________________
ભગવાન તેમજ ધ્વજદંડ-કળશ વગેરે ઉપર સોનું ચડાવવામાં આવે છે. એ સોનું સોનાના વરખ બનાવીને ચડાવવામાં આવે છે. એ માટે વરખ બનાવનાર કારીગરોને રોકવામાં આવે છે. આવા કારીગરોને કામ કરતાં ઘણાએ નિહાળ્યા છે. એમના કાર્યમાં શું શું વપરાય છે, એની ઝીણવટથી તપાસ પણ સુશ્રાવકોએ આદરી છે. તેમાં ક્યાંય વરખ બનાવવા માટે માંસ પદાર્થનો ઉપયોગ થતો જાણ્યો નથી.
વરખ બનાવનાર કારીગરો ચોક્કસ પ્રકારના કાગળોની બનેલી ચોપડી બનાવે છે, તેનાં એક એક પાને ચાંદી-સોનાનું પતરું મૂકી એ ચોપડી પેક કરી પછી બહાર ચામડાનાં જાડાં પડ રાખી હથોડાથી કૂટે છે. આ રીતે વરખ બને છે. આ સમગ્ર પ્રોસેસમાં ચાંદી સોનાના પતરાને (વરખને) ક્યાંયક્યારેય ચામડાનો સ્પર્શ થતો નથી. તેથી દરેક સ્થળે બનતા વરખ માટે વરખ માંસાહાર છે-અભક્ષ્ય છે-ભગવાનની આંગીમાં કે મીઠાઈ વગેરે ઉપર લગાડવામાં વપરાય નહીં' એવી વાતો ભૂલ ભરેલી છે. છતાં કોઈ સ્થળે તેમજ બનાવતા હોય, તો તેની તપાસ કરી શુદ્ધ વરખ વાપરવા.
“ચામડાનો સ્પર્શ થઈ જાય તો વસ્તુ અભક્ષ્ય અપવિત્ર બની જાય” આ નિયમ પણ જૈનશાસનનો નથી. થોડાં વર્ષો પૂર્વે મારવાડ-કચ્છ વગેરે પ્રદેશોમાં પીવાનું પાણી ચામડાની પખાલોમાં આવતું હતું. પૂજામાં પણ એ વપરાતું હતું. ઘી મૂકવાનાં વાસણો ચામડાનાં બનેલાં રહેતાં. દરેક ધર્મનાં મંદિરોમાં અને દેરાસરમાં ઢોલ, નગારા, તબલા વગેરે સંગીતનાં સાધનોમાં ચામડું વપરાતું હતું અને આજેય વપરાય છે. તેથી ચામડાનો સ્પર્શ થયો એટલા માત્રથી જ વરખ અપવિત્ર અભક્ષ્ય-વપરાય જ નહિ' આવો દેકારો મચાવવો એ યોગ્ય નથી, છતાં જાણ્યે-અજાણ્યે પણ એવો દેકારો મચાવનારા એ દ્વારા જિનભક્તિ આદિના એક તારક આલંબનથી સંઘને વંચિત રાખવાનો મહાદોષ પણ આચરી રહ્યા છે, એમ કહેવું વધુ પડતું જણાતું નથી. પ્રશ્ન-૪૫ - વરખ પરમાત્માની આંગીમાં વપરાય છે. તે શોભા વધારવા માટે જ. તેની શી જરૂર ? આંગી વગરની પ્રતિમા વધારે સુંદર લાગે છે. જનસામાન્ય આંગીનાં જ વખાણ કરતા હોય છે અને પરમાત્માને ભૂલી જાય છે.
૭૮ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ?