________________
શ્રી વચનામૃતજી
૪. જ્ઞાયકતા
પ્રગટ એવા જડ પદાર્થો અને જીવ, તે જે કારણે કરી ભિન્ન પડે છે, તે લક્ષણ જીવનો જ્ઞાયકપણા નામનો ગુણ છે. કોઈ પણ સમયે જ્ઞાયકરહિતપણે આ જીવ પદાર્થ કોઈ પણ અનુભવી શકે નહીં, અને તે જીવ નામના પદાર્થ સિવાય બીજા કોઈ પણ પદાર્થને વિશે જ્ઞાયકપણું સંભવી શકે નહીં, એવું જે અત્યંત અનુભવનું કારણ જ્ઞાયકતા તે લક્ષણ જેમાં છે તે પદાર્થને તીર્થંકરે જીવ કહ્યો છે.
૯૩
૫. સુખભાસ
શબ્દાદિ પાંચ વિષય સંબંધી અથવા સમાધિ આદિ જોગ સંબંધી જે સ્થિતિમાં સુખ સંભવે છે તે ભિન્ન ભિન્ન કરી જોતાં માત્ર છેવટે તે સર્વને વિશે સુખનું કારણ એક જ એવો એ જીવ પદાર્થ સંભવે છે, તે સુખભાસ નામનું લક્ષણ, માટે તીર્થંકરે જીવનું કહ્યું છે; અને વ્યવહાર દૃષ્ટાંતે નિદ્રાથી તે પ્રગટ જણાય છે. જે નિદ્રાને વિશે બીજા સર્વ પદાર્થથી રહિતપણું છે, ત્યાં પણ હું સુખી છું એવું જે જ્ઞાન છે, તે બાકી વધ્યો એવો જે જીવ પદાર્થ તેનું છે; બીજું કોઈ ત્યાં વિદ્યમાન નથી, અને સુખનું ભાસવાપણું તો અત્યંત સ્પષ્ટ છે; તે જેનેથી ભાસે છે તે જીવ નામના પદાર્થ સિવાય બીજે ક્યાંય લક્ષણ જોયું નથી.
૬. વેદકતા
આ મોળું છે, આ મીઠું છે, આ ખાટું છે, આ ખારું છે, હું આ સ્થિતિમાં છું, ટાઢે ઠરું છું, તાપ પડે છે, દુઃખી છું, દુઃખ અનુભવું છું, એવું જે સ્પષ્ટ જ્ઞાન, વેદનજ્ઞાન, અનુભવજ્ઞાન, અનુભવપણું તે જો કોઈમાં પણ હોય તો તે આ જીવ પદને વિશે છે, અથવા તે જેનું લક્ષણ હોય છે તે પદાર્થ જીવ હોય છે, એ જ તીર્થંકરાદિનો અનુભવ છે.
શરીરને તાવ આવ્યો, ગરમ લાગ્યું, બરફ મૂક્યો, ઠંડું લાગ્યું એ વેદકતા લક્ષણ આત્માનું છે.
૭. ચૈતન્યતા
સ્પષ્ટ પ્રકાશપણું, અનંત અનંત કોટી તેજસ્વી દીપક, મણિ, ચંદ્ર, સૂર્યાદિની કાંતિ જેના પ્રકાશ વિના પ્રગટવા સમર્થ નથી, અર્થાત્ તે સર્વ પોતે પોતાને જણાવા અથવા જાણવા યોગ્ય નથી. જે પદાર્થના પ્રકાશને વિશે ચૈતન્યપણાથી તે પદાર્થો જાણ્યા જાય છે, તે પદાર્થો પ્રકાશ પામે છે, સ્પષ્ટ ભાસે છે, તે પદાર્થ જે કોઈ છે તે જીવ છે. અર્થાત્ તે લક્ષણ પ્રગટપણે સ્પષ્ટ પ્રકાશમાન, અચળ એવું નિરાબાધ પ્રકાશ્યમાન ચૈતન્ય, તે જીવનું તે જીવપ્રત્યે ઉપયોગ વાળતાં પ્રગટ દેખાય છે.
એ જે લક્ષણો કહ્યાં તે ફરી ફરી વિચારી જીવ નિરાબાધપણે જાણ્યો જાય છે, જે જાણવાથી જીવ જાણ્યો છે તે લક્ષણો એ પ્રકારે તીર્થંકરાદિએ કહ્યાં છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org