________________
૧૫૨
પાટણનાં જિનાલયો
તથા એક પુસ્તકભંડારનો પણ ઉલ્લેખ છે. જિનાલયની સ્થિતિ સારી હતી. વહીવટ શાહ મંગલચંદ લલ્લચંદ શાહ હસ્તક હતો. ઉપરાંત તે સમયે ભાભાના પાડામાં પૂનમચંદ લલ્લચંદ સાંડેસરા પરિવારનું સુવિધિનાથનું એક ઘરદેરાસર પણ વિદ્યમાન હોવાની નોંધ છે.
આજે ભાભા પાર્શ્વનાથના જિનાલયમાં અઢાર આરસપ્રતિમા છે. જિનાલયનો વહીવટ આ વિસ્તારમાં જ રહેતા શ્રી ભાનુભાઈ ચીમનલાલ શાહ તથા મુંબઈનિવાસી શ્રી અશ્વિનભાઈ કીર્તિભાઈ શાહ, શ્રી જિતેન્દ્રભાઈ મણિલાલ શાહ તથા ચંદ્રકાન્તભાઈ અમૃતલાલ શાહ હસ્તક છે. આજે જિનાલયમાં પગલાંની અગિયાર જોડ છે જે પૈકી કેટલાંક પગલાંની જોડ ઘણી પ્રાચીન જણાય છે. આ પગલાંની જોડ પૈકી એક પર સં. ૧૪૧૧નો લેખ છે. ઉપરાંત સં. ૧૬૨૧, સં. ૧૬૫૧ તથા સં. ૧૬૭૩ની પાદુકાઓ પણ છે.
ટૂંકમાં આ જિનાલય સં. ૧૫૭૬ પૂર્વેનું છે.
ખજૂરીનો પાડો મનમોહન પાર્શ્વનાથ (સં. ૧૬૬૪ આસપાસ)
ખજૂરીના પાડામાં પ્રવેશતાં એક ખડકીમાં છેક અંદર નાનું સુંદર ઘુમ્મટબંધી એલ [L આકારનું બનેલું ઓટલાવાળું શ્રી મનમોહન પાર્શ્વનાથનું જિનાલય આવેલું છે.
જિનાલયની બહારની દીવાલ પર મધુબિંદુનું દૃષ્ટાંત દોરેલું છે. તેની ઉપર ચામરવાળા બે હાથી અને તેની ઉપર પદ્માવતી દેવીનું ચિત્રણ છે. ઉપરના ભાગમાં ખૂણા પર બે સિંહ છે અને પાંચ તાપસ તથા નાની પૂતળીઓ છે. ઓટલા પર બે દ્વારપાળની રચના છે જેના એક હાથમાં બંદૂક અને બીજા હાથમાં પોપટ છે. દરેક થાંભલાની વચ્ચે મગરમુખી કમાનો છે.
પ્રવેશદ્વારની ઉપરના ભાગમાં બે યક્ષ અને તેની ઉપર દેવી અને આજુબાજુ બે દાસી એમ કુલ ચાર શિલ્પો છે. બારસાખમાં વચ્ચે નાની પ્રતિમા અને તેની ઉપર શિખરની રચના છે. પ્રતિમાની આજુબાજુ લાઈનબંધ મનુષ્યની મૂર્તિઓ છે. શિખરની રચના ઉપરના ભાગમાં બે હાથી તથા તેને ફરતી મગરમુખી કમાનો છે. તેની ઉપર ચાંચમાં મોતી લઈને બે મોર છે. ડાબી બાજુએ નાનું પ્રવેશદ્વાર છે. અહીં વ્યાઘમુખી કમાનો છે.
નાના એવા રંગમંડપમાં સ્તંભની વચ્ચે આઠ કમાનો છે. રંગમંડપમાં બે નાના ગોખ છે.
ત્રણ ગર્ભદ્વાર પૈકી મુખ્ય ગર્ભદ્વારની ઉપર પાવાપુરીનો પટ ચિત્રિત કરેલ છે. જમણે ગભારે શ્રી મહાવીરસ્વામીની પ્રતિમા બિરાજે છે. તેની ઉપર સં૧૬૬૪નો લેખ છે. ડાબે ગભારે શ્રી શાંતિનાથની પ્રતિમા છે. ૨૩” ઊંચાઈ ધરાવતી શ્રી મનમોહન પાર્શ્વનાથની પ્રતિમા અહીં મૂળનાયક તરીકે બિરાજમાન છે. પ્રતિમા પર સં. ૧૬૬૪નો લેખ છે. અહીં કુલ પાંચ આરસપ્રતિમા તથા ચોવીસ ધાતુપ્રતિમા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org