________________
પ્રકરણ સોળ
૨૭૫
આપવામાં આવતી હતી. કેળવણીના ઇતિહાસનાં અન્વેષણ-અવલોકનથી કહી શકાય કે આ ચાર પદ્ધતિ આપણા દેશના સાંસ્કારિક ઇતિહાસમાં અનુસ્મૃત રહેલી હતી અને વિશ્વ સમસ્તનાં શિક્ષણનાં લક્ષણોનાં વિવરણથી પણ ખસૂસ કહી શકાય કે આ પદ્ધતિ શાશ્વતી છે. શિક્ષણનાં કેન્દ્રો
પ્રકરણ પંદર અને પ્રકરણ સત્તરમાં આપણે સાહિત્ય અને ધર્મ પરત્વે અનુક્રમે જે વિશ્લેષિત વિવરણ પ્રસ્તુત કર્યા છે તે ઉપરથી સૂચવી શકાય કે વલભી અને ભરૂચ ક્ષત્રપકાલ દરમ્યાન શિક્ષણનાં મહત્ત્વનાં કેન્દ્ર હોવાં જોઈએ. આ સમયમાં વલભી માત્ર ગુજરાતનું નહીં પણ સમગ્ર દેશનું જૈન આગમવિદ્યાનાં અધ્યયન-અધ્યાપન-અન્વેષણ અને સાહિત્યિક પ્રવૃત્તિઓનું મુખ્ય કેન્દ્ર હોવાનું સંભવે છે; કેમ કે આપણે અગાઉ અવલોકી ગયા તેમ વીર નિર્વાણના નવમા સૈકામાં જૈન આગમોને સંકલિત-સંપાદિત-સંગૃહીત કરવાની જે કામગીરી આરંભાઈ તેનું એક કેન્દ્ર મથુરા હતું, તો બીજું વલભી. નાગાર્જુનની અધ્યક્ષતામાં વલભીમાં શ્રમણસંઘની પરિષદ મળી હતી તે આપણે નોંધ્યું છે. મલ્લવાદીએ કાશીરનવે અહીં રચ્યો હોવાનો સંભવ છે.
સ્થિરમતિ-ગુણમતિની કૃતિઓ ઉપરથી વલભી બૌદ્ધવિદ્યાનાં અધ્યયન-અધ્યાપનઅન્વેષણનું કેન્દ્ર હોવાનું સૂચિત થાય છે. જો કે ભરૂચમાં બૌદ્ધવિદ્વાનોની પ્રવૃત્તિ વિશેષ પ્રમાણમાં થતી હશે એવું અનુમાની શકાય; કેમ કે અહીં બૌદ્ધ અને જૈન વિદ્વાનો વચ્ચે વાદવિવાદ થયા હોવાનું જૈનપરંપરા નોંધે છે. મલ્લવાદીના મામા જિનાનંદને બૌદ્ધો સાથેના સંવિવાદમાં પરાજય મળેલો અને તેથી તેઓ ભરૂચ છોડી વલભી ગયાની વાત પરિચિત છે. મામાના પરાજયનું કલંક દૂર કરવા મિષે મલ્લવાદીએ વિવાદ કરી વિજય પ્રાપ્ત કરેલો. આથી, ભરૂચ બૌદ્ધવિદ્યાનું કેન્દ્ર હોવાનું સંભવે છે.
દેવની મોરી પણ બૌદ્ધ કેળવણીનું ધામ હોવાનું સૂચિત થાય છે; કેમ કે આ સ્થળેથી મહાતૂપ અને મહાવિહારના સમૃદ્ધ અવશેષો હાથ લાગ્યા છે. સ્તૂપના પેટાળમાંથી પ્રાપ્ત ભગવાન શિબલના દેