________________
૧૦૪
વડોદરાનાં જિનાલયો
ગામ : ડભોઈ તાલુકો : ડભોઈ
૧૭. શ્રી શાંતિનાથ જિનાલય (સં. ૧૯૩૧ ) ડભોઈ ગામમાં મોદીની શેરીમાં જુના શ્રી શાંતિનાથ ભગવાનનું ઘુમ્મટબંધી, આરસનું દેરાસર આવેલ છે.
દેરાસરની જમણી બાજુ કાષ્ઠના રંગકામવાળા દરવાજામાંથી પ્રવેશતાં આશરે ૪ પગથિયાં ચઢીને ઉપર અગાશીમાં જવા માટેની સીડીનો દરવાજો તથા ડાબી બાજુના સળીયાવાળા દરવાજામાંથી ૮ કાષ્ઠના સ્તંભવાળી લાંબી શૃંગારચોકીમાં એક કાષ્ઠનું જાળીવાળું તથા બીજું એમ બે પ્રવેશદ્વારવાળો દરવાજો છે. શૃંગારચોકીમાં સામે પત્થર ઉપર પ્લાસ્ટર ઑફ પેરિસમાંથી તૈયાર કરેલ શ્રી માણિભદ્રવીરની મૂર્તિ છે જેની ઉપર સોનેરી-રૂપેરી વરખ છાપેલ છે, તેમજ અહીં શૃંગારચોકીમાં કાષ્ઠના કઠેડાની રેલીંગ વચ્ચે બેઠક તથા એક પાટ મૂકેલ છેઃ
• આરસની ભૌમિતિક આકૃતિવાળી ફર્શ તથા પત્થર પર ફૂલ-પાનની કોતરણીમય આકર્ષક રંગોવાળી છત ધરાવતાં ગૂઢમંડપમાં પત્થરના સ્તંભો પણ રંગીન સાદી કોતરણીવાળા જોવા મળે છે. અહીં દિવાલ પર પત્થર વડે ઉપસાવેલ તથા લાલ અને સોનેરી રંગમાં જડતરથી જડેલ વિવિધ તીર્થના પટ છે જેમાં શ્રી અષ્ટાપદ, શ્રી નંદીશ્વર દ્વીપ, શ્રી ગિરનારજી ટુંક, શ્રી શત્રુંજય, શ્રી સમેતશિખર તથા શ્રી તારંગાનો સમાવેશ થાય છે. ઘુમ્મટમાં ચારે બાજુ સુંદર કાચની લટકતી હાંડીઓ જોવા મળે છે.
૩+૧ ડાબી બાજુ કાષ્ઠના એમ મળી કુલ ૪ ગર્ભદ્વાર ધરાવતાં ગભારમાં ૧૧" ની મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિમા સહિત ૧૭ પાષાણ પ્રતિમાઓ જેમાં ૨ કાઉસગ્ગ મુદ્રામાં તથા ૩૦ ધાતુ પ્રતિમાઓ બિરાજમાન છે.
આ દેરાસરનો જીર્ણોદ્ધાર થયેલ છે. વર્ષગાંઠ તિથિ માગશર સુદ ૫ છે.
દેરાસરમાં વરસાદના પાણીના સંગ્રહ માટે ૨ ટાંકા, ૧ કુવો છે જેમાંથી જરૂર મુજબ પાણી વાપરવામાં આવે છે.
ઐતિહાસિક સંદર્ભ સંવત ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં આ જિનાલયનો ઉલ્લેખ ધાબાબંધી તરીકે થયો છે. ૧૬ પાષાણ પ્રતિમાઓ તથા ૨૪ ધાતુ પ્રતિમાઓ હતી. શ્રી સંઘે આ દેરાસર સંવત ૧૯૩૧માં બંધાવ્યું હતું.
સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલયનો ઉલ્લેખ ધાબાબંધી તરીકે થયો છે. ૧૭ પાષાણ પ્રતિમાઓ તથા ૨૭ ધાતુ પ્રતિમાઓ હતી. શ્રી સંઘે આ દેરાસર બંધાવ્યું હતું. શેઠ જેઠાલાલ બાપુલાલ તેનો વહીવટ કરતા હતા. દેરાસરની સ્થિતિ સાધારણ હતી.
આ જિનાલયનો સમય સં. ૧૯૩૧નો છે.