________________
ઉપશમનાકરણ સારસંગ્રહ
૩૦૯
ત્રણ આયુષ્ય વિના દેવાયુષ્ય બાંધીને અથવા કોઇપણ આયુષ્ય બાંધ્યા વિના આત્મા ઉપશમશ્રેણિ કરી શકે છે. માટે બદ્ધાયુ ઉપશમશ્રેણિ કરે અને ઉપશમ સમ્યકત્વના કાળમાં ગમે તે ગુણઠાણે કાળ કરે તો અવશ્ય વૈમાનિક દેવમાં જ જાય છે. અને અબદ્ધાયુ હોય તો અંતરકરણ પૂર્ણ થયા પછી-એટલે કે ઉપશમ સમ્યકત્વનો કાળ પૂર્ણ થયા પછી જ પરિણામના અનુસારે ચારમાંથી ગમે તે આયુષ્ય બાંધી કાળ કરી તે તે ગતિમાં જાય છે.
એક ભવની અંદર એકવાર ઉપશમશ્રેણિ કરી બીજીવાર ક્ષપકશ્રેણિ કરી આત્મા મોક્ષમાં પણ જઇ શકે છે. અને જો ક્ષપકશ્રેણિ ન કરે તો એક ભવની અંદર બે વાર ઉપશમશ્રેણિ કરી શકે છે. પરંતુ બે વાર ઉપશમશ્રેણિ કર્યા પછી તે ભવમાં ક્ષપકશ્રેણિ કરી શકતો નથી. આખા ભવચક્રની અંદર ઉપશમશ્રેણિ ચાર વાર કરી શકે છે. પણ સિદ્ધાંતના મતે એક ભવની અંદર ક્ષપક અથવા ઉપશમ આ બેમાંથી ગમે તે એક જ શ્રેણિ કરી શકે છે. એટલે એક ભવમાં ઉપશમશ્રેણિ કરી હોય તો તે ભવમાં ક્ષપકશ્રેણિ ન જ કરી શકે. આ પ્રમાણે પુરુષવેદના ઉદયે શ્રેણિ ઉપર આરૂઢ થનારની અપેક્ષાએ બતાવ્યું
પરંતુ સ્ત્રીવેદે શ્રેણિ માંડનાર પ્રથમ નપુંસકવેદને ઉપશમાવે છે, અને ત્યારબાદ એક ઉદય સમય વર્જી શેષ સંપૂર્ણ સ્ત્રીવેદને પણ ઉપશમાવે છે. અને સ્ત્રીવેદના ઉદયવિચ્છેદની સાથે જ પુરુષવેદનો બંધવિચ્છેદ થાય છે પછીના સમયે અવેદક એવો તે આત્મા હાસ્યષક અને પુરુષવેદ આ સાતે પ્રકૃતિઓને એકી સાથે ઉપશમાવે છે.
નપુંસકવેદના ઉદયે શ્રેણિ માંડનાર, પ્રથમ પુરુષવેદે અથવા સ્ત્રીવેદે શ્રેણિ માંડનાર જે જગ્યાએ નપુંસકવેદને ઉપશમાવે છે, ત્યાં સુધી એકલા નપુંસકવેદને ઉપશમાવવાની ક્રિયા કરે છે. પરંતુ નપુંસકવેદનો અમુક ઉપશમ થયા પછી તેની સાથે જ સ્ત્રીવેદને ઉપશમાવવાની પણ શરૂઆત કરે છે અને નપુંસકવેદના ઉદયના ચરમ સમયે નપુંસક તથા સ્ત્રીવેદ બન્ને એકી સાથે સંપૂર્ણ ઉપશાંત થઈ જાય છે. અને તે જ સમયે પુરુષવેદનો બંધ વિચ્છેદ થાય છે. અને પછીના સમયથી અવેદક થઈ હાસ્યષક અને પુરુષવેદ એ સાતે પ્રકૃતિઓને એકી સાથે ઉપશમાવે છે. ત્યારબાદ તો પ્રથમ પુરુષવેદોદયે શ્રેણિ ઉપર આરૂઢ થનાર ક્રોધાદિને જેમ ઉપશમાવે છે તેમ અહીં પણ ઉપશમાવે છે. એમ સર્વોપશમનાનું સ્વરૂપ બતાવી હવે દેશોપશમનાનું સ્વરૂપ કહે છે. -
(- ૮મું દેશોપશમના દ્વાર :-) લક્ષણ :- યથાપ્રવૃત્તાદિ પ્રથમ જે ત્રણ કરણો બતાવેલા છે. તેમાંથી યથાપ્રવૃત્ત અને અપૂર્વકરણરૂપ બે કરણોથી અથવા બે કરણો થાય ત્યાં સુધી જે મૂળ અને ઉત્તરપ્રકૃતિઓની ઉપશમના થાય છે તે દેશોપશમના કહેવાય છે.
