________________
૨૭
જ્ઞાનોદ્ધારનું શર્વર્તી કાર્ય કરી શકાય, એની પણ તેઓ સ્પષ્ટ સમજ ધરાવતા હતા. આવી વિરલ કળાસામગ્રી જાણે આપમેળે જ પોતાની કથા મહારાજશ્રીને કહી સંભળાવતી !
વિદ્વાનોને સહકાર–આ બધા ઉપરાંત મહારાજશ્રીની સૌથી ચડિયાતી અને અતિવિરલ કહી શકાય એવી વિશિષ્ટતા હતી વિદ્વાનો અને વિદ્યાના ખપીઓને જરૂરી બધી સહાય આપવાની તત્પરતા. જેમને છાપેલ પુસ્તકો. હસ્તલિખિત પ્રતો, એની માઈક્રોફિલ્મ કે ફોટોસ્ટેટ કૉપી વગેરે જોઈએ તેને તે વસ્તુ તો તેઓ તરત જ સુલભ કરી આપતા, એટલું જ નહીં, કોઈ તેઓએ પોતે કરેલ કે બીજા પાસે કરાવેલ અને બીજી પ્રતોને આધારે સુધારેલ કોઈ પ્રાચીન ગ્રંથની તૈયાર પ્રેસકૉપીની માગણી કરે તો તે પણ તેઓ જરાય ખમચાયા વિના પૂર્ણ ઉદારતાથી આપી દેતા; અને એમ કરીને પોતે કોઈના ઉપર અહેસાન કર્યો હોય એવો ભાવ ન તો જાતે અનુભવતા કે ન તો બીજાને એવો ભાવ દેખાવા દેતા. કોઈનું પણ કામ કરી આપવાની પરગજુ વૃત્તિ જાણે એમના જીવન સાથે સહજપણે વણાઈ ગઈ હતી.
એક વાર મારા મિત્ર શ્રીદલસુખભાઈ માલવણિયાએ બનારસના કોઈ વિદ્વાનને સ્યાદ્વાદરત્નાકરના બધા ભાગોની જરૂર હોવાની અને પૈસા ખરચવા છતાં પણ બજારમાંથી એ નહીં મળતા હોવાની સહજપણે વાત કરી. મહારાજશ્રીએ તરત જ કબાટ ઉઘાડીને એ પુસ્તકના બધા ભાગ દલસુખભાઈને આપ્યા અને એ વિદ્વાનને મોકલી આપવા સૂચવ્યું; અને વધારામાં ઉમેર્યું કે એ એનો ઉપયોગ કરશે, એ પણ લાભ જ છે ને ! આપણે તો વળી ગમે ત્યાંથી મેળવી લઈશું. શોધવા ઇચ્છીએ તો આવા તો સંખ્યાબંધ પ્રસંગો મહારાજશ્રીના જીવનમાંથી સાંપડી શકે. આનો સાર એ છે કે જ્ઞાનોદ્ધારમાં અને જ્ઞાનપ્રસારમાં તેઓશ્રીને એવો જીવંત રસ હતો કે એ કામ તેઓ પોતે કરે કે બીજા કરે, એ એમને મન સરખું હતું. અને બીજાને એની જ્ઞાનોપાસનામાં બધી સગવડ મળી રહે એની તેઓ પૂરી ચિંતા રાખતા. પોતે ગમે તેવા ગંભીર કામમાં એકાગ્ર થયા હોય, પણ કોઈ જિજ્ઞાસુ આવે તો તેઓ લેશ પણ કૃપણતા કર્યા વગર આવનારને બરોબર સંતોષ થાય એ રીતે પૂરેપૂરો સમય આપતા, અને એમને કોઈ બાબતમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org