________________
૯૮
પાટણનાં જિનાલયો હર્ષવિજયરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં સૌ પ્રથમ વાર થયેલો છે. તે સમયે આ વિસ્તાર ધંધોલી નામે પ્રચલિત હતો. ત્યારબાદ સં. ૧૭૭૭માં લાધાશાહરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં, સં. ૧૯૫૯માં પં. હીરાલાલરચિત શ્રી પત્તન જિનાલય સ્તુતિમાં ધાંધલમાં આ જિનાલયનો ઉલ્લેખ થયેલો છે.
સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં સંભવનાથના જિનાલયને ધાબાબંધી દર્શાવવામાં આવ્યું છે. તે સમયે દસ આરસપ્રતિમા અને પાંચ ધાતુપ્રતિમા બિરાજમાન હતી. પગલાંની સાત જોડનો ત્યારે ઉલ્લેખ થયેલો છે. આજે પણ આ જિનાલયમાં પગલાંની સાત જોડ વિદ્યમાન છે. તે સમયે જિનાલયની સ્થિતિ સારી હોવાની નોંધ છે.
સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં જવરીવાળી શેરી, ધાંધલ નામના વિસ્તારમાં આ જિનાલય ઘુમ્મટબંધી દર્શાવ્યું છે. તે સમયે જિનાલયમાં દસ આરસપ્રતિમા તથા પાંચ ધાતુપ્રતિમા બિરાજમાન હતી. ઉપરાંત ચોવીસજિનનો એક પટ તથા વીસ જિનમૂર્તિનો એક પટ – એમ બે પટનો ઉલ્લેખ થયેલો છે. આજે પણ આ બે પટ વિદ્યમાન છે. વહીવટ સાળવી છોટાલાલ ગોદડચંદ હસ્તક હતો અને જિનાલયની સ્થિતિ સારી હતી.
આજે જિનાલયને વહીવટ સાલવીવાડામાં રહેતા શ્રી ચીમનલાલ પૂનમચંદ શાહ, શ્રી બિપિનચંદ્ર અંબાલાલ શાહ તથા શ્રી મંગળદાસ માધવલાલ શાહ હસ્તક છે.
ટૂંકમાં આ જિનાલય સં. ૧૭૨૯ પૂર્વેનું છે.
કલારવાડો, સાલવીવાડો
શાંતિનાથ (સં૧૬૧૩ પૂર્વે) સાલવીવાડા અંતર્ગત કલારવાડો વિસ્તાર ત્રિશેરીયુંની નજીક આવેલો છે. કલારવાડામાં પ્રવેશતાં જમણી બાજુ શ્રી શાંતિનાથનું સામરણયુક્ત આરસનું જિનાલય આવેલું છે.
- પ્રવેશદ્વારની બંને બાજુ હાથી છે. પ્રવેશચોકીના થાંભલા ઉપર દેવીશિલ્પો છે. પ્રવેશદ્વારની ઉપરની દીવાલે તાપસનાં શિલ્પો છે.
રંગમંડપ મધ્યમ કદનો છે. તેને સુંદર કમાનો છે. ડાબી બાજુની દીવાલ પર નાનો શત્રુંજયનો રંગીન પટ છે. પટ કોતરેલો છે. જમણી બાજુના ગોખમાં ઘોરૈયાવીરનું સ્થાનક છે.
ત્રણ દ્વારવાળા આ ગભારામાં મૂળનાયક શ્રી શાંતિનાથની ૧૫” ઊંચાઈવાળી પ્રતિમા બિરાજમાન છે. જમણે ગભારે શ્રી મહાવીરસ્વામી અને ડાબે ગભારે શ્રી ચંદ્રપ્રભુ છે. અહીં આઠ આરસપ્રતિમા અને નવ ધાતુપ્રતિમા છે. ડાબી બાજુની દીવાલે આરસનો નંદીશ્વરદ્વીપનો એક પટ છે. અહીં પ્રતિમાઓ પર કે જિનાલયમાં કોઈ લેખ નથી. નંદીશ્વરદ્વીપના પટ પર લેખ છે પણ અવાચ્ય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org