________________
૨૧૪
રાજનગરનાં જિનાલયો
કર્યું હતું કે એ આરસ મળે તે પછી જ જીર્ણોદ્ધારનું કામ શરૂ કરવું. કામ મુલતવી રાખ્યું. દરમ્યાનમાં સ્વરાજ્ય આવ્યું. થોડે વખતે મોરારજી દેસાઈ મુંબઈ રાજ્યના મુખ્ય મંત્રી થયા. કસ્તુરભાઈ તેમને મળ્યા. અને આબુ તીર્થના જીર્ણોદ્ધાર માટે જરૂરી આરસ લેવા માટે દાંતા રાજ્યની પરવાનગી બાબત વાત કરી. તેમણે કસ્તુરભાઈને કહ્યું : “હું અંબાજી જવાનો છું તે વખતે પેઢીના મેનેજરને ત્યાં મોકલજો.”
આમ એક મુશ્કેલી દૂર થઈ. પછી જીર્ણોદ્ધારના ખર્ચનો અંદાજ સલાટોના આગેવાન અમૃતલાલ મિસ્ત્રી પાસે માંગ્યો. તેમણે એક ઘનફૂટના પચાસ રૂપિયાના હિસાબે રૂપિયા ત્રેવીસ લાખના ખર્ચનો અંદાજ મૂક્યો. તેમાં અમુક નવાં દહેરાંના કામનો પણ સમાવેશ થતો હતો. કસ્તુરભાઈએ તેમને કામ શરૂ કરવા કહ્યું.
થોડા મહિના બાદ તેઓ કામ જોવા ગયા. દહેરાની અંદર જે કલા કંડારેલી હતી તેને આ ૨૦મી સદીના કારીગરોએ નવા આરસમાં આબેહૂબ ઉતારી હતી. કસ્તુરભાઈને તે જોઈને સંતોષ થયો. પણ ખર્ચનો જે અંદાજ મૂક્યો હતો તે સચવાયો નહોતો. ઘનફૂટના પચાસને બદલે બસો રૂપિયા ખર્ચ થયું હતું ! પણ તેમનો કલાપ્રેમી આત્મા કામથી એટલો પ્રસન્ન થઈ ગયો કે ખર્ચની તેમણે ચિંતા ન કરી.
દેલવાડાના દહેરાનું સમારકામ ચૌદ વર્ષ ચાલેલું. અને તેની પાછળ ચૌદ લાખ રૂપિયાનું ખર્ચ થયું હતું. અવગુંઠન દૂર થતાં કોઈ અપ્સરાનું દિવ્ય સૌંદર્ય એકાએક પ્રત્યક્ષ થાય એવો ઉઠાવ શિલ્પ અને સ્થાપત્યના આ કળાભંડારને જીર્ણોદ્ધારથી મળ્યો હતો. ઈ. સ. ૧૯૬૨માં (સં. ૨૦૧૮) આ કામ પૂરું થયું.
એ જ વર્ષમાં આણંદજી કલ્યાણજીના ટ્રસ્ટીઓએ શત્રુંજય, તારંગા અને ગિરનાર પરનાં જૈન તીર્થોનાં દહેરાંનું સમારકામ હાથ પર લેવાનો ઠરાવ કર્યો. શત્રુંજય તીર્થનું કામ હજુ ચાલુ જ છે. પર્વત ઉપર ચઢવું સરળ પડે તે માટે પગથિયાં કરવામાં આવ્યાં છે. દાદાના દરબારની પાંચ પોળોનાં જૂનાં પ્રવેશદ્વારોને સ્થાને ભવ્ય, મનોહર અને કળામય દરવાજા મૂક્યા છે જે પ્રવેશતાં જ હરકોઈને પ્રભાવિત કરી દે તેવા છે. સૌથી મહત્ત્વનો ફેરફાર તો મુખ્ય દેરાસરની કળાને ઢાંકી દેતી નાની નાની દેરીઓને દૂર કરી તે છે. મુખ્ય દેરાસરના ભવ્ય સ્થાપત્યને વિશાળ પરિપ્રેક્ષ્યમાં ઉઠાવ મળે તે રીતે કસ્તુરભાઈએ આ ફેરફાર કરાવ્યો છે.
સમગ્ર તીર્થમાં સ્વચ્છતા અને સુઘડતા સચવાય એવી વ્યવસ્થા ધ્યાન ખેંચે તેવી છે.
તારંગા તીર્થનો જીર્ણોદ્ધાર જુદી રીતનો હતો. કળામંદિર પર ચડેલા અણઘડ કળાનાં પોપડા દૂર કરવાનાં હતાં. મંદિર પર સેંકડો વર્ષ દરમ્યાન થયેલ સમારકામ અને રંગકામે મૂળ કળાના વૈભવને ઢાંકી દીધો હતો અને ક્યાંક વિકૃત પણ કરી દીધો હતો. કસ્તુરભાઈનું ધ્યાન તે તરફ જતાં તેમણે પ્રાચીન શિલ્પોને યથાવત્ સ્વરૂપમાં અનાવૃત કરવાનો નિર્ણય કર્યો. પહેલાં અમુક શિલ્પ કૃતિઓ ઉપરનાં પોપડાં ઉખડાવ્યાં તો તેમાંથી અદ્ભુત કોતરણીવાળી નમણી કળા ઊપસી આવી. તે જોઈને કલાકારને થાય તેવો આનંદ-રોમાંચ આ કલાપરીક્ષકને થયો. તેમણે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org