________________
૨૨૨
સુરતનાં જિનાલયો
ગામ - સરભોણ, તાલુકો - બારડોલી
૨૩. શ્રી આદેશ્વર (સં. ૧૯૪૦ આસપાસ) સુરત જિલ્લાના બારડોલી તાલુકાના મુખ્ય મથકથી ૮ કિ. મી.ના અંતરે સરભોણ ગામ આવેલું છે. અહીં હાલ પાંચ જૈન કુટુંબો વસે છે. છેલ્લાં ૫૦ વર્ષમાં અહીં ૧૨ વ્યક્તિઓએ દીક્ષા લીધેલ છે. અહીં જ શ્રી કુમુદચંદ્રસૂરિ મ. સા.એ દીક્ષા લીધી હતી. તેઓની આ જન્મભૂમિ છે. હાલ ગામમાં ઉપર-નીચે એમ બે માળનું ઉપાશ્રયનું બાંધકામ ચાલે છે. બ્રાહ્મણ ફળિયામાં આરસનું શ્રી આદેશ્વરનું શિખરબંધી જિનાલય આવેલું છે. ઉપર શિખરમાં મૂળનાયક શ્રી નેમનાથ છે.
અહીં પૂર્વે આ કાષ્ઠનું ઘરદેરાસર હતું. સં. ૨૦૫૪ મહા સુદ ૧૩ સોમવારે તા. ૯-૨૯૮ના રોજ આ. શ્રી પ્રબોધચંદ્રસૂરિની નિશ્રામાં શ્રી જયંતિલાલ કેસરીચંદ શાહ તથા શ્રી રમણલાલ કેસરીચંદ શાહ પરિવાર દ્વારા પુનઃ પ્રતિષ્ઠા થઈ છે. તે અંગેનો શિલાલેખ છે.
માણિભદ્રવીરની દેરી તથા શ્રી કુમુદચંદ્રસૂરિ મ. સા.નું ગુરુમંદિર છે. મહાલક્ષ્મીદેવી, ચક્રેશ્વરીદેવી, યક્ષની આરસમૂર્તિઓ છે. શત્રુંજય તથા સમેતશિખરના પટ છે.
૨૭” ઊંચી મૂળનાયક શ્રી આદેશ્વરની પ્રતિમા છે. તેની ડાબી બાજુ અજિતનાથ તથા જમણી બાજુ સુવિધિનાથ છે. કુલ ત્રણ આરસપ્રતિમા તથા છ ધાતુપ્રતિમા છે.
ઉપર – શિખરમાં ૭” ઊંચી શ્રી નેમિનાથની શ્યામ રંગી આરસની એક પ્રતિમા છે. તથા બે ધાતુપ્રતિમા છે.
ઐતિહાસિક સંદર્ભ સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરી (ભાગ-૨)માં સરભોણ ગામમાં એક જિનાલય વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે. તે સમયે ગામમાં સોળ જૈન કુટુંબો વસતાં હોવાનો ઉલ્લેખ છે.
ત્યારબાદ સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં બારડોલીથી ૬ માઈલ દૂર સરભોણ ગામમાં બ્રાહ્મણ મહોલ્લામાં આદેશ્વરના આ જિનાલયનો ઉલ્લેખ ધાબાબંધી જિનાલય તરીકે થયો છે. તે સમયે કુલ ચાર આરસપ્રતિમા, નવ ધાતુપ્રતિમા તથા એક રજત ચોવીસ જિનપટ હતો. વહીવટ શેઠ જીવા માધાજી હસ્તક હતો. જિનાલયની સ્થિતિ સાધારણ હતી. જિનાલય બીજે માળ હતું. સં. ૨૦૧૦માં ગામમાં એક ઉપાશ્રય તથા ધર્મશાળા હતી અને ૪૦ જૈન કુટુંબો વસતાં હતાં. સં. ૧૯૪૦ શ્રી સંઘ દ્વારા જિનાલય બંધાયું હતું.
મહા સુદ ૧૩ને વર્ષગાંઠના દિને જમણવાર થાય છે. તથા ધજાનો ચડાવો બોલાય છે. વહીવટ શ્રી આદિનાથ ભગવાનની જૈન પેઢીના ટ્રસ્ટીઓ – શ્રી જંયતિલાલ કેસરીચંદ શાહ, શ્રી વિનોદચંદ્ર રાયચંદ શાહ તથા શ્રી હસમુખલાલ હરખચંદ શાહ હસ્તક છે.
ટૂંકમાં આ જિનાલય સં. ૧૯૪૦ની આસપાસના સમયનું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org