________________
૧૧૪
ખંભાતનાં જિનાલયો
જિનાલયના બાંધકામમાં આરસ તથા પથ્થરનો ઉપયોગ થયેલો છે. જીર્ણોદ્ધાર વખતે બહારની દીવાલો આરસની બનાવવામાં આવી છે.
ત્રણ કમાનોવાળો પ્રવેશદ્વાર-બહારની ચોકી-ઉપર પ્લાસ્ટર ઑફ પેરિસની પૂતળીઓના શિલ્પો અને દીવાલો પરની રંગીન ભૌમિતિક આકૃતિઓ મનને મુગ્ધ કરે છે. જિનાલયના પ્રવેશદ્વારની બહારની બાજુએ બે હાથીઓ અને અધિષ્ઠાયક દેવીઓનાં શિલ્પો છે. પ્રવેશદ્વારે બે દ્વારપાળનાં શિલ્પો નયનરમ્ય છે. ભોંયરાના આદેશ્વરજીના જિનાલયનું વર્ણન કરતાં અગાઉ ઉપર આવેલા ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયની રચના જોઈએ.
| ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયના રંગમંડપમાં રંગકામ મોહક છે. ગભારા સિવાયની ત્રણેય દીવાલો પર ભગવાન મહાવીર તથા પાર્શ્વનાથજીના જીવનપ્રસંગો સુંદર રંગોથી ચિત્રિત થયેલા છે. ગભારાની બહાર સ્ત્રી-પુરુષનાં રંગીન શિલ્પો છે. ગભારાની ભીંતો પર પણ ચિત્રાંકન થયેલું છે. મૂળનાયકનું પરિકર કલાત્મક કોતરણીવાળું છે.
રંગમંડપમાં દીવાલ પર એક લેખ છે જે ખૂબ જ ઘસાઈ ગયેલો છે. આ લેખ ખંભાતનો પ્રાચીન જૈન ઇતિહાસ ગ્રંથમાં પૃ. ૨૦૮ પર પરિશિષ્ટ વિભાગમાં તે સમયે પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. આ ગ્રંથના પ્રકરણ-૧૩માં સદરહુ લેખ આપવામાં આવ્યો છે.
ગભારામાં આરસની કુલ સોળ પ્રતિમાજીઓ છે. જમણી બાજુ કાઉસ્સગ મુદ્રામાં આરસના પાંચ નાના ભગવાનની પ્રતિમા ભીંતે જડેલી છે. ઉપરાંત એક દેવીની મૂર્તિ પણ ત્યાં ભીંતે જડેલી છે. તે મૂર્તિ પ્રાય: અંબિકાદેવીની હોવી જોઈએ. મૂળનાયકની જમણી બાજુ સામેની ભીંતે સરસ્વતીદેવીની આરસની મૂર્તિ છે. હાથમાં પુસ્તક અને વાહન મોર હોવાથી એ મૂર્તિને ઓળખી શકાય છે. ડાબી બાજુની ભીંતે એક સાધુ-ભગવંતની આરસની મૂર્તિ જડેલી છે તથા ગૌતમ સ્વામીની મૂર્તિ પણ છે. સાધુ-ભગવંતની મૂર્તિની પ્રતિષ્ઠા વિજયસેનસૂરિએ કરી હોવાનો ઉલ્લેખ છે. અહીં કેટલીક આરસ પગલાંની જોડ છે.
ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયની નીચે ભોંયરામાં આવેલા આદેશ્વરજીના જિનાલયને અલગ જિનાલય તરીકે ગણવાની પણ પરંપરા જોવા મળે છે.
અહીં ગભારામાં મૂળનાયક આદેશ્વરજીની પ્રતિમાજી ૮૧ ઇંચની ઊંચાઈ ધરાવતી હોવાથી મોટા આદેશ્વર તરીકે પણ ઓળખાય છે.
ગભારામાં આરસની સાત પ્રતિમાજીઓ છે. ઉપરાંત ભીંતે જડેલા પાંચ કાઉસ્સગ્ગીયા છે, જે પૈકી ચાર કાઉસ્સગ્ગિયા પરિકરવાના છે. આદેશ્વરજીના આરસના પગલાંની એક જોડ છે. જેના પર સં. ૧૭૧૩નો ઉલ્લેખ છે. ગભારામાં પુંડરીકસ્વામીની આરસની પ્રતિમા છે જેમાં સં ૧૮૫૦ અને હીરાચંદ બાલચંદ એટલા શબ્દો વંચાય છે.
રંગમંડપમાં પ્રવેશતાં સામે જમણી બાજુની ભીંતે શત્રુંજયનો આરસનો રંગીન પટ મૂકવામાં આવ્યો છે. આ પટ છે ત્યાં પહેલાં દાદર હતો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org