આ દેશોપશમના ફક્ત મોહનીયમાં જ નહિ પરંતુ આઠ કર્મોમાં થાય છે.
દેશોપશમના વડે ઉપશાંત થયેલ દલિકોમાં ઉદ્વર્તના, અપવર્તન અને સંક્રમ આ ત્રણ કરણો પ્રવર્તે છે. પરંતુ તે સિવાય ઉદીરણા વિગેરે શેષ કંરણો પ્રવર્તતાં નથી.
આ દેશોપશમના અપૂર્વકરણ ગુણસ્થાનકના ચરમ સમય સુધી સત્તાગત સર્વ પ્રકૃતિઓમાં થાય છે. પરંતુ દર્શનત્રિક તથા ચાર અનંતાનુબંધિની દેશોપશમના પોતપોતાનો ક્ષય અથવા ઉપશમ કરવા માટે જે ત્રણ કરણો કરે છે તેમાંના અપૂર્વકરણના ચરમ સમય સુધીના જીવો જ કરે છે. | ભેદ :- દેશોપશમના મૂળ તેમજ ઉત્તરપ્રકૃતિઓની થાય છે તેમજ પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશોમાં પણ થાય છે. માટે મુખ્ય બે પ્રકાર અને તે એક-એકના ચાર ચાર પ્રકાર છે. ત્યાં મૂળપ્રવૃતિઓની દેશોપશમના જ્ઞાનાવરણીય વિગેરે આઠ પ્રકારે અને ઉત્તરપ્રકૃતિઓની દેશોપશમના મતિજ્ઞાનાવરણીય વિગેરે એકસો અઠ્ઠાવન પ્રકારે છે.
સ્વામી :- સામાન્યપણે એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના યથાસંભવ અપૂર્વકરણ ગુણસ્થાનકના ચરમ સમય સુધીના બધા જીવો સાગત કર્મપ્રકૃતિઓની દેશોપશમનાના સ્વામી છે, પરંતુ પ્રથમ ગુણસ્થાનકે મિથ્યાત્વની સર્વોપશમના કરનાર મિથ્યાષ્ટિઓ અપૂર્વકરણના ચરમ સમય સુધીના મિથ્યાત્વમોહનીયની દેશોપશમનાના સ્વામી છે, તેમજ અનંતાનુબંધિની ક્ષપણા અથવા ઉપશમના કરનાર યથાસંભવ ચારથી સાત ગુણસ્થાનક સુધીના ચારે ગતિના જીવો અને દર્શનત્રિકની ક્ષપણા અથવા ઉપશમના કરનાર ચોથાથી સાતમા સુધીના ચારગુણસ્થાનકવર્તી પોતપોતાના અપૂર્વકરણના ચરમ સમય સુધીના કોઈપણ જીવો અનંતાનુબંધિ અને દર્શનત્રિકની દેશોપશમનાના સ્વામી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org