________________
અનેકાન્તવાદનું ફળ માધ્યચ્ય - ગાથા-૯૪
૧૪૭
વિશેષાર્થ :
સ્યાદ્વાદ અતિ સુસંગતવાદ છે. વિશ્વની સંપૂર્ણ વ્યવસ્થા કે સંસારના રોજીંદા વ્યવહારો પણ સ્યાદ્વાદના આધારે જ ઘટી શકે છે.” બુદ્ધિશાળી લોકો આ વાતને યથાર્થરૂપે જાણે છે, માટે તેઓ ક્યારેય સ્યાદ્વાદની ટીકા કરતા નથી કે તેના સંબંધી કદી નબળું બોલતાં નથી, પરંતુ જેઓ સ્યાદ્વાદને સમજતા નથી કે જેનામાં સ્યાદ્વાદ સમજવાની ક્ષમતા નથી તેવા લોકો કોઈ એક પક્ષ કે મત પ્રત્યે અતિ આગ્રહવાળા હોય છે, આવા કદાગ્રહી લોકો દુન્યવી દરેક પદાર્થોને સમજવા પોતાની બુદ્ધિનો પૂર્ણ ઉપયોગ કરતાં હોવાને કારણે, દુન્યવી દૃષ્ટિએ તેઓ બુદ્ધિમાન ગણાય છે, પણ આત્મા આદિ પદાર્થના વિષયમાં તેઓ કદાગ્રહી હોય છે. કદાગ્રહના કારણે તેઓ અનેક દૃષ્ટિકોણથી પદાર્થના સ્વરૂપનો નિર્ણય કરી શકતા નથી. આથી જ આવા જીવો આધ્યાત્મિક ક્ષેત્રે તો અજ્ઞાની જ કહેવાય છે.
આવા અજ્ઞાનીઓ સ્યાદ્વાદને સમજવાનો વિશેષ યત્ન કર્યા વિના, કે પૂર્વાપરનો વિચાર કર્યા વિના, જ ઉપરછલ્લી રીતે અનેકાન્તવાદ સામે આરોપો ઉપર આરોપો કરતાં કહે છે કે, “આ તો સંશયવાદ છે, અસ્થિરવાદ છે, અનિશ્ચિત વાદ છે, ફેરફુદડીઓ વાદ છે, કોઈ વાતનો નિર્ણય તો આમાં થતો નથી, વિરોધીઓની પણ બધી વાતો આ લોકો સ્વીકારી લે છે, આ રીતે તો પદાર્થનો નિર્ણય કઈ રીતે થાય ? આથી જ સ્યાદ્વાદ યોગ્ય નથી, તેના સ્વીકારથી ક્યારેય કોઈ કામ કે આત્મકલ્યાણ થઈ શકે નહિ.”
અજ્ઞાનીઓની આવી વાતો સાંભળવા છતાં જ્ઞાની પુરુષને તેના પ્રત્યે લેશ પણ દ્વેષ થતો નથી, પરંતુ તેઓને મના પ્રત્યે દયા આવે છે. “બિચારા આ લોકો વાસ્તવિકતા નહિ સમજવાના કારણે સત્યની સાધનાથી અને આત્મકલ્યાણથી વંચિત રહી જશે-તેવો ભાવ થાય છે. “હા” ક્યારેક આવા અજ્ઞાનીઓના પ્રલાપોથી અન્ય કોઈ બાળજીવોને નુકસાન થતું દેખાય ત્યારે આ મહાત્માઓ તેમના મતનું ખંડન પણ કરે છે અને તેમને શિક્ષા પણ કરે છે. છતાં ય તેમનું હૃદય એક “મા” જેવું હોય છે. “મા” પોતાના તોફાની બાળકને સુધારવા લાલ આંખ કરે, કડવાં વેણ પણ કહે અને ક્યારેક હાથ પણ ઉપાડે; પરંતુ તેના હૃદયમાં માત્ર બાળકને સુધારવાની અને તેના ભવિષ્યને ઉજાળવાની ભાવના હોય છે. તેમ સ્યાદ્વાદને વરેલા પ્રાજ્ઞ પુરુષો અજ્ઞાનીઓ સામે ક્યારેક લાલ આંખ કરે કે કડવાં શબ્દથી તેમનું અનુશાસન પણ કરે, તો પણ તેમની ભાવના તો માત્ર તેમને સન્માર્ગમાં સ્થાપવાની અને તેમના અનંતા ભાવિને ઉજાળવાની જ હોય છે. જે કરુણા ભાવનાનો જ એક પ્રકાર છે. ૬૪ો.
Jain Education Interational
For Personal & Private Use Only
www ainelibrary.org