________________
૧૨૦
વડોદરાનાં જિનાલયો
ગામ : મોભા તાલુકો : પાદરા
૨૯. શ્રી વર્ધમાનસ્વામી જિનાલય (સં. ૨૦૩૯) પાદરાથી ૧૮ કિ. મી.ના અંતરે આવેલ મોભા ગામમાં સ્ટેશન પાસે પૂર્વાભિમુખ, એક શિખરવાળું તથા સાદા પત્થર અને આરસનું બનેલું શ્રી વર્ધમાનસ્વામી જૈન દેરાસર આવેલ છે.
૫ પગથિયાં ચઢતાં નાના નૃત્યમંડપમાં પ્રવેશ થાય છે જ્યાંથી ૩ પ્રવેશદ્વારમાંથી રંગમંડપમાં પ્રવેશ થાય છે. મુખ્ય પ્રવેશદ્વારની આજુબાજુ બે દ્વાર ઉપર શ્રી ગિરનાર તથા શ્રી શત્રુંજય તીર્થના પટનાં ચિત્ર મઢેલાં છે.
એક ગર્ભદ્વારવાળા ગર્ભદ્વારની બહાર બે બાજુ ગોખમાં શ્રી માતંગ યક્ષ અને શ્રી સિદ્ધાયિકા દેવીની આરસ પ્રતિમાઓ બિરાજમાન છે.
ગર્ભગૃહ મધ્યે મૂળનાયક શ્રી વર્ધમાનસ્વામી (શ્રી મહાવીરસ્વામી)ની ૨૫" ની પ્રતિમા સહિત ૫ પાષાણ પ્રતિમાઓ તથા ૭ ધાતુ પ્રતિમાઓ બિરાજમાન છે.
મૂળનાયક ભગવાનની પ્રતિમા પર નીચે મુજબ લેખ છે.
“સ્વસ્તિ શ્રી વર્ધમાનસ્વામી જિનબિંબ પાટણ વર્તમાન મુંબઈ વા. શ્રે. મોહનલાલ સુત રસિકલાલ શ્રાદ્ધની પત્ની કમલાબેન આદિ પરિવાર યુનેન કા. પ્ર. ચ. શાસનસમ્રાટ તપા. આ. શ્રી વિજયનેમિસૂરીશ્વર પટ્ટધર વિજયવિજ્ઞાનસૂરિ પટ્ટધર શિષ્ય વિજયચંદ્રોદયસૂરિભિ. . . .”
વિ. સં. ૨૦૩૯માં આ દેરાસરની સ્થાપના પૂ. આ. શ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મ. સા. ની નિશ્રામાં થઈ હતી. દેરાસરની વર્ષગાંઠ તિથિ વૈશાખ વદ ૧૦ છે જે નિમિત્તે સંઘ તરફથી જમણવાર કરવામાં આવે છે, પ્રભાવના આપવામાં આવે છે તથા મૂળનાયક ભગવાનની પ્રતિષ્ઠાનો લાભ લેનાર સુશ્રાવક શેઠ શ્રી રસિકલાલ પાત્રાવાલા પરિવાર તરફથી ધ્વજા ચઢાવવામાં આવે છે.
૧૨ જૈન કુટુંબોની વસ્તી ધરાવતા આ ગામમાં શ્રાવક-શ્રાવિકાનો ૧-૧ ઉપાશ્રય છે જેમાં પાઠશાળા ચલાવવામાં આવે છે. ૨૦ વિદ્યાર્થીઓ ભણે છે. બાળકો ખૂબ જ ઉત્સાહી છે. દર વર્ષે પર્યુષણ પર્વની શરૂઆત પહેલાં ઉત્સાહભેર સુંદર કાર્યક્રમોનું આયોજન કરે છે તથા શ્રી શત્રુંજય આદિ તીર્થ કે દેરાસરની નાની સુંદર પ્રતિકૃતિ બનાવી દર્શનાર્થે રાખે છે. જોકે બાળકોના પરિવારજનો તથા પાઠશાળાનાં શિક્ષિકાબેન શ્રીમતી સવિતાબેન તેમને ઘણું માર્ગદર્શન પૂરું પાડે છે.
ઐતિહાસિક સંદર્ભ સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલયનો ઉલ્લેખ ઘરદેરાસર તરીકે થયો છે. મૂળનાયક ભગવાન શ્રી સંભવનાથજી હતા. અહીં ૪ ધાતુ પ્રતિમાઓ હતી. શેઠ અમરચંદ કપૂરચંદે લગભગ સંવત ૧૯૭૦માં આ દેરાસર બંધાવ્યું હતું. શેઠ સોમચંદ દેવચંદ તેનો વહીવટ કરતા હતા. દેરાસરની સ્થિતિ સાધારણ હતી.