________________
રાજનગરનાં જિનાલયો
૧૯૭
રક્ષણ માટે પણ તેઓ પોતાનાથી બનતું બધું કરી છૂટતા. સં. ૧૮૬૪થી ૧૮૭૭ (ઈ. સ. ૧૮૦૮થી ૧૮૨૧) સુધી નગરશેઠ હેમાભાઈએ પાલીતાણા રાજ્યનું સંચાલન કર્યું હતું. સં. ૧૮૭૭ (ઈ. સ. ૧૮૨૧) દરમ્યાન તો સમગ્ર પાલીતાણા રાજ્ય રૂા૪૨,000/00ની રકમથી નગરશેઠ હેમાભાઈને ત્યાં ગીરો મૂકવું પડ્યું હતું. આ જ સમય દરમ્યાન એટલે કે સં. ૧૮૭૬-૭૭ (ઈ. સ. ૧૮૨૦-૨૧)માં, નગરશેઠ હેમાભાઈએ જૈન યાત્રાળુઓને શત્રુંજય તીર્થની યાત્રામાં પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી, જેના પરિણામ સ્વરૂપે જૈન સંઘને પાલીતાણા રાજ્ય પાસેથી પાલીતાણા તીર્થના રખોપાનો સં. ૧૮૭૭(ઈ. સ. ૧૮૨૧)નો બીજો કરાર પ્રાપ્ત થયો હતો.
શેઠ હેમાભાઈએ પોતાના ઘેર એક દેરાસર કર્યું હતું. અને તેમાં રત્નમય પ્રતિમા રાખી હતી. આ પ્રતિમા સં. ૧૯૬૯માં “જૈન રાસમાળા”માં થયેલા ઉલ્લેખ પ્રમાણે શેઠ મણિભાઈ પ્રેમાભાઈને ત્યાં વિદ્યમાન હતી.
પોતાના અંગત જીવનમાં પણ ધાર્મિક પ્રવૃત્તિઓને તેમણે સ્થાન આપ્યું હતું. ગુરુવંદન કરવા જવું, વ્યાખ્યાન સાંભળવું, કે સામાયિક કરવું જેવી પ્રવૃત્તિઓ તેમના જીવનમાં અંગભૂત બની ગઈ હતી. શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ પ્રાંતિજથી વિહાર કરી અમદાવાદ આવ્યા હતા. અને શહેર બહાર હઠીભાઈની વાડીએ નિવાસ કર્યો. શહેરમાં અનેક જિનમંદિરોના દર્શનનો લાભ લેવા જતાં માર્ગમાં હેમાભાઈ શેઠ મળ્યા. હેમાભાઈ શેઠે શ્રી વૃદ્ધિચંદ્રજીને ઉજમબાઈની ધર્મશાળાએ તેડી લાવવા માણસ મોકલ્યું. શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજનો વિચાર પણ, વાડીએ રહેવાનું છેટું પડવાથી શહેરમાં આવવાનો હતો. તેથી તે માણસ સાથે ધર્મશાળાએ આવ્યા. ત્યારબાદ શેઠ હેમાભાઈનું સર્વકુટુંબ મુનિરાજ શ્રી વૃદ્ધિચંદ્રજીનું વિશેષ રાગી થયું હતું. તેઓ ઉપાશ્રયમાં જતાં ત્યારે ઠાઠ-માઠથી જતા. અને રસ્તામાં ગરીબોને છૂટથી દાન આપતા. તથા સ્વજનોને, વેપારીઓને પણ મળતા. જેમાં તેઓ ધાર્મિક પ્રસંગોમાં અને ધાર્મિક સ્થળોમાં છૂટથી દાન આપતા, તેમ તેઓએ સમાજનો વિકાસ થાય તેવાં કાર્યોમાં પણ છૂટથી દાન આપેલું.
અમદાવાદના નગરશેઠ તરીકે અમદાવાદનો અને તેની સાથે પ્રજાનો વિકાસ થાય તે હેતુથી તેઓએ દીર્ધદષ્ટિપૂર્વક કેટલીક સંસ્થાઓ સ્થાપી હતી—વિકસાવી હતી. ગુજરાત વર્નાક્યુલર સોસાયટીને તેમણે મદદ કરી હતી. તે ઉપરાંત, અમદાવાદની સરકારી કૉલેજમાં તેમણે સારી રકમ આપી હતી. અમદાવાદની મ્યુનિસિપાલિટીની સ્થાપનામાં તેમણે સારો ભાગ લીધો હતો. અમદાવાદની પાંજરાપોળના વહીવટમાં તેમણે ઘણું કામ કર્યું હતું. ઉપરાંત, તે સમયે એક ગુજરાતી-અંગ્રેજી કન્યાશાળાને સ્થાપવામાં અને વિકસાવવામાં તેમનો ફાળો નોંધપાત્ર હતો.
સં. ૧૯૧૪ના મહા સુદ ૧૧ના રોજ ૭૩ વર્ષની ઉંમરે તેઓ સ્વર્ગવાસ પામ્યા. તેમના મૃત્યુના છ માસ પહેલાં તેમણે અગમચેતી વાપરીને કુટુંબમાં સર્વને મઝિયારું વહેંચીને, ધંધા અને મિલકતની સંતોષકારક વ્યવસ્થા કરી આપી હતી, જેથી પાછળથી કોઈ પ્રકારનો વિખવાદ થાય નહીં. આમ, તેમના વ્યક્તિત્વમાં વિવિધ ગુણોનો સમન્વય થયેલો જોઈ શકાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org