________________
૧૦૮
વડોદરાનાં જિનાલયો
ઐતિહાસિક સંદર્ભ સંવત ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં આ જિનાલયનો ઉલ્લેખ ધાબાબંધી તરીકે થયો છે. અહીં ૧૧ પાષાણ પ્રતિમાઓ તથા ૧૭ ધાતુ પ્રતિમાઓ હતી. સંવત ૧૯૪૦માં દેરાસર બંધાવ્યાનો ઉલ્લેખ છે.
સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલયનો ઉલ્લેખ ધાબાબંધી તરીકે થયો છે. ૧૨ પાષાણ પ્રતિમાઓ તથા ૧૭ ધાતુ પ્રતિમાઓ હતી. શ્રી સંઘે લગભગ સંવત ૧૯૪૩માં દેરાસર બંધાવ્યાનો ઉલ્લેખ છે. શેઠ છોટાલાલ છગનલાલ તેનો વહીવટ કરતા હતા. મૂળનાયક ભગવાનની પ્રતિમા પર લેખની સંવત ૧૯૨૧ છે. ૧ સ્ફટિકનાં પ્રતિમાજી અને ૨ ગુરુમૂર્તિઓનો ઉલ્લેખ છે. દેરાસરની સ્થિતિ સારી હતી.
જિનાલયનો નિર્માણ સમય સં. ૧૯૪૦નો છે.
ગામઃ ડભોઈ તાલુકો : ડભોઈ
૨૧. શ્રી આદીશ્વર જિનાલય (સં. ૧૯૧૫), ડભોઈ ગામ મધ્યે શ્રી આદીશ્વર ભગવાનનું આરસ તથા પત્થરકામયુક્ત, શિખરબંધી બે માળનું જિનાલય આવેલું છે.
જિનાલયમાં બે બાજુથી પ્રવેશ થાય છે : લોઢણ પાર્શ્વનાથના ખાંચામાંથી તથા પંડ્યા શેરીમાંથી. જિનાલયના પરિસરમાં કુલ ૩ દેવકુલિકાઓ આવેલ છે.
પત્થરના સાદી કોતરણીવાળા ચાર સ્તંભોવાળી શુંગારચોકીમાંથી પત્થરની બારસાખવાળા ૩ પ્રવેશદ્વારમાંથી રંગમંડપમાં પ્રવેશ થાય છે જ્યાં બે બાજુ આરસના ગોખમાં શ્રી ગોમુખ યક્ષ અને શ્રી ચકેશ્વરી દેવી (જેસલમેરી પીળા રંગની) પ્રતિમા બિરાજમાન છે. અહીંના વિશાળ રંગમંડપના દરેક સ્તંભ ઉપર નૃત્યમુદ્રામાં વાજિંત્રો વગાડતાં નારીશિલ્પો તેમજ રંગકામ કરેલ કોતરણીમય કમાનો જોવા મળે છે. ગર્ભદ્વારની બહાર બે બાજુ ગોખમાં શ્રી મહાવીરસ્વામી તથા શ્રી ગૌતમસ્વામીની પ્રતિમાઓ બિરાજમાન છે.
આરસની બારસાખથી યુક્ત ૩ ગર્ભદ્વારવાળા ગભારામાં મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનની ૨૫" ની પ્રતિમા બિરાજમાન છે. અહીં ૧૮ પાષાણ પ્રતિમાઓ (૧ સ્ફટિકના) અને ૨૭ ધાતુના પ્રતિમાઓ (૧ ચાંદીનાં) બિરાજમાન છે.
જિનાલયની જમણી બાજુથી ભોંયરામાં જવા માટેના દ્વારમાંથી આશરે ૧૫ પગથિયાં ઊતરતાં ડાબી બાજુ વિશાળ રંગમંડપમાં વચ્ચે લેમ્પ શેડ તથા આજુબાજુ રંગબેરંગી હાંડીઓ જોવા મળે છે જેમાં વીજળીના ગોળા ભરાવેલા છે. અહીં દિવાલ પર ફરતે વિવિધ પટ આવેલા છે.