________________
૧૦૬
વડોદરાનાં જિનાલયો ઐતિહાસિક સંદર્ભ સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલયનો ઉલ્લેખ શિખરબંધી તરીકે થયો છે. અહીં ૨૮ પાષાણ પ્રતિમાઓ ૭૧ ધાતુ પ્રતિમાઓ હતી. શ્રી સંઘે આ દેરાસર બંધાવ્યું હતું. શેઠ નગીનદાસ દોલતરામ તેનો વહીવટ કરતા હતા. વિશાળ દેરાસરમાં એક ધાતુની ગુરુમૂર્તિ તથા ભોંયરામાં પ્રતિમાજીનો ઉલ્લેખ છે. દેરાસરની સ્થિતિ સાધારણ હતી.
ગામ : ડભોઈ તાલુકો : ડભોઈ
૧૯. શ્રી શાંતિનાથ જિનાલય ડભોઈ ગામમાં લોઢણ પાર્શ્વનાથજીના ખાંચામાં પંડ્યા શેરીના નાકે ઘુમ્મટબંધ, આરસપત્થરયુક્ત શ્રી શાંતિનાથ જિનાલય આવેલ છે.
શેરીમાં ચોકની મધ્યમાં લોખંડના ઝાંપામાંથી આશરે ૫ પગથિયાં ચઢતાં કાષ્ઠના પ્રવેશદ્વારવાળી શૃંગારચોકીમાં પ્રવેશ થાય છે. અહીં ફર્શમાં આરસ તથા છતમાં પત્થરમાં ઉપસાવેલ ફૂલ-વેલની રંગીન કારીગરી છે તેમજ કાષ્ઠના ૮ સ્તંભો આવેલ છે. ડાબી બાજુ અગાસીમાં જવા માટે સીડી આવેલી છે.
પીત્તળથી મઢેલા પ્રવેશદ્વારમાંથી ગૂઢમંડપમાં પ્રવેશ થાય છે જયાં સામી બાજુની દિવાલ પર વિવિધ તીર્થપટ વિવિધ રંગોમાં શોભાયમાન છે જેમાં શ્રી અષ્ટાપદ, શ્રી આબુ, શ્રી શત્રુંજય, શ્રી સમેતશિખર તથા શ્રી ગિરનાર તીર્થના પટ છે તેમજ તેની નીચેની બાજુ દેવી તથા હાથીના શિલ્પ ઉપસાવેલાં છે.
જર્મન-સિલ્વરની બારસાખ સહિત જર્મન-સિલ્વર મઢિત ૩ ગર્ભદ્વાર પૈકી મુખ્ય ગર્ભદ્વારના ગભારા મળે ૨૧" ની શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિમા બિરાજમાન છે. ડાબા ગભારે શ્રી મહાવીરસ્વામી અને જમણા ગભારે શ્રી ચંદ્રપ્રભસ્વામીની પ્રતિમાઓ બિરાજમાન છે. આ ઉપરાંત ૧૦ પાષાણ પ્રતિમાઓ તથા ૧૧ ધાતુ પ્રતિમાઓ જેમાં ૧ ચાંદીની ચોવીસી બિરાજમાન છે. મુખ્ય દ્વારની આજુબાજુ ઐતિહાસિક પ્રસંગો તેમજ દ્વારપાળના શિલ્પ છે.
મૂળનાયક ભગવાનની પ્રતિમા પર નીચે મુજબ લેખ છે.
શા. ૧૯૨૧, સં. ૧૭૮૬ પ્ર. માઘ સુ. ૧૩ ગુરવાસરે અચલગચ્છ કચ્છદેશે કાંગરાના વાઉશવંશાલ . . . . . . . . ગોત્રે સા. શ્રી નાયકમણસ ભાર્યા બાહીરબાઈ કુક્ષે પુત્રરત્ન સા. શ્રી કેશવજી પાટલીપ્ત . . . . . . . ”
દેરાસરની વર્ષગાંઠ તિથિ મહા સુદ ૧૩ છે તે નિમિત્તે ધ્વજા ચઢાવવામાં આવે છે.
જૈન વાઘા વિસ્તારમાં શ્રાવકનો ૩ માળનો મહોપાધ્યાય યશોવિજયજી જૈન ઉપાશ્રય આવેલ છે. અહીં જ્ઞાનભંડાર, આયંબિલશાળા તેમજ આત્માનંદ જૈન પાઠશાળા આવેલ છે.