________________
૨૨
અધ્યાત્મ ઉપનિષદ્ - ભાગ પહેલો, ૧-શાસ્ત્રયોગશુદ્ધિ અધિકાર રૂઢિ એટલે પરંપરા (tradition) સામાન્ય લોકો શબ્દનો અર્થ કરવા વ્યાકરણના નિયમનો સહારો લેવાનો આગ્રહ રાખતા નથી. વ્યાકરણના નિયમથી આ શબ્દ કઈ રીતે બન્યો કે તેને કયો પ્રત્યય લાગ્યો છે તે જોઈ તેઓ શબ્દનો અર્થ કરતા નથી. તેઓ તો વૃદ્ધો, અનુભવીઓ, કે સંકેતજ્ઞોના નિર્દેશ અનુસાર પરંપરાગત રીતે લોકમાં જે પદાર્થ માટે જે શબ્દ રૂઢ થયો હોય અર્થાત્ વપરાતો હોય તે શબ્દનો તે જ પ્રમાણે અર્થ કરે છે.
રૂઢિ-અર્થ-નિપુણો જો કે શબ્દાનુસારે થતા અર્થને માન્ય રાખે જ તેવું નથી તોપણ તેઓ શબ્દમર્યાદાનું પૂર્ણ ઉલ્લંઘન પણ કરતા નથી. તેઓ જે પદાર્થમાં શબ્દને અનુકૂળ થોડો પણ અર્થ જણાય ત્યાં પણ તે શબ્દનો પ્રયોગ કરનારા છે. આ જ કારણથી તેઓ મૈત્રાદિ ભાવનાથી વાસિત, બાહ્ય વ્યવહારથી પુષ્ટ અને નિર્મળ એવા ચિત્તને અધ્યાત્મ માને છે. તેમાં ચિત્ત એટલે હૃદયનો ઢાળ, મનનો એક પ્રકારનો પરિણામ કે આત્મદ્રવ્યનો એક પર્યાય. જે ચિત્ત મૈત્રી આદિ ભાવનાઓથી એટલું પ્રભાવિત હોય કે, તેના વાણી, વિચાર કે વર્તનમાં આ ભાવનાઓની સુવાસ જોવા મળે. મિથ્યાત્વના મળો દૂર થતાં જે ચિત્તમાં એક અપૂર્વ નિર્મળતા પ્રગટી હોય, જેના કારણે તે તત્ત્વભૂત પદાર્થને આત્મહિતની અપેક્ષાએ યથાર્થરૂપે જોઈ શકે. તદુપરાંત કષાયોને આધીન થયા વિના જે સમયે જે વ્યવહાર ઉચિત હોય તે સમયે તે ઉચિત વ્યવહાર કરવાથી જે ચિત્ત વધુ પુષ્ટ થયું હોય તેવા ચિત્તને રૂઢિ પ્રમાણે અર્થ કરનારાઓ “અધ્યાત્મ' તરીકે ઓળખાવે છે.
રૂઢિગત આ વ્યાખ્યામાં “આત્માને આશ્રયીને એવી વ્યુત્પત્તિ અનુસાર અધ્યાત્મનો અર્થ આવતો નથી, પરંતુ તેમાં જે ત્રણ ભાવવાળા ચિત્તને અધ્યાત્મ તરીકે સ્વીકાર્યું છે, તે ત્રણે ભાવો આત્મામાં સ્થિર થવા, આધ્યાત્મિક વિકાસ સાધવા કે શુદ્ધ આત્મસ્વરૂપને પામવા માટે અત્યંત અનુકૂળ ભાવો છે.
કષાયો અને કર્મોના હાસથી ઉત્પન્ન થતી ચિત્તશુદ્ધિ કે આત્મશુદ્ધિ વિના આ ભાવો પ્રગટતા નથી, આથી જ રૂઢિગત રીતે આવા ચિત્તમાં અધ્યાત્મ શબ્દનો પ્રયોગ થાય છે. ૨. મૈથ્યારિવાસિતમ્ -
ગ્રંથકારે રૂઢિની અપેક્ષાએ જે ત્રણ વિશેષણોથી વિશિષ્ટ ચિત્તને અધ્યાત્મ તરીકે સ્વીકાર્યું તેમાં સૌ પ્રથમ વિશેષણ છે, “મૈત્રાદિથી વાસિત હોવું.” મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યચ્ય એમ ચાર ભાવનાઓ છે. શાસ્ત્રોમાં જણાવ્યું છે કે, શુભભાવોની પ્રાપ્તિ માટે આ ચાર ભાવનાઓ ઉત્તમ સાધનો છે. જે સાધક આ ચાર ભાવનાઓને વારંવાર ભાવે છે, વિચારે છે, તેનું ચિંતન કરે છે, તેની ઊંડી અનુપ્રેક્ષા કરે છે તે સાધકના આત્મા ઉપર એવા સંસ્કારો પડે છે કે તેનો માનસિક, વાચિક, કાયિક, સર્વ વ્યવહાર આ ભાવનાના પ્રભાવ હેઠળ જ પ્રવર્તે છે. તેને તે તે પ્રવૃત્તિ કરતાં આ ભાવનાઓ વિચારવાની આવશ્યકતા રહેતી નથી. અનાયાસે તેની વૃત્તિ અને પ્રવૃત્તિમાં જીવ માત્રની હિતચિંતા, ગુણવાન પ્રત્યેનો પ્રમોદ, દુ:ખી અને દોષિત પ્રત્યે કરુણા અને સમજે તેવા ન હોય તેવા પ્રત્યે મધ્યસ્થવૃત્તિ જોવા મળે છે. ચારે ભાવનાઓની વિશેષતાઓ અનેક ગ્રંથોમાં વિસ્તારથી જોવા મળે છે, તેથી અત્રે માત્ર સંક્ષેપથી તેની વિચારણા કરી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org