________________
ક્રિયાની ઉપેક્ષા કરતાં જ્ઞાનીઓની નાસ્તિકતા - ગાથા-૩૯
૨૧૫
આ રીતે સંદર્ભ વિચાર્યા વગર પ્રરૂપણા કરવી તે માર્ગ-ભેદક પ્રવૃત્તિ છે, માટે જ તેવી પ્રવૃત્તિ કરનારાઓને ગ્રંથકારશ્રીએ નાસ્તિક કહ્યા છે.
હકીકતમાં આવા કહેવાતા જ્ઞાનીઓ પણ જ્યારે ખાવા-પીવાની કે અન્ય કોઈપણ ભોગાદિની પ્રવૃત્તિ કરે છે ત્યારે તેઓને રાગાદિ ભાવોનો સ્પર્શ થઈ જ જાય છે, આમ છતાં રાગાદિના સ્વરૂપને નહીં સમજતાં કાં તો સમજવા છતાં તેની સામે આંખ મીંચામણા કરનારા આ લોકો કહે છે કે, “આ ભોગાદિની પ્રવૃત્તિ તો શરીર કરે છે, આત્માને તેમાં કાંઈ લાગતું-વળગતું નથી, તે તો આ પૌદ્ગલિક ભાવોનો માત્ર જ્ઞાતા-દ્રષ્ટા છે.” આવી ઊંચી ઊંચી વાતો કરી પોતે પણ ભોગાદિમાં પ્રવર્તીને, કામાદિની વૃત્તિઓને પોષે છે. વળી, અન્યને પણ તપ-ત્યાગ-સંયમના માર્ગથી દૂર રાખીને, અલિપ્તભાવે ભોગાદિની પ્રવૃત્તિ કરવામાં કાંઈ વાંધો નથી એવી પ્રરૂપણા કરીને ભોગાદિમાં પ્રવર્તાવે છે.
વાસ્તવમાં યોગની છઠ્ઠી દૃષ્ટિના જ્વલંત વૈરાગ્ય આદિ ગુણોથી સમૃદ્ધ મહાપુરુષો સિવાય પ્રાય: કોઈ જીવની તાકાત નથી કે કામ-ભોગાદિની પ્રવૃત્તિ કરતાં રાગાદિથી અલિપ્ત રહી શકે. સામાન્ય જીવોને તો કામ-ભોગની પ્રવૃત્તિઓ કરતાં રાગાદિ ભાવો ઉત્પન્ન થઈ જ જાય છે અને તેમને તેનાથી કર્મબન્ધ પણ થાય છે. કોમ-ભોગનું આવું અનર્થકારી સ્વરૂપ હોવા છતાં જ્ઞાનીના વેષમાં રહેલા નાસ્તિકો ‘ભોગાદિની પ્રવૃત્તિ કરવા છતાં અમને કાંઈ થતું નથી એવું કહીને કામ-ભોગની વાસ્તવિકતાને છૂપાવે છે, તેની મલિનતાને અને આત્માને મલિન કરવાની તેની કુખ્યાત ક્ષમતાને ઢાંકવાનું કામ કરે છે. તેમની પ્રરૂપણા અને પ્રવૃત્તિથી પ્રારંભિક ભૂમિકાના લોકો મુંઝાઈ જાય છે અને ગુણપ્રાપ્તિના રાજમાર્ગથી ફંટાઈ જાય છે.
પ્રારંભિક ભૂમિકામાં તો રાગાદિના સંસ્કારો તોડવા, વૈરાગ્યાદિ ગુણોને પુષ્ટ કરવા, ક્રોધાદિ દોષોને પરખવા કે નાશ કરવા માટે; તપ, ત્યાગ, ગુરુકુલવાસ, સંયમ આદિનો માર્ગ જ યોગ્ય અને શ્રેષ્ઠ છે. આમ છતાં કહેવાતા જ્ઞાની પણ વાસ્તવમાં પ્રચ્છન્ન નાસ્તિકોની વાતો સાંભળીને કેટલાક મુગ્ધ, અવિચારક કે અર્ધવિચારક લોકો આત્મા અને શરીરના ભેદની માત્ર શાબ્દિક વિચારણાઓ કરી ધર્મ પામ્યા પછી પણ અનાદિકાળની જેમ ભોગાદિમાં પ્રવૃત્તિ કર્યા કરે છે. વળી, અમે જ્ઞાતા-દ્રષ્ટાભાવે ભોગાદિની પ્રવૃત્તિઓ કરીએ છીએ એવું માની તેને ઉચિત પણ માને છે. આમ કરવાથી તેઓ રાગાદિ કષાયો અને કર્મોથી તો લેપાય જ છે પણ સાથે સાથે અનુચિત પ્રવૃત્તિમાં ઉચિતતાનો બોધ કરી ભ્રમ કે કદાગ્રહને પણ પુષ્ટ કરે છે, મિથ્યાત્વને ગાઢ બનાવે છે. પરિણામે આવા જીવોની સંસારનો અંત આણવાની ભાવના તો પૂર્ણ થતી નથી જ, પણ સંસારની વૃદ્ધિ થતી જાય છે.
આમ તપ-ત્યાગની ક્રિયાઓને છોડી નાસ્તિકો જગતને મોક્ષમાર્ગથી દૂર રાખે છે, તેમની આત્મિક ગુણસંપત્તિના નાશનું નિમિત્ત બને છે અને આધ્યાત્મિક ઉન્નતિ સાધવા લોકોએ તેમના ઉપર મૂકેલા વિશ્વાસનો પણ દ્રોહ કરે છે, આ રીતે તેઓ લોકોને છેતરે છે. ૩૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org