________________
૭૨
હિતશિક્ષા
આશીર્વાદથી ગૃહતંત્ર વ્યવસ્થિત ચાલે છે એમ માની તેમના આશીર્વાદ મેળવવા માટે તેમનું હૃદય પ્રસન્ન રહે તેમ વર્તવું. - સ્ત્રીને બીજો સાસુનો વિનય કરવાનો છે. પતિની માતા એ સાસુ છે. જે સ્ત્રીએ પોતાના પુત્રને નવ મહિના પેટમાં રાખીને અહીં સુધી વ્હાલ વરસાવીવરસાવી ઉછેર્યો છે, તે પુત્રને માટે અને પુત્રવધૂ માટે કાંઈક આશા એ સ્ત્રી રાખે તો તે વધારે પડતી છે એમ તો ન ગણાય. નવી આવતી સ્ત્રી આ સમજતી નથી અને સાસરે આવ્યા પછી એ ગેરસમજૂતીથી અનેક પ્રકારના કલહ ઉત્પન્ન કરે છે. સ્ત્રીને સાસુના સમાગમમાં સતત રહેવાનું હોય છે એટલે એકબીજાનાં મંતવ્યો અનુરૂપ થાય તે માટે સાસુ વહુને વારંવાર કહે છે. એ હિતવચનો હોય કે સત્તાનાં વચનો હોય તેનો વિચાર વહુને કરવાનો નથી પણ તેનું પાલન કરવામાં શ્રેય છે એમ સમજવાનું છે. એ સમજણ નથી હોતી ત્યારે સાસુનાં વચનો વહુને કડવાં લાગે છે ને વારંવાર વાત-વાતમાં કલહ થયા કરે છે. એ કલહનાં અનિષ્ટ પરિણામો જગતમાં ગણ્યા ગણાય નહિ એટલાં આવ્યાં છે; જ્યારે વિનયવાળી પુત્રવધૂઓએ પોતાના એ સગુણને લઈને પારકા ઘરને પણ એવું તો પોતાનું બનાવ્યું હોય છે કે એ ઘરમાં કલહ કદી પણ ડોકિયું કરી શકતો નથી. કજિયાળી સાસુઓને પણ સુધારવાની શક્તિ વિનયવાળી પુત્રવધૂમાં હોય છે.
પતિના મોટા ભાઈ અને તેમની સ્ત્રી જેઠ-જેઠાણી છે. ઘરમાં તેમનું ચલણ પણ સારું હોય છે. સત્તાના અમુક દોર તેમને આધીન હોય છે એટલે તેમનું ગૌરવ જાળવવું એ સ્ત્રીની ફરજ છે. તેમના ઔચિત્યનો ભંગ કરવાથી ઘર ચૂંથાઈ જાય છે. તેમના પ્રત્યેના વિનયથી ઘરમાં સંપ જામે છે અને સંપ ત્યાં જંપ આવીને વસે છે.
ઘરમાં છૂટથી હરતીફરતી એકબીજાની વાતો એકબીજાને કરવાની છૂટ ધરાવતી વ્યક્તિ કોઈ હોય તો તે પતિની બહેન છે. તેને નણંદ કહેવામાં આવે છે. ભાભીની મશ્કરી કરવી અને કોઈ કોઈ ભાભીનાં છિદ્રો જોઈને ખુલ્લાં કરવાં-ટોક વગેરે એ પતિની બહેનમાં સ્ત્રીની સજાતીય છે એટલે સ્વભાવસિદ્ધ હોય છે. એવા પ્રસંગોથી સ્ત્રીએ ચિડાઈ જવું ન જોઈએ. નણંદનું પણ ગૌરવ જાળવીને તેને વશ કરી લેવી જોઈએ.
આમ આ પાંચ પ્રત્યેના વિનયની નવી આવતી સ્ત્રીમાં પ્રથમ જરૂર છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org