________________
સાધક અને સિદ્ધયોગીનો ભેદ ગાથા-૧૦
૨૯
આ દુઃખ વિષયોની અપ્રાપ્તિ કે વિષયોના વિયોગમાં થતાં દુ:ખ જેવું નથી. આ તો પોતે જ પોતાને કેમ પામી શકતો નથી તેનું દુ:ખ છે. ઘણા સાધકો આ કષ્ટથી હારી માર્ગથી ફંટાઈ જાય છે, પરંતુ તે તદ્દન અયોગ્ય છે. વાસ્તવમાં પ્રારંભિક કક્ષામાં તો આવો અંતરંગ સંઘર્ષ (struggle) આવકાર્ય હોય છે; કેમ કે આવા સંઘર્ષને પાર કરવાથી જ યોગમાર્ગમાં આગળ વધી શકાય છે.
શાસ્ત્ર અને ગુરુભગવંતના શબ્દો પ્રત્યે તીવ્ર શ્રદ્ધાવાળો સાધક આવો કષ્ટપ્રદ પ્રયત્ન છોડી દેતો નથી; પરંતુ ગુણવાનનું આલમ્બન લઈ માર્ગમાં સ્થિર થવા મેઘકુમારાદિની જેમ વધુ મહેનત કરે છે. મેઘમુનિની જેમ યોગની પ્રારંભિક દશા પ્રાય: સૌ માટે કઠિન હોય છે, પરંતુ તેને સરળ બનાવવા સદ્ગુરુનું શરણ, કલ્યાણમિત્રનો સંયોગ અને શાસ્ત્રવચનનો હૃદયસ્પર્શી સ્વાધ્યાય સહાયક બને છે. તેના દ્વારા સાધકના ચિત્ત ઉપર બાહ્ય વિષયોની અસર ઓછી થતી જાય છે અને તે ધીમે ધીમે અંતર્મુખ બની શકે છે.
અંતર્મુખ બનેલા સાધકને સુખકર આત્મિક ભાવોનો કાંઈક અનુભવ થાય છે, પરંતુ તે ખૂબ અલ્પસમય પૂરતો હોય છે. સાધક પોતાના આ અપૂર્વ અનુભવના આધારે જેમ જેમ વધુ પ્રયત્ન કરે છે તેમ તેમ આત્મિક અનુભવ વધુ ગાઢ બને છે. લાંબા ગાળે, ક્યારેક અને અલ્પકાળ માટે પ્રાપ્ત થતો તે આત્મિક અનુભવ, દૃઢ અભ્યાસ કરવાથી અલ્પ અલ્પતર પુરુષાર્થથી પણ સાધ્ય બનતો જાય છે અર્થાત્ સહજ થતો જાય છે, તેની frequency પણ વધતી જાય છે અને પૂર્વ કરતાં અધિક આનંદની અનુભૂતિ કરાવવા પૂર્વક તે આત્મિક અનુભવ દીર્ઘ કાળ સુધી ટકે પણ છે
આ રીતે વારંવાર અભ્યાસ કરવાથી સાધક માટે અંતરંગ દુનિયામાં રહેવું સહજ બનતું જાય છે. આત્મિક આનંદ માણવો તેને જમણા હાથના ખેલ જેવું લાગે છે. ત્યારપછી તો તેને તે આત્મિક ભાવોના સંવેદનની બહાર આવવું અતિ દુ:ખકર લાગે છે. કોઈક વિશિષ્ટ સંયોગમાં બહાર આવવું પડે તો તેને ઘણો શ્રમ પડે છે. જેમ વિષ્ણુકુમાર મુનિને જ્યારે સંઘના અગત્યના કાર્ય માટે ઉપશમભાવના આનંદને છોડી જડ એવા દુન્યવી પદાર્થો સાથે સંપર્કમાં આવવાની જરૂરીયાત ઊભી થઈ ત્યારે તેમને પોતાની જાતને ઘણી ઘણી સમજાવ્યા પછી જ તેઓ આ ભાવથી બહાર આવી શક્યા હતા.
આથી જ ગ્રન્થકારશ્રી સિદ્ધ અને સાધકની ચિત્તવૃત્તિનો ભેદ બતાવતાં જણાવે છે કે પ્રારંભિક કક્ષામાં સાધકને અંદરમાં જવું કષ્ટપ્રદ બને છે અને બાહ્યભાવમાં રહેવું સહજ અને સુખરૂપ લાગે છે, જ્યારે સિદ્ધયોગી માટે તો અંદર રહેવું સહજ અને સુખકર છે પણ બહાર આવવું કષ્ટકારક અને દુ:ખરૂપ છે. ૧૦.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org