________________
૧૧૪
વડોદરાનાં જિનાલયો
પ્રતિમાજી અને સુંદર ચિત્રકામનો ઉલ્લેખ છે. દેરાસરની સ્થિતિ સારી હતી.
જિનાલયનો સમય સં. ૧૯૬૩ પૂર્વેનો છે. પ્રતિમા લેખને આધારે માની શકાય કે સંવત ૧૭00 આસપાસ જિનાલયની પ્રતિષ્ઠા થયેલ હોવી જોઈએ તેમ છતાં નિશ્ચિત સમય નક્કી કરવા વધુ સંશોધનની જરૂર છે.
ગામ : પાદરા તાલુકો : પાદરા ૨૪. શ્રી સંભવનાથ જિનાલય (સં. ૧૯૩૧ પૂર્વે) પાદરા ગામમાં ચોકસી બજારમાં ત્રણ શિખરવાળું, આરસયુક્ત બનેલ શ્રી સંભવનાથ જિન દેરાસર આવેલ છે.
દેરાસરના મુખ્ય દ્વારની ઉપરની ધાબાની દિવાલ પર સુંદર સોનેરી રંગના ટીકાથી સુશોભિત બે હરણની આકૃતિ છે. પગથિયાં ચઢીને લાંબા ચોરસ ઓટલા પર રંગીન ૮ થાંભલા છે તેમજ જમણી બાજુની દિવાલ પર હાથીની પ્રતિકૃતિ છે. કાષ્ઠના બનેલાં ૩ પ્રવેશદ્વારમાંથી રંગમંડપમાં પ્રવેશ થાય છે જેના મુખ્ય પ્રવેશદ્વારની બે બાજુ ઊભેલાં દ્વારપાળનાં શિલ્પ છે તેમજ પ્રવેશદ્વારની મધ્યમાં ઉપર બે હરણ અને વચ્ચે લક્ષ્મી દેવીની આકૃતિ ઉપસાવેલ છે. મધ્યમાં દ્વારમાંથી પ્રવેશતાં મોટા લંબચોરસ રંગમંડપમાં ડાબી બાજુના એક ગોખલામાં શ્રી બુદ્ધિસાગરજી મ. સા. ની ગુરુમૂર્તિ અને સમવસરણનો પટ તેમજ જમણી બાજુ ગોખલામાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની આરસ પ્રતિમા બિરાજમાન છે. રંગમંડપમાં થાંભલા ઉપર ૧૦ લંબગોળ અરીસા અને તેની ઉપર લંબચોરસ અરીસા મૂકેલા છે. ગોખમાં રક્ત વર્ણની યક્ષિણીની પ્રતિમા છે.
દેરાસરના મુખ્ય ગભારાને ત્રણ પ્રવેશદ્વાર જર્મન-પિત્તળના તેમજ બીજા બે ગભારાને ૧-૧ પ્રવેશદ્વાર આવેલાં છે. મુખ્ય ગર્ભગૃહ મધ્યે મૂળનાયક શ્રી સંભવનાથ ભગવાનની ૧૭" ની પાષાણ પ્રતિમા બિરાજમાન છે. જમણી બાજુના ગભારામાં શ્રી ચંદ્રપ્રભસ્વામી તથા ડાબી બાજુના ગભારામાં શ્રી વાસુપૂજ્ય સ્વામીની પાષાણ પ્રતિમા સહિત ૧૯ પાષાણ પ્રતિમાઓ જેમાં ૨ શ્યામ વર્ણની તથા ૪૭ ધાતુ પ્રતિમાઓ અત્રે બિરાજમાન છે.
દેરાસરની બાજુમાં એક ઓરડામાં વિવિધ તીર્થના પટ, ભગવાનનો જન્મોત્સવનો પ્રસંગ તેમજ ઉપસર્ગને દર્શાવતા પટ, દિવાલ ઉપર શ્રી પદ્માવતી દેવીના મસ્તક ઉપર શ્રી સેરીસા પાર્શ્વનાથ ભગવાનનો ફોટો ચિત્રિત કરેલ છે.
પ્રભુને પ્રદક્ષિણા આપવાની ભમતીમાં એક દેવકુલિકામાં 100 વર્ષ પ્રાચીન શ્રી મહાલક્ષ્મી દેવી તથા એક ગોખલામાં આરસના શ્રી નવપદજી છે.
વિ. સં. ૧૯૩૧માં આ દેરાસરનો જીર્ણોદ્ધાર થયેલ છે. આ દેરાસરની વર્ષગાંઠ તિથિ વૈશાખ સુદ ૧૫ છે જે નિમિત્તે સંઘ તરફથી જમણવાર કરવામાં આવે છે.