________________
રાજનગરનાં જિનાલયો
૧૫
ઉદ્યોગીકરણનો એક નવો યુગ શરૂ થઈ ચૂક્યો હતો. શેઠ શ્રી રણછોડભાઈએ અમદાવાદમાં-ભારતભરની સૌ પ્રથમ મિલની સ્થાપના કરી. અમદાવાદ શહેરમાં મસ્જિદના મિનારાઓની સાથે સાથે આકાશમાં મિલનાં ભૂંગળાંઓએ પણ દેખાવાનું શરૂ કર્યું અને ખૂબ જ ઝડપભેર આ સંખ્યા વધવા માંડી. મસ્જિદના મિનારાઓ કરતાં મિલનાં ભૂંગળાંઓ અમદાવાદના આકાશમાં વધારે દેખાવા માંડ્યાં. રેલવેની પણ શરૂઆત થઈ ચૂકી હતી. મગનભાઈ વખતચંદનો ‘અમદાવાદનો ઇતિહાસ' ગ્રંથ તે સમયે શિલાછાપમાં પ્રસિદ્ધ થયો હતો. પરંતુ, ધીમે ધીમે છાપવાનાં યંત્રોની શરૂઆત થઈ. તાર-ટપાલની સેવાઓ, રેલવે, છાપવાનાં મશીન વગેરેથી પ્રજાજીવન ખૂબ જ ઝડપભેર એક નવી દિશામાં ગતિ કરવા માંડ્યું. ઝડપી પરિવર્તનની આ ગતિ સાથે સમયાનુસાર અનુરૂપ અને અનુકૂળ થવાની એક આગવી કોઠાસૂઝ જૈન શ્રેષ્ઠીઓએ દાખવી, જે કારણે જૈન સમાજ પ્રગતિનાં સોપાનો સર કરવામાં હંમેશાં અગ્રેસર જ રહ્યો. જૈન સમાજમાં શેઠ શ્રી મનસુખભાઈ ભગુભાઈએ મિલ-ઉદ્યોગનો આરંભ કર્યો, ત્યારબાદ લાલભાઈ દલપતભાઈ, શેઠ શ્રી અંબાલાલ સારાભાઈ, શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈ, શેઠ શ્રી બકુભાઈ મણિભાઈ વગેરે જૈન અગ્રણી શ્રેષ્ઠીઓએ કાપડ ઉદ્યોગ માટેની મિલો શરૂ કરી, અને ખૂબ જ ઝડપથી એ ઉદ્યોગ વિકસાવ્યો. તે કારણે અમદાવાદ શહેરની પ્રજાની આબાદી વધી. ગુજરાતના વેપારનું કેન્દ્ર તો અમદાવાદ હતું જ, પરંતુ, મિલઉદ્યોગને કારણે તેણે પોતાનું એ સ્થાન વધુ નિશ્ચિત કર્યું. મિલ-ઉદ્યોગને કારણે અમદાવાદમાં અનેક બીજા ધંધાઓ પણ વિકસ્યા. જૈન સમાજ વધુ ને વધુ સમૃદ્ધ થતો ગયો. શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈના નેતૃત્વ હેઠળ મહાજન પરંપરા વધુ પ્રભાવશાળી બની. ઈ. સ. ૧૯૨૦થી ૧૯૫૦ દરમ્યાન મિલ-ઉદ્યોગ તેની પરાકાષ્ઠાએ પહોંચ્યો.
શેઠ શ્રી મગનભાઈ કરમચંદ, હરકુંવર શેઠાણી, શ્રી મગનભાઈ વખતચંદ, શેઠાણી ગંગાબા વગેરેએ શરૂ કરેલી કેળવણીસેવાનો વ્યાપ વધવા માંડ્યો. ગુજરાત કૉલેજના નામે પ્રસિદ્ધ થયેલી સરકારી કૉલેજથી અમદાવાદમાં ઉચ્ચ શિક્ષણનો આરંભ થયો. ઈ. સ. ૧૯૫૦માં ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના થઈ. તે સમય દરમ્યાન ઉચ્ચ શિક્ષણની વધુ કૉલેજો શરૂ થઈ. અને - શ્રેષ્ઠીવર્ય કસ્તુરભાઈ લાલભાઈના નેતૃત્વ હેઠળ અમદાવાદ એજ્યુકેશન સોસાયટીની સ્થાપના થઈ
અને સાયન્સ, કોમર્સ, ફાર્મસી, આર્ટ્સ વગેરે કૉલેજો ઉપરાંત PRL જેવી સંશોધન સંસ્થાઓ શરૂ થઈ. કેળવણીની નવી નવી ક્ષિતિજો સર કરવામાં શ્રેષ્ઠીવર્ય કસ્તુરભાઈ લાલભાઈએ વહેવડાવેલી દાનની સરિતા, તેમનો પ્રચંડ પુરુષાર્થ અને દીર્ધદષ્ટિ ખૂબ જ ઉપયોગી અને ઉપકારક નીવડ્યાં. આ અગાઉ ઈ. સ. ૧૯૦૬માં શેઠ શ્રી લલ્લુભાઈ રાયચંદ ઝવેરીએ લલ્લુભાઈ રાયજી જૈન બૉર્ડિંગની સ્થાપના કરી હતી. ઈ. સ. ૧૯૧૪માં શેઠ શ્રી મગનભાઈ કરમચંદના વંશજ અને અંબાલાલ સારાભાઈના કાકા શેઠ શ્રી ચીમનભાઈ નગીનદાસના નામે સ્કૂલ તથા જૈન વિદ્યાર્થીઓ માટેનાં છાત્રાલય શરૂ થયાં. ત્યારબાદ કેટલાંક વર્ષો પછી શેઠ શ્રી ભોળાભાઈ જેસીંગભાઈ ઝવેરીના મોટી રકમના દાનથી પાલડીમાં “શ્રી મહાવીર જૈન વિદ્યાલયનો પ્રારંભ થયો. આમ, ગામડામાં વસતાં જૈન કુટુંબોનાં બાળકો અમદાવાદ શહેરમાં છાત્રાલયોમાં રહીને કેળવણી પામતા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org