________________
પાટણનાં જિનાલયો
૧૪૧
ડાબી બાજુના ગોખમાં રાતા આરસના નિર્વાણીદેવી છે. ગભારાને ત્રણ વાર છે. મુખ્ય ગર્ભદ્વારના સ્થંભ પર યક્ષ-યક્ષિણી, ઉપર મગરમુખી કમાન જેના પર બે મોટાં વાઘશિલ્પો અને કમાનમાં નાના હાથી પર બેઠેલી બે પરીઓનાં શિલ્પો છે. પરીઓએ ફૂલોનાં મુગટ અને સુંદર આભૂષણો પહેર્યા છે. કમાનની વચ્ચે શિખરની રચના છે અને તેમાં દર્શનીય પ્રતિમા છે. આવી જ દર્શનીય પ્રતિમા બારસાખે પણ છે.
અહીં મૂળનાયક તરીકે ૪૯” ઊંચાઈ ધરાવતા પરિકરયુક્ત શ્રી શાંતિનાથની દેદીપ્યમાન પ્રતિમા દર્શનાર્થીને શાંતિનો અનુભવ કરાવે છે. કુલ દસ આરસપ્રતિમા છે જે પૈકી બે મોટા કાઉસ્સગ્ગિયા છે. એકસો નવ ધાતુપ્રતિમા છે જે પૈકી એક ચૌમુખજી છે. અહીં સ્ફટિકના એક નાના પ્રતિમા છે. ઉપરાંત ધાતુના પાર્શ્વયક્ષ તથા આરસનો માતૃકાપટ પણ છે. ડાબે ગભારે મહાવીરસ્વામી તથા જમણે ગભારે આદેશ્વર ભગવાન છે.
ઐતિહાસિક સંદર્ભ શાંતિનાથના આ જિનાલયનો સ્પષ્ટ ઉલ્લેખ સૌ પ્રથમ વાર સં૧૯૫૯માં પં. હીરાલાલરચિત શ્રી પત્તન જિનાલય સ્તુતિમાં મળે છે. જો કે સં. ૧૮૨૧માં ઉપા. જ્ઞાનસાગરગણિરચિત તીર્થમાલા સ્તવનમાં આ વિસ્તારમાં ત્રણ જિનાલયોનો ઉલ્લેખ આવે છે. એટલે કે શીતલનાથનું એક જિનાલય તથા શાંતિનાથનાં બે જિનાલયો તે સમયે હોવાનો સંભવ છે. ત્યારબાદ સં. ૧૯૫૯માં, સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં તથા સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ વિસ્તારમાં શાંતિનાથનાં બે જિનાલયોનો ઉલ્લેખ સ્પષ્ટ મળે છે.
સં. ૧૯૫૯માં આ જિનાલયની સાથે પાર્શ્વનાથ, આદેશ્વર તથા મહાવીરસ્વામીનો પણ ઉલ્લેખ છે. તે પૈકી મહાવીરસ્વામી તથા આદેશ્વરની પ્રતિમાઓ આ જિનાલયમાં મૂળનાયક તરીકે બિરાજમાન છે.
. સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં આ જિનાલય ધાબાબંધી દર્શાવ્યું છે. તે સમયે બેતાળીસ આરસપ્રતિમા અને એકસો નવ ધાતુપ્રતિમા બિરાજમાન હતી. જિનાલયની સ્થિતિ સારી હતી.
સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલય ઘુમ્મટબંધી દર્શાવ્યું છે. તે સમયે આઠ આરસપ્રતિમાં અને એકસો છવ્વીસ ધાતુપ્રતિમા બિરાજમાન હતી. ઉપરાંત ધાતુના એક મોટા સમવસરણનો પણ ઉલ્લેખ થયેલો છે. જિનાલયની સ્થિતિ સારી હતી અને વહીવટ શા. રતનચંદ જેઠાચંદ હસ્તક હતો.
આજે જિનાલયમાં કુલ અઢાર આરસપ્રતિમા તથા એકસોપાંત્રીસ ધાતુપ્રતિમા બિરાજમાન છે. જિનાલયનો વહીવટ કરાશાના પાડામાં રહેતા શ્રી રમણલાલ નાગરદાસ શાહ (દરા શેરી), શ્રી વિક્રમભાઈ સી. શાહ (દરા શેરી), શ્રી રસિકલાલ કાંતિલાલ શાહ (મોદીની શેરી) તથા આશિષ સોસાયટીમાં રહેતા શ્રી સુરેશભાઈ બાબુલાલ શાહ હસ્તક છે.
ટૂંકમાં અમારી માન્યતા પ્રમાણે આ કિનાલય સં. ૧૮૨૧ પૂર્વેનું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org