________________
અંગત પરિચયની થોડીક વાત
પ૭ લહાવારૂપ છે. મોટે ભાગે તો, “ડુંગરા દૂરથી રળિયામણા” એ કહેવતની જેમ, સમાજમાં, ધર્મમાં કે દેશમાં મોટી ગણાતી વ્યક્તિઓમાં પણ મોટા ભાગની એવી હોય છે કે જેમ જેમ એમનો નિકટનો પરિચય થતો જાય તેમ તેમ એમની મોટાઈ અંગેની આપણી માન્યતા નકામી સાબિત થતી જાય છે અને તેઓ ખરે વખતે ફટકિયા મોતી જેવા પુરવાર થતા લાગે છે; એટલું જ નહીં, એમની કંઈ કંઈ ક્ષતિઓ આપણી આગળ છતી થતી જાય છે, પણ મહારાજશ્રીની બાબતમાં મારો તેમ જ એમના પરિચયમાં આવનાર સૌ કૌઈનો પણ અનુભવ આથી સાવ જુદો છે. જેમ જેમ એમનો વધુ ને વધુ નિકટનો પરિચય થતો ગયો, તેમ તેમ એમના વધુ ને વધુ ગુણોની છાપ અંતર પણ પડતી ગઈ. એમની નિખાલસતા તો એમની જ હતી ! ઘણી વાર તો એમની રહેણીકરણી જોઈને એ જ સવાલ થઈ આવતો કે મહારાજશ્રીની સાધુતા વધે કે વિદ્વતા ! સાચે જ, ચંદન જેમ વધુ ઘસાય તેમ વધુ સુગંધ પ્રસરાવે, એવું ભવ્ય અને દિવ્ય તેઓશ્રીનું જીવન હતું.
કોઈને પણ ના પાડવાનો કે કોઈના નાના-મોટા ગમે તેવા કામ માટે પણ સમયની કૃપણતા કરવાનો મહારાજશ્રીનો સ્વભાવ જ ન હતો, આથી આગમ-સંશોધનના કામમાં વિક્ષેપ આવી જતો જોઈને હું અકળાઈ જતો, અને રૂબરૂમાં કે તેઓ બહારગામ હોય તો પત્ર લખીને, અવારનવાર ફરિયાદ કરતો જ રહેતો, પણ સંત પુરુષ પોતાને આંગણેથી કોને જાકારો આપે ? ભલાજગતના સર્વ જીવોને પોતાના મિત્ર માનવાનું એમનું જીવનવ્રત હતું જે ? એટલે મારી ફરિયાદને ભાગ્યે જ દાદ મળતી, છતાં ઘણી વાર મહારાજશ્રી આત્મવિશ્વાસપૂર્વક એવું આશ્વાસન આપતા કે આ બાબતમાં તું નકામી ચિંતા કરે છે. હું ચોર્યાશી વર્ષ જીવવાનો છું અને આગમ-સંશોધનનું કામ મારે હાથે જરૂર પૂરું થવાનું છે ! એ શબ્દો ખાલી શબ્દો જ રહ્યા અને મહારાજશ્રી ૭૬ વર્ષની ઉંમરે જ સ્વર્ગવાસી થયા, એ વાતના વિચારથી હજી પણ જયારે મન ઉદાસ બની જાય છે, ત્યારે એને એક જ વિચારથી આશ્વાસન મળે છે કે આવા મહાન, વિદ્વાન અને પવિત્ર સંત પુરુષનો આટલો સત્સંગ થયો, એ કંઈ ઓછા સદ્ભાગ્યની વાત છે ! બાકી તો, સંસારમાં કોનું ધાર્યું થયું છે અને કોની ઇચ્છાઓ પૂરી થઈ છે ? સંસારનું નામ જ અસ્થિરતા !
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org