________________
પાટણનાં જિનાલયો
કુમારપાલે પોતાનો કુળધર્મ છોડી શ્રી હેમચંદ્રસૂરિ પાસે સં. ૧૨૧૬માં શ્રાવકનાં બાર વ્રત અંગીકાર કર્યા હતાં, તેથી તે પરમહંત બની ચૂક્યો હતો. તેણે જુદે જુદે સ્થળે નાનાં મોટાં કુલ ૧૪00 જિનમંદિરો બંધાવ્યાં હતાં. આ સમય સુધીમાં જૈન ધર્મ પોતાની સોળે કલાએ ખીલી ઊડ્યો હતો. “સિદ્ધહેમ વ્યાકરણ'ના ગ્રંથનું પાટણ નગરમાં થયેલું ભવ્ય સામૈયું માત્ર જૈન પરંપરાની કીર્તિગાથા ન બની રહેતાં સમગ્ર ગુજરાતના ઇતિહાસની એક અભૂતપૂર્વ ઘટના તરીકે સ્થાન પામે છે.
કુમારપાલ પછી અજયપાલના શાસન દરમ્યાન તથા ત્યારબાદ અલ્લાઉદીનના સેનાપતિ મલિક કાફરના હાથે પાટણ જમીનદોસ્ત થયું અને સં. ૧૪૬૮માં પાટણની રાજગાદી ખસેડી તે વર્ષમાં સ્થપાયેલા અમદાવાદમાં લાવવામાં આવી. તે અંગેની નોંધ જૈન તીર્થ સર્વસંગ્રહમાં નીચે મુજબ આપવામાં આવી છે :
“કુમારપાલ પછી અજયપાલનાં ત્રણ વર્ષો જૈન ધર્મ માટે કટોકટીનાં હતાં. રાજયની અવનતિનાં બીજ એ સમયે રોપાયાં. અજયપાલે પોતાની અદૂરદર્શિતાથી જૈનો સાથે પ્રત્યાઘાતી વલણ દાખવ્યું. જૈનો હવે રાજકર્મમાંથી નિવૃત્ત થવા લાગ્યા. અજયપાલે કપર્દી જેવા જૈન મંત્રીનો નાશ કરાવ્યો. શ્રી હેમચંદ્રસૂરિના પટ્ટશિષ્ય શ્રી રામચંદ્રસૂરિને કનડગત કરી તેમનાં નેત્રો કઢાવી મંગાવ્યાં. આથી સ્વતંત્ર પ્રકૃતિના સૂરિવરને આત્મઘાત કરવો પડ્યો. કેટલાંયે જૈન મંદિરોને એણે ધરાશાયી કરી નાંખ્યાં. આવા જુલમી રાજાનું તેના નોકરના હાથે જ ખૂન થયું.
એ પછી ભીમદેવના (સં. ૧૨૩૪થી સં. ૧૨૯૮) સમયમાં વસ્તુપાલ તેજપાલ નામની બંધુબેલડીએ ગુજરાતના ડગમગતા સિંહાસનને સ્થિર કરી પ્રતાપી યશ પ્રાપ્ત કર્યો. આ કારણે જ તેઓ એ સમયમાં ચક્રવર્તી કરતાંયે વધુ યશસ્વી લેખાયા છે. તેમણે અનેક સ્થળે અને પાટણમાં પણ કેટલાંયે નૂતન મંદિરો બંધાવી, તેમજ જીર્ણ થયેલ તથા ખંડિત થયેલ મંદિરોનો જીર્ણોદ્ધાર કરી ગુજરાતની સ્થાપત્યકળાને વધુ લાક્ષણિક બનાવવામાં વિશિષ્ટ ફાળો આપ્યો છે.
રાજાઓ અને મંત્રીઓની માફક જૈન શ્રીમંતોએ મહોલ્લે મહોલ્લે અને પોતાની અટ્ટાલિકાઓમાં પણ જૈન મંદિરો કરાવ્યાં હતાં.
શ્રી સોમપ્રભસૂરિએ સં. ૧૨૪૧ના (કુમારપાળનું મરણ સં. ૧૨૨૯માં થયું તે પછી બારમા વર્ષે) સિદ્ધપાલની વસતિમાં રહીને “કુમારપાલ પ્રતિબોધ' ગ્રંથ રચ્યો; તેમાંની હકીકત મુજબ જ્યારે હેમચંદ્રસૂરિએ પાટણમાં પ્રવેશ કર્યો ત્યારે ૧૮૦૦ કોટિધ્વજ શેઠિયાઓ એ પ્રવેશ મહોત્સવમાં એકઠા થયા હતા. તેમની પાંચ-સાત માળની હવેલીઓ ઉપર જેટલા લાખ દ્રવ્ય તેની પાસે હોય તેટલા દીવા પ્રગટેલા જોવાતા. આ ઉપરથી પાટણના જૈન શ્રીમંતોની સંખ્યા અને સમૃદ્ધિનો ખ્યાલ આવી જાય છે. વળી અણહિલપુરનો ઘેરાવો બાર ગાઉનો હતો. ૮૪ ચોક અને ૮૪ બજારો હતાં. સોનારૂપાના સિક્કા પાડવાની ટંકશાળો હતી. શરાફી વગેરેનાં અલગ ચૌટાં હતાં. દરેક નાતના મહોલ્લા જુદા જુદા હતા. પાટણ માનવમહેરામણથી જાણે ઊભરાતું હતું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org