________________
સમતાના સમ્યગુ ઉપાયો – જ્ઞાન અને ક્રિયા - ગાથા-૧
૨૩૩
સહાયક બનશે.” જીવનને સમ્યગુ દિશામાં લઈ જાય તેવો આ બોધ, જ્ઞાનયોગના સાધકને જ્ઞાન દ્વારા પ્રાપ્ત થાય છે અને તેના પરિણામે સાધક ક્ષમા, નમ્રતા, સંતોષ, નિ:સ્પૃહતા આદિ આત્મિક ગુણસંપત્તિને પ્રાપ્ત કરવાના લક્ષ્યપૂર્વક તપ-સંયમ કે ધ્યાનાદિમાં સુદઢ યત્ન કરવા લાગે છે.
તપાદિ ક્રિયામાં યત્ન કરતાં સાધકને આત્મિક ગુણોની વિશેષ ઝાંખી થવા લાગે છે, જે તેના માટે અતિ આનંદદાયક અનુભૂતિ બની રહે છે. આ અનુભૂતિના કારણે પૂર્વે પ્રાપ્ત કરેલું જ્ઞાન સંવેદના અને પ્રતીતિનો વિષય બને છે. પરિણામે તેને આત્મા સિવાયના સર્વ જડ પદાર્થો પરાયા અને પોતાના સુખ-દુ:ખના અકારણ લાગે છે અને તે તેનાથી પ્રગટતા રતિ-અરતિના ભાવોથી મુક્ત થતો જાય છે. જીવોનું પણ આકૃતિ અને પ્રકૃતિનું વૈવિધ્ય કર્મકૃત છે એવું સમજાતાં સાધક માટે કર્મક્ત ગુણ કે દોષ ઉપેક્ષણીય બની જાય છે અને કર્મરહિતરૂપે તેને સર્વ જીવો પણ સમાન જણાય છે, તેથી તેને કોઈ જીવ પોતાનો કે પરાયો, ઊંચો કે નીચો, અનુકૂળ કે પ્રતિકૂળ જણાતો નથી.
આમ જ્ઞાન અને ક્રિયાના સહારે સાધક ધીરે ધીરે સાનુકૂળ કે પ્રતિકૂળ એવા સર્વ જીવો કે અજીવો પ્રત્યે સમાનવૃત્તિવાળો બને છે. તે પછી કદાચ કર્મોદયથી શરીરકૃત અશાતા આદિ થાય તોપણ શાતા કે અશાતા, સુખ કે દુ:ખ પ્રત્યે પણ સમાનવૃત્તિ ધારણ કરનારા આ સાધકને તેનાથી આર્તધ્યાન જેવી કોઈ પીડા થતી નથી. ઇષ્ટ વિષયો સન્મુખ આવતાં તેને રાગ કે રતિ થતાં નથી અને અનિષ્ટ વિષયો પ્રાપ્ત થતાં તેને દ્વેષ કે અરતિ-અણગમો થતાં નથી. અનુકૂળ કે પ્રતિકૂળ સામગ્રી કે સંયોગોથી તેના ચિત્તમાં કોઈ વ્યથા કે વિહ્વળતાનો ઉદ્ભવ થતો નથી. જ્ઞાન અને ક્રિયા દ્વારા શુદ્ધ આત્મિકભાવોમાં જ લીન બનેલો તે સાધક સામ્યભાવમાં આરૂઢ થયેલો હોવાથી દરેક પરિસ્થિતિમાં તેનું મોક્ષ તરફનું ગમન અખંડ અને અખ્ખલિતપણે ચાલ્યા કરે છે. ||૧' '
2. તુલના :
ભગવદ્ગીતાના અધ્યાય ૯ના શ્લોક ૨૯માં જણાવ્યું છે કે, समोऽहं सर्वभूतेषु न मे द्वेष्योऽस्ति न मे प्रियः । ये भजन्ति तु मां भक्त्या मयि ते तेषु चाप्यहम् ।।२९।। સર્વ પ્રાણીઓને વિષે હું સમભાવવાળો છું. મારા માટે દ્વેષ કરવા યોગ્ય પણ કોઈ નથી અને મારા માટે પ્રિય પણ કોઈ નથી. જેઓ મને (પરમાત્માને) આ રીતે ભક્તિથી ભજે છે અર્થાતુ પરમાત્માના આ સ્વરૂપને આત્મસાત્ કરવા પ્રયત્ન કરે છે, તેઓ મારામાં છે અને હું પણ તેઓમાં છું. આનું પણ તાત્પર્ય એ જ છે કે જ્યારે સર્વત્ર સમતા-સામ્યયોગ આવે ત્યારે જ ભગવભાવ પ્રગટ થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org