________________
શ્રી વચનામૃતજી
૧૫૫
વખતમાં પણ એમ જ રત્નત્રયરૂપ માર્ગ હતો અને અત્યારે પણ એમ જ છે. એટલે એ ત્રણે કાળે એકને એક જ છે.
હવે જ્ઞાન દર્શનાદિ શબ્દનો રે, સંક્ષેપે સુણો પરમાર્થ, મૂળ,
તેને જોતાં વિચારી વિશેષથી રે, સમજાશે ઉત્તમ આત્માર્થ. મૂળ ૫ હવે જ્ઞાન-દર્શનાદિ એટલે સમ્યગૂજ્ઞાન-દર્શન-ચારિત્ર વિગેરેનો સંક્ષેપમાં પરમાર્થ કહું છું. તમને શબ્દાર્થ નહીં પણ પારમાર્થિક વ્યાખ્યા શું છે એ કહું છું, એ વિચારજો. ભગવાને તમને મન આપ્યું છે તો વિશેષથી ઊંડા ઊતરીને તમે વિચારશો તો તમને ઉત્તમ આત્માર્થ સમજાશે. એ તમે સમજી શકશો એટલે આત્મા કેવી રીતે પ્રાપ્ત થાય ? મોક્ષ કેમ મળે ? એ બધું સમજાશે.
છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ, મૂળ,
એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ. મૂળ૦ દેહ આદિ એટલે આ સ્થૂળ દેહ, તેજસ્ દેહ, કામણ દેહ, પાંચ જ્ઞાનેન્દ્રિયો, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ વિગેરેથી આત્મા ભિન્ન છે. ત્યારે આત્મા કેવો છે ? “ઉપયોગી.” એનું લક્ષણ ઉપયોગ છે. ઉપયોગ વગર તમે કોઈ કામ કરી શકો નહીં.
બહેનો રોટલી વણતાં જાય, લોઢીમાં નાખતાં જાય, ફેરવતાં જાય, એ દરેક ઠેકાણે એને ઉપયોગ રાખવો પડતો હોય છે, નહીં તો રોટલી બળી જાય અથવા બરાબર વણાય નહીં વિગેરે . સોય પરોવવી હોય તો સોયનું નાકું હોય એટલો દોરો ઝીણો કરવો જોઈએ અને એમાં ઉપયોગ બરાબર રાખીએ તો પરોવાય, નહીં તો પરોવાય નહીં. આ ઉપયોગ એ જ આત્મા છે. નટ નાચતો હોય, લોકો કિકિયારીઓ કરતાં હોય, ઢોલ ને વાજિંત્રો વાગતાં હોય પણ એનું ચિત્તઉપયોગ તો દોરડા પર હોય. જો ત્યાંથી ખસે તો નીચે પડે. એવી જ ગાગરની વાત છે. બહેનો તાળી દેતી જાય, વાતો કરતી જાય, હસતી જાય. પણ દરેકનો ઉપયોગ એના માથા ઉપરના બેડા ઉપર હોય. આ જ આત્મા છે. પકડવો કેટલો સહેલો છે. તમે કોઈ કામ એના વગર કરી શકતા નથી. એ ઉપયોગ એ જ આત્મા છે. “ઉપયોગી સદા અવિનાશ.’ આ આત્મા અવિનાશી છે. ગયા ભવમાં આત્માના જેટલા પ્રદેશો હતા એટલા જ પ્રદેશ આવતા ભવમાં રહેવાના છે. એમાં એકપણ પ્રદેશ વધારે કે ઓછો નહીં થાય. એ આત્માને છેદી શકાય નહીં, ભેદી શકાય નહીં, બાળી શકાય નહીં, આવો આત્મા છે; છતાં આપણને મરણની બીક કેટલી છે ? મરણ તો શરીરનું છે, આત્માને તો મરણ છે જ નહીં. દેહ જન્મે છે અને દેહ મરે છે. ત્યારે આટલો બધો કેમ ફફડાટ છે ? આપણો દેહ, આપણું કુટુંબ, આપણી મિલકત એને બાથ ભીડી છે એટલે. અરેરે ! આટલું બધું મેં રળીદળીને ભેગું કર્યું, પરંતુ આ મૂકીને ચાલ્યા જવું પડશે એનું દુ:ખ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org