________________
૨૧૪
સુરતનાં જિનાલયો
ચાર ધાતુપ્રતિમા હોવાની નોંધ છે. વહીવટ શ્રી નાથુભાઈ કસ્તુરચંદ હસ્તક હતો. સ્થિતિ સારી હતી. એક ઉપાશ્રય અને એક ધર્મશાળા હતી. કુલ ૧૦ જૈન કુટુંબો હતા.
જેઠ સુદ ત્રીજ – વર્ષગાંઠના દિને જમણવાર થાય છે ત્યારે સુરતથી તથા અમરોલીથી સંઘના લોકો આવે છે. ધજાનો ચડાવો બોલાય છે. વહીવટ શ્રી વરિયાવ જૈન સંઘના ટ્રસ્ટીઓ– શ્રી જયંતિલાલ હજારીમલ શાહ તથા શ્રી કાંતિલાલ દલપતભાઈ શાહ હસ્તક છે જેઓ બંને સુરત શહેરમાં રહે છે.
અમારી માન્યતા પ્રમાણે આ જિનાલયનો સમય સં ૧૯૬૩ પૂર્વેનો છે.
ગામ - વાંઝ, તાલુકો - ચોર્યાસી ૧૪. શ્રી અજિતનાથ (સં. ૧૯૪૫)
સુરતથી નવસારી જવાના માર્ગે ૧૭ કિ મી દૂર તથા સચીન રેલવે સ્ટેશનથી ૩ કિ મી દૂર વાંઝ ગામ આવેલું છે.
દાંડીકૂચ વખતે ગાંધીજીએ ગામના દેરાસરની પાછળના ભાગમાં ચોગાનમાં એક વડલા નીચે ભાષણ આપ્યું હતું. આજે પણ તે ઐતિહાસિક સ્મૃતિ સચવાયેલી છે. ગામનો મુખ્ય ઉદ્યોગ ખેતીવાડી તથા પશુપાલનનો છે. બાજુમાં સચીન GIDC વિસ્તાર છે જ્યાં લોકો રોજીરોટી મેળવે છે. આશરે ૧૫ થી ૨૦ વર્ષ પૂર્વે અહીં જૈનોનાં કુલ ૧૬ ઘર હતાં. હાલ અહીં ફક્ત એક જ જૈન ઘર છે. છેલ્લાં ૫૦ વર્ષમાં ચાર વ્યક્તિઓએ દીક્ષા લીધેલ છે.
ગામમાં ટાંકી ફળિયામાં આરસનું બનેલું શ્રી અજિતનાથનું ત્રણ શિખરવાળું જિનાલય આવેલું છે. જિનાલયના બહારના ભાગમાં એક ચકલો બનાવેલો છે જેમાં પારેવા ચણી શકે તથા માળો બાંધી રહી શકે તેવા ખાના બનાવેલા છે. પ્રવેશદ્વાર પાસે જમણી બાજુ બે માળનો ઉપાશ્રય છે જે આશરે ૭૪ વર્ષ જૂનો (સં. ૧૯૮૨) છે. જિનાલયને ફરતે ફૂલવાડી છે.
કાષ્ઠકોતરણીવાળા ત્રણ પ્રવેશદ્વાર છે. રંગમંડપમાં દીવાલો પર અષ્ટાપદ, ગિરનાર, તારંગા, આબુ, અચલગઢ, શત્રુંજય, સમેતશિખર વિવિધ તીર્થોના ચિત્રકામયુક્ત પટ છે. ઘુમ્મટમાં ચૌદ સ્વપ્નો, અષ્ટમંગલ, નેમ-રાજુલની જાનનું દૃશ્ય, પાર્શ્વનાથનો ઉપસર્ગ, સુદર્શન શેઠનું સૂળીનું સિંહાસન, મધુબિંદુ, અજિતનાથ ભગવાનનો ત્રીજો ભવ, મહાવીરસ્વામીને ઉપસર્ગ, જગડુશા શેઠ, મેઘરથ રાજા તથા ઇલાચીકુમાર આદિ વિવિધ પ્રસંગોનું ચિત્રાંકન થયેલું છે. ડાબી બાજુ ગોખમાં ચૌમુખીદેવીની આરસમૂર્તિ છે.
ત્રણ ગર્ભદ્વાર છે. મૂળનાયક શ્રી અજિતનાથની ૧૭” ઊંચી આરસપ્રતિમા છે. જમણે ગભારે ચંદ્રપ્રભુસ્વામી તથા ડાબે ગભારે મહાવીરસ્વામી છે. કુલ પાંચ આરસપ્રતિમા છે તથા સાત ધાતુપ્રતિમા પૈકી ઋષભાનન, ચંદ્રાનન, વર્ધમાન, વારિખેણની નાની ચાર ધાતુમૂર્તિ એક જ પાટલીમાં છે. આરસનાં પગલાંની બે જોડ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org