________________
૧૭૪
શિક્ષામૃત
ઉપસંહાર આત્મ ભ્રાંતિ સમ રોગ નહીં, સદ્ગુરુ વૈદ્ય સુજાણ;
ગુરુ આજ્ઞા સમ પથ્ય નહીં, ઔષધ વિચાર ધ્યાન. ૧૨૯ આત્માને પોતાના સ્વરૂપનું ભાન નહીં, એવો બીજો કોઈ રોગ નથી, સદ્ગુરુ જેવા તેના કોઈ સાચા અથવા નિપુણ વૈદ્ય નથી, સદ્ગુરુ આજ્ઞાએ ચાલવા સમાન બીજું કોઈ પથ્ય નથી, અને વિચાર તથા નિદિધ્યાસન જેવું કોઈ તેનું ઔષધ નથી. ૧૨૯
આત્માને જ્યાં સુધી આત્માની ઓળખાણ થઈ નથી ત્યાં સુધી તે આત્મબ્રાંતિ નામના મોટામાં મોટા રોગનું ભાજન છે. તે રોગ દૂર કરવા માટે સદ્ગુરુ જ તેના વૈદ્ય છે, કારણ કે તે રોગ કેમ કાઢવો તેના તે જાણ છે. આ રોગને મટાડવા માટે ગુરુની આજ્ઞા પાળવારૂપ પથ્ય પાળવું જરૂરી છે. તેઓ દવા સુવિચારણા અને ધ્યાન કરવાની આપે છે.
નય નિશ્ચય એકાંતથી, આમાં નથી કહેલ;
એકાંતે વ્યવહાર નહીં, બન્ને સાથે રહેલ. ૧૩૨ અત્રે એકાંતે નિશ્ચયનય કહ્યો નથી, અથવા એકાંતે વ્યવહારનય કહ્યો નથી; બેય જ્યાં જ્યાં જેમ ઘટે તેમ સાથે રહ્યાં છે. ૧૩૨
ગચ્છમતની જે કલ્પના, તે નહીં સદ્યવહાર;
ભાન નહીં નિજરૂપનું, તે નિશ્ચય નહીં સાર. ૧૩૩ ગચ્છમતની કલ્પના છે તે સવ્યવહાર નથી; પણ આત્માર્થીના લક્ષણમાં કહી તે દશા અને મોક્ષોપાયમાં જિજ્ઞાસુનાં લક્ષણ આદિ કહ્યાં છે તે વ્યવહાર છે; જે અત્રે તો સંક્ષેપમાં કહેલ છે. પોતાના સ્વરૂપનું ભાન નથી, અર્થાત્ જેમ દેહ અનુભવમાં આવે છે, તેવો આત્માનો અનુભવ થયો નથી, દેહાધ્યાસ વર્તે છે, અને જે વૈરાગ્યાદિ સાધન પામ્યા વિના નિશ્ચય પોકાર્યા કરે છે, તે નિશ્ચય સારભૂત નથી. ૧૩૩
અહીં એકલા નિશ્ચયનય અથવા વ્યવહારનયથી કથન કરવામાં આવ્યું નથી. બન્નેને સાથે રાખીને કહેવામાં આવ્યું છે. જેની જ્યાં જરૂર છે ત્યાં તે પ્રમાણે સમજવું જોઈએ, આચરવું જોઈએ.
ગચ્છ અને મતોની જે કલ્પના છે તે આત્માર્થી જીવ માટે વ્યવહારરૂપ નથી. જ્યાં સુધી આત્મભાન થતું નથી ત્યાં સુધી નિશ્ચયનય પણ સારભૂત હોતો નથી.
મોહભાવ ક્ષય હોય જ્યાં, અથવા હોય પ્રશાંત; તે કહીએ જ્ઞાનીદશા, બાકી કહીએ ભ્રાંત. ૧૩૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org