________________
ખંભાતનાં જિનાલયો
૧૨૧
ભગવાનની વર્ષગાંઠ જેઠ સુદ બીજ છે. અહીં શ્રી પદ્માવતી દેવી તથા શ્રી ચક્રેશ્વરીદેવીની મૂર્તિઓ બિરાજમાન છે. શ્રી ચક્રેશ્વરીદેવીની પ્રતિમા ઉપર સં૧૩૬૯નો લેખ છે. અહીં એક યક્ષની પ્રતિમા છે જેના લેખમાં “ગણપીટ્ટક યક્ષ' એવું લખાણ જણાય છે.
ટૂંકમાં આ જિનાલય સં. ૧૯૬૩ પહેલાના સમયનું છે. મૂળનાયક શ્રી વાસુપૂજ્ય સ્વામીની પ્રતિમા ઉપર સં. ૧૬૬૭નો લેખ છે. સં. ૧૬૭૩માં ભંડારીપોળ કે જે આજની માણેકચોકની આજુબાજુનો વિસ્તાર હતો ત્યાં વાસુપૂજયસ્વામીના એક જિનાલયનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. તે સંદર્ભમાં જિનાલયની વધુ પ્રાચીનતા નક્કી કરવા માટે વિશેષ સંશોધનની અને વધુ પુરાવાઓની જરૂર છે.
માણેકચોક મહાવીર સ્વામી (સં. ૧૯૪૭ પહેલાં)
માણેકચોક વિસ્તારમાં ચિંતામણિ પાર્શ્વનાથનાં બે જિનાલયો ઓળંગીને આગળ જતાં ડાબા હાથે શ્રી મહાવીરસ્વામી અને શ્રી ધર્મનાથના પાસ-પાસે ધાબાબંધી જિનાલયો આવેલાં છે. આ બંને જિનાલયોમાં પ્રવેશવા માટેના મુખ્ય બે પ્રવેશદ્વાર છે. ચોક એક છે. બંને જિનાલયોના રંગમંડપમાં પ્રવેશવા માટેના પ્રવેશદ્વાર તથા ગભારાઓની દિશા અલગ અલગ છે.
ધર્મનાથજીના જિનાલયની બાજુમાં શ્રી મહાવીરસ્વામીનું આ ધાબાબંધી જિનાલય આવેલું છે. મૂળનાયક શ્રી મહાવીર સ્વામીની પ્રતિમાજી પર સં૧૬પ૩નો લેખ છે.
સં. ૧૯૪૭માં પ્રગટ થયેલ જયતિહુઅણ સ્તોત્ર ગ્રંથની પ્રસ્તાવનામાં માણેકચોક વિસ્તારમાં મહાવીર સ્વામીના જિનાલયનો ઉલ્લેખ સૌ પ્રથમવાર પ્રાપ્ત થાય છે, જે નીચે મુજબ છે :
માણેકચોકના મહેલ્લામાં ૭૦. ધરમનાથજીનું. ૭૧. મહાવીર સ્વામીનું. ૭૨. શાંતિનાથજીનું.
ત્યારબાદ મહાવીર સ્વામીના જિનાલયનો ઉલ્લેખ સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં આવે છે. તે સમયે આ જિનાલય ધાબાબંધી હોવાનો ઉલ્લેખ છે અને જિનાલયના મકાનની સ્થિતિ સારી હોવાનું દર્શાવ્યું છે. તે સમયે જિનાલયમાં પાષાણની પાંચ પ્રતિમાજીઓ હોવાનો ઉલ્લેખ છે.
સં. ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં માણેકચોક વિસ્તારમાં આવેલા આ જિનાલયમાં પાષાણની પાંચ પ્રતિમાજીઓ વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે. તે સમયે જિનાલયનો વહીવટ મનસુખભાઈ સકળચંદ હસ્તક હતો. તેઓ જિનાલયની નજીકમાં જ રહેતા હતા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org