________________
ખંભાતનાં જિનાલયો
૩૭
સં. ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં ચોકસીની પોળમાં આવેલા મનમોહન પાર્શ્વનાથના જિનાલયમાં પાષાણની પાંચ પ્રતિમાજીઓ વિદ્યમાન હતી. તે સમયે આ જિનાલય ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયની બાજુમાં જ હોવાનો ઉલ્લેખ છે. ઉપરાંત તે જિનાલયની જાળવણી સાચવણી ખૂબ જ સરસ હતી અને સ્વચ્છતાનો આદર્શ પૂરો પાડતું હતું. તે સમયે તેનો વહીવટ પારેખકુટુંબી શાહ ખીમચંદ ઝવેરચંદના હસ્તક હતો.
સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં ચોકસીની પોળમાં આવેલા મનમોહન પાર્શ્વનાથના આ જિનાલયનો ઉલ્લેખ ધાબાબંધી તરીકે થયેલો છે. તે સમયે જિનાલયના મકાનની સ્થિતિ સારી દર્શાવવામાં આવી છે. મૂળનાયકના લેખનો સંવત ૧૬૪૬ દર્શાવવામાં આવ્યો હતો. ત્યારે પાષાણની સાત પ્રતિમાજીઓ જિનાલયમાં વિદ્યમાન હતી અને વહીવટ શેઠ ખીમચંદ ઝવેરચંદ પારેખ હસ્તક હતો. હાલ જિનાલયનો વહીવટ એ જ કુટુંબ પરંપરામાં આવેલા શ્રી નિરંજનકુમાર રમણલાલ પરીખ તથા નવીનચંદ્ર રમણલાલ પરીખ કરે છે.
બહારથી જિનાલય ખૂબ સુંદર દેખાય છે. ત્રણ ઘુમ્મટવાળા આ જિનાલયના ધાબા પર શ્રી પાર્શ્વનાથનું પથ્થરનું શિલ્પ છે. પ્રવેશદ્વાર પર સુંદર કમાનો તથા પૂતળીઓના શિલ્પો શોભે છે. જિનાલયમાં ફરસ અને દીવાલ પર આરસનો ઉપયોગ થયેલો છે. રંગમંડપનાં હાંડી-ઝુમ્મર જિનાલયની સુંદરતામાં વધારો કરે છે.
રંગમંડપની દીવાલો પર સિદ્ધાચલજી, અષ્ટાપદજી તેમજ શંખેશ્વર તીર્થોનું ચિત્રકામ તથા શ્રી પાર્શ્વનાથના દસ ભવ અને પાંચ કલ્યાણકોનું ચિત્રકામ સુંદર છે. નવકાર મંત્ર પણ દીવાલ પર સુંદર રીતે લખેલો છે. ગર્ભદ્વારની બહાર પથ્થરનું એક પરીનું સુંદર શિલ્પ કોરણીવાળું છે. મુખ્ય ગર્ભદ્વાર પાસે ઈન્દ્ર-ઈન્દ્રાણી તથા આજુબાજુના ગભારા પાસે દ્વારપાળનાં શિલ્પો છે.
ગભારામાં પાષાણની કુલ સાત પ્રતિમાજીઓ વિદ્યમાન છે. તેમાંથી એક પ્રતિમાજી થોડા સમય પહેલાં ખંડિત થયેલા છે તેને ઢાંકીને રાખવામાં આવ્યા છે. મૂળનાયકના ડાબા ગભારે આદિનાથ તથા જમણા ગભારે ગોડી પાર્શ્વનાથ બિરાજે છે. મૂળનાયકની ડાબી બાજુમાં પાર્શ્વનાથની પ્રતિમા પરના મૂર્તિલેખમાં “અમીચંદની ભાર્યા ગોરકે......બાદશાહ અકબર' એવો ઉલ્લેખ છે. તેથી એ પ્રતિમા વિજયહીરસૂરિ- વિજયસેનસૂરિના સમયની હોવાનો સંભવ છે.
સં. ૧૯૮૪ પછી આ જિનાલયનો જીર્ણોદ્ધાર થયો હોવાનો સંભવ છે. સ્થાનિક માહિતી પ્રમાણે આ જિનાલયોનો જીર્ણોદ્ધાર સં૨૦૧૫માં થયેલો છે. જીર્ણોદ્ધાર થયા પહેલાં આ જિનાલય નાનું લાકડાનું હતું.
સં. ૧૯૭૩માં મોહોર પાર્શ્વનાથ, સં. ૧૭૦૧માં “મુહુર પાર્શ્વનાથ', સં. ૧૯૦૦માં મોહોરી પાર્શ્વનાથ' અને સં. ૧૯૪૭માં “મોહોર પારસનાથ'- એ મુજબ ઉલ્લેખ થયેલો છે. સં. ૧૯૪૭માં આ જિનાલયની સાથે સૌ પ્રથમ વાર મનમોહન પાર્શ્વનાથજીનો ઉલ્લેખ થયેલો છે. એટલે કે સં. ૧૯૪૭માં આ વિસ્તારમાં મોહોર પાર્શ્વનાથ તથા મનમોહન પાર્શ્વનાથ એમ બે જિનાલયો વિદ્યમાન હતાં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org