.