________________
૨૬ ૨
શિક્ષામૃત
જ્ઞાનીઓ જગતને તૃણવત્ ગણે છે, એ એઓનાં જ્ઞાનનો મહિમા સમજવો.
આખું જગત અને જગતની લક્ષ્મી, સંપત્તિ, ચક્રવર્તીની સંપત્તિ, ઇન્દ્રની સંપત્તિ અને જ્ઞાની તૃણવત્ ગણે છે, તણખલાની તોલે ગણે છે, કારણ કે એ ભેગું નથી આવતું. મૂળ મુશ્કેલી એ જ છે. ઘણો મોહ કર્યો, માયા કરી અને ભેગું કર્યું પણ એ ભેગું આવતું નથી.
કોઈ મિથ્યાભિનિવેશી જ્ઞાનનો ડોળ કરી જગતનો ભાર મિથ્યા શિર વહેતો હોય તો તે હાંસીપાત્ર છે.
જ્ઞાન ન હોય અને જ્ઞાની છું એમ ડોળ કરી બધાને બોધ આપતો હોય તો એ હાંસીપાત્ર છે. એને રખડી મરવાનું છે. એની પાછળ જનારનું પણ કલ્યાણ ન થાય. એ તો બિચારા સીધા સરળ હોય એટલે પાછળ જાય, પણ મિથ્યાભિનિવેશીને તો વધારે ભોગવવું પડે. પેલાને તો કાંઈક ફાયદો થવાનો હોય તો થાય અને ન થવાનો હોય તો ન થાય, પણ મિથ્યાજ્ઞાનીને તો અવશ્ય બૂડી મરવાનું છે.
ઉ. નોં. - ૧૯ પ્રારબ્ધ અને પુરુષાર્થ એ શબ્દ સમજવા જેવા છે. પુરુષાર્થ કર્યા વિના પ્રારબ્ધની ખબર ન પડી શકે.
પુરુષાર્થ કરવા છતાં ન મળ્યું, નાસીપાસ થયા, ફતેહમંદ ન થયા તો ત્યાં પ્રારબ્ધ ખરું પ્રારબ્ધમાં હશે તે થશે એમ કહી બેસી રહ્યું કામ ન આવે. નિષ્કામ પુરુષાર્થ કરવો. બેસી રહ્યું કામ આવે ? ન આવે. ચાલો તો માર્ગ કપાય. ન ચાલો તો માર્ગ ન કપાય.
પુરુષાર્થ કરવો, પણ નિષ્કામભાવથી કરવો. આપણે તો કામના સહિત પુરુષાર્થ કરીએ છીએ. દરેકનો પુરુષાર્થ સ્વાર્થી છે. પોતે જેમાં સ્વાર્થ માન્યો છે, એ કરવાના. તો આ વાક્ય કહે છે કે એ કરો તો પણ તે નિષ્કામ હોવો જોઈએ. એમાં સ્વાર્થ નહીં પણ પરમાર્થ હોવો જોઈએ, એવો પુરુષાર્થ કરવો. સ્વાર્થ અને પરમાર્થ એ બે સમજવા જેવા છે.
પ્રારબ્ધને સમપરિણામે વેદવું, ભોગવી લેવું એ મોટો પુરુષાર્થ છે.
પ્રારબ્ધથી અશુભ કર્મ ઉદયમાં આવે ત્યારે ગમતું નથી ને મૂંઝવણમાં આકુળ વ્યાકુળ થઈ જવાય છે. ત્યારે સમજવું કે એ તો સમપરિણામે વેદો એમ કહ્યું છે. સમપરિણામ કોને કહેવાય ? કે આપણને ન ગમતું હોય તેવું કરવું પડે છતાં અંદર મૂંઝવણ ન થાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org