________________
૧૦૨
રાજનગરનાં જિનાલયો કોઠારી પોળ ચૌમુખજીની ખડકી-ઝવેરીવાડ શાંતિનાથજી ચૌમુખજી
(સં. ૧૬૩૨) આ ઘુમ્મટબંધી સંયુક્ત દેરાસર છે. આ દેરાસરમાં કુલ પાંચ ગભારા છે. મૂળનાયક શાંતિનાથજી ભગવાનની ચૌમુખીજી ઉપરાંત શ્રી કલિકુંડ પાર્શ્વનાથ, અજિતનાથ, સંભવનાથ તથા ક્ષેત્રપાલદાદાનો ગભારો-એમ કુલ પાંચ ગભારા છે.
આ દેરાસર અસલ કાષ્ટનું બનેલું હતું. સ્થાનિક માહિતી પ્રમાણે દેરાસરમાં આગ લાગી હતી તેથી કાષ્ટની સુંદર કોતરણી નાશ પામી છે. લાકડાની કોતરણીવાળો એક ગોખલો આજે છે જે અસલ એ કોતરણી કેવી હશે તેની ગવાહીરૂપ છે. પછી આ દેરાસર પથ્થરનું બન્યું હોવું જોઈએ. કારણ કે આજે જીર્ણોદ્ધારનું કાર્ય ચાલુ છે અને પથ્થર ઉપર આરસ લગાડાઈ રહ્યો છે. દેરાસરમાં મૂળનાયકની સામેની ભીંતે એક લેખ મળે છે જેમાં ખરતરગચ્છના જિનસૂરિને હસ્તે બાદશાહ અકબરના રાજ્યમાં સં. ૧૬૩૨ વૈશાખ સુદ પાંચમના રોજ પ્રતિષ્ઠા થઈ હતી. દાદાસાહેબની પરંપરાના આ મહારાજસાહેબ છે તે જિનચંદ્રસૂરિ-જિનકુશલસૂરિ વગેરે ગુરુપરંપરાનાં નામ વાંચતાં જણાય છે. શેઠ કીર્તિપાલના દીકરા મેઘરાજે દેરાસર બંધાવ્યું છે. દેરાસરની વર્ષગાંઠ માગશર વદ ૮ની ઊજવાય છે. છેલ્લાં થોડાંક વર્ષોથી બે વર્ષગાંઠ ઊજવાય છે. બીજી વર્ષગાંઠ મહા સુદ-૪ ક્ષેત્રપાલ દાદાની આવે છે.
અગાઉ આપણે સંભવનાથના દેરાસરમાં પાંચ ગભારા (દેરાસર) જોયાં તેમ અહીં પણ પાંચ ગભારા (દેરાસર) છે. પણ તેની રચના સાવ અલગ છે. બે દેરાસરોને સંયુક્ત કર્યા હોય તેવું પહેલી નજરે જ જણાય છે. મૂળનાયક શાંતિનાથ ચૌમુખજી છે. તેની જમણી બાજુના ગભારામાં કલિકુંડ પાર્શ્વનાથ તથા ડાબી બાજુના ગભારામાં અજિતનાથ ભગવાનનું દેરાસર છે. આ પ્રત્યેક ગભારા સાવ અલગ પડી જતાં હોય તેવા છે. આ વિશિષ્ટ બાંધણી ધ્યાન ખેંચે છે. ભોમતીમાં ક્ષેત્રપાલ દાદાનો અલગ ભારો છે. ભોમતીમાં એક શત્રુંજય મહાતીર્થનો આરસનો પટ છે. આ પટની બાજુમાં એક બીજો ગભારો પણ છે જેમાં મૂળનાયક અજિતનાથ છે.
દેરાસરમાં ચાર ગોખ છે. એમાંના એક ગોખમાં આરસના બાવન જિનાલય તથા આરસના ચૌમુખજી છે. શાંતિનાથના ગોખ ઉપર સરસ કોતરણી છે અને તેના પર સં૧૯૬૯ની સાલ જોવા મળે છે. પ્રવેશદ્વારની ડાબી બાજુનો શાંતિનાથનો ત્રીજો ગોખ છે તેની સં. ૨૦૦૭ છે. ચોથો આદેશ્વરનો ગોખ લાકડાની અસલ કોતરણીવાળો છે. કોતરણીના ઉપરના ભાગમાં કાષ્ટની બે શ્રાવકોની મૂર્તિ છે. તેની સામેની દીવાલે પણ ત્રણ ગોખ છે, જેમાં ચંદ્રપ્રભુ, મહાવીર સ્વામી અને છેલ્લા મોટા ગોખમાં પરિકરવાળા મહાવીર સ્વામી તથા આજુબાજુ બે નાની પરિકરવાની મૂર્તિ જોવા મળે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org