________________
સુરતનાં જિનાલયો
૨૨૫
શિખરવાળું જિનાલય આવેલું છે જે પૂર્વે ઘરદેરાસર હતું.
આ શિખરબંધી જિનાલયનું નિર્માણ કરી સં. ૨૦૪૫ના મહા સુદ પાંચમના રોજ પૂ. શ્રી મનોહરકીર્તિસાગરજીની નિશ્રામાં પુનઃ પ્રતિષ્ઠા કરવામાં આવી છે.
ઉત્તરાભિમુખ જિનાલયના કંપાઉંડમાં જમણી બાજુ શ્રી માણિભદ્રવીરની દેરી છે. આગળ જતાં પગથિયાં પાસે હાથીનાં શિલ્પો છે. શૃંગારચોકીમાં કોતરણીયુક્ત રંગકામ કરેલા કમાનોવાળા સ્થંભો છે. ત્રણ પ્રવેશદ્વાર તથા આજુબાજુ અન્ય બે હાર મળીને કુલ પાંચ દ્વાર છે. પ્રદક્ષિણા થઈ શકે તેવી ભોમતીની રચના છે. પાછળના ભાગમાં ફૂલવાડી છે.
રંગમંડપમાં દીવાલો શત્રુંજય, સમેતશિખર, પાવાપુરી, અષ્ટાપદ, નવપદજી તથા ઋષિમંડળ જેવા ચિત્રકામયુક્ત પટ-યંત્રોથી શોભે છે. ઈશ્વરયક્ષ તથા કાલિકાયક્ષિણીના ગોખ છે.
ત્રણ ગર્ભદ્વાર છે. ૧૩” ઊંચી મૂળનાયક શ્રી અભિનંદન સ્વામીની આરસપ્રતિમા સહિત કુલ બાર આરસપ્રતિમા તથા નવ ધાતુપ્રતિમા છે. જમણે ગભારે શ્રી શાંતિનાથ તથા ડાબે ગભારે શ્રી વાસુપૂજયસ્વામી છે. અહીં ગૌતમસ્વામીની આરસમૂર્તિ છે. મૂળનાયક પ્રતિમા પર લેખ છે.
* ઐતિહાસિક સંદર્ભ સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં મઢી બજારમાં શ્રી અભિનંદન સ્વામીનું ઘરદેરાસર વિદ્યમાન હોવાની નોંધ છે. તે સમયે કુલ ત્રણ આરસપ્રતિમા, ત્રણ ધાતુપ્રતિમા તથા રજતચોવીસીનો એક પટ હતો. સં. ૧૯૮૨માં આ જિનાલય બંધાયું હતું. વહીવટ શેઠ છગનલાલ ચમનાજી હસ્તક હતો. ઘરદેરાસરની સ્થિતિ સારી હતી. ગામમાં તે સમયે ૧૦૦ જૈનો હતા.
સં. ૨૦૧૩માં પ્રકટ થયેલ જૈન ધર્મનાં યાત્રાસ્થળો ગ્રંથમાં આ ગામમાં રેલવે સ્ટેશન તથા અભિનંદન સ્વામીનું જિનાલય હોવાની નોંધ છે.
મહા સુદ પાંચમની વર્ષગાંઠના દિવસે જમણવાર થાય છે. ધજાનો ચડાવો બોલાય છે. વહીવટ શ્રી જે. મૂ. જૈન સંઘ-મઢીના ટ્રસ્ટીઓ – શ્રી પપુભાઈ નાથુભાઈ છગનલાલ શાહ, શ્રી અશોકકુમાર કાંતિલાલ શાહ, શ્રી સંદીપભાઈ મહેન્દ્રભાઈ શાહ, શ્રી જગદીશભાઈ લલ્લુભાઈ શાહ તથા શ્રી ભરતભાઈ મુકુંદભાઈ શાહ હસ્તક છે.
જૈન તીર્થ સર્વસંગ્રહના આધારે આ જિનાલયનો સમય સં. ૧૯૮૨નો છે.
ગામ - વાંકાનેર, તાલુકો - બારડોલી
૨૬. શ્રી કુંથુનાથ (સં. ૧૯૯૧) બારડોલીથી વાલોડ જવાના રસ્તે, બારડોલી તાલુકાથી ૧૦ કિ. મી.ના અંતરે આવેલ વાંકાનેર ગામમાં હાલ જૈનોના દસ ઘર છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org