________________
૪
Jain Education International
અધ્યાત્મ ઉપનિષદ્ - ભાગ પહેલો, ૧-શાસ્ત્રયોગશુદ્ધિ અધિકાર
વાતને અનુસરતાં પંદરમા શ્લોકમાં વીતરાગને આગળ કરવા એટલે શું ? તે જણાવીને અન્ય દર્શનકારો તેને શું કહે છે, તે પ્રદર્શિત કર્યું છે. વીતરાગ ભાવને આગળ કરવારૂપ અસંગ-અનુષ્ઠાન એ જ શાસ્ત્રાનુસારી પ્રવૃત્તિનું ઉત્તમ ફળ છે એમ આ શ્લોકથી જણાઈ આવે છે.
વળી સોળમા શ્લોકમાં યોગીઓ શાસ્ત્રદષ્ટિવાળા છે એમ જણાવીને ગર્ભિત રીતે એ સૂચિત કર્યું છે કે ‘શાસ્ત્રયોગશુદ્ધિ’ અપેક્ષાએ મુનિભાવ સાથે સંલગ્ન છે. કેમ કે કર્મ અને કષાયથી મુક્ત થઈ સ્વતંત્ર બનવું એ મુનિનું લક્ષ્ય છે અને તેની પ્રાપ્તિનો ઉપાય શાસ્ત્રની પરતંત્રતા છે. આ પરતંત્રતા આવતાં ‘શાસ્ત્રયોગશુદ્ધિ’ પ્રગટ થઈ છે, તેમ કહી શકાય. બાકી શાસ્ત્ર નિરપેક્ષ સ્વચ્છન્દ પ્રવૃત્તિમાં આત્મિક શુદ્ધિ કે મુનિભાવ શક્ય જ નથી અને મુનિ વિના બીજું કોઈ પૂર્ણપણે શાસ્ત્રને પરતંત્ર બની શકતું નથી. તેથી એક અપેક્ષાએ મુનિમાં જ શાસ્ત્રયોગશુદ્ધિ સંભવે.
શાસ્ત્રયોગશુદ્ધિ પ્રાપ્ત કરવા શાસ્ત્રની પરતંત્રતા આવશ્યક છે અને તે માટે કયું શાસ્ત્ર સર્વજ્ઞ કથિત છે તેનો તટસ્થતાથી નિર્ણય કરવો આવશ્યક છે અને આવો નિર્ણય શાસ્ત્રની કષ-છેદ અને તાપ પરીક્ષા કરવાથી થઈ શકે છે. તેથી સત્તરમા શ્લોકથી માંડી છેક ત્રેપનમા શ્લોક સુધી શાસ્ત્ર પરીક્ષાની વિધિ દર્શાવી છે.
જે શાસ્ત્રમાં મોક્ષ પ્રાપ્ત કરાવે તેવી જ પ્રવૃત્તિ બતાવનાર વિધિ વાક્યો હોય અને મોક્ષને પ્રતિકૂળ પ્રવૃત્તિની મનાઈ કરનાર નિષેધ વાક્યો હોય, તે શાસ્ત્ર કષશુદ્ધ કહેવાય. તે સંબંધી વાતો અઢારમાથી વીસમા શ્લોક સુધી કરી છે.
વિધિ-નિષેધ મોક્ષને અનુરૂપ હોવા છતાં શાસ્ત્ર તદનુરૂપ આચારસંહિતા દર્શાવે છે કે નહિ તેની તપાસ છેદ પરીક્ષાથી થાય છે. આચારો ઉત્સર્ગ અને અપવાદ બન્ને રૂપે હોવા છતાં જ્યારે બન્નેનો ઉદ્દેશ મોક્ષ જ હોય ત્યારે શાસ્ત્રમાં છેદશુદ્ધિ પ્રાપ્ત થાય. તે છેદશુદ્ધિની વિગતો વીશથી અટ્ઠાવીસમાં શ્લોક સુધી દર્શાવી છે.
કષ અને છેદથી શુદ્ધ પણ શાસ્ત્રો આત્માદિ અતીન્દ્રિય પદાર્થોનું સ્વરૂપ કેવું બતાવે છે, તેની તપાસ કરીને, શાસ્ત્રની તાપ પરીક્ષા કરાય છે. જે શાસ્ત્રમાં આત્માનું નિરૂપણ એવું ક૨વામાં આવે કે મોક્ષ જ અસંગત બની જાય તે શાસ્ત્ર તાપશુદ્ધ બનતું નથી. આ વિષયને શ્લોક ઓગણત્રીસથી ત્રેપન સુધી વિસ્તારથી ચર્ચવામાં આવ્યો છે.
તાપ શુદ્ધિ દર્શાવતાં ગ્રંથકારશ્રીએ ઘણા ગહન દાર્શનિક પદાર્થોનો સ્પર્શ કર્યો છે. પ્રારંભિક વાચકોને આના દ્વારા સ્યાદ્વાદ સંબંધી જિજ્ઞાસા જરૂ૨ ઉત્પન્ન થશે. વળી સ્યાદ્વાદનો સિદ્ધાંત સ્વીકારી આત્માને નિત્યાનિત્ય માનવાથી જ બંધ-મોક્ષ આદિ ઘટે છે, તેથી આ પ્રસ્તાવમાં સ્યાદ્વાદની પ્રામાણિકતા, તેની વ્યાપકતા, અન્ય દર્શનમાં પણ તેનો આડકતરો સ્વીકાર વગેરેનું ચિત્તને ચમત્કૃત કરે તેવું નિરૂપણ છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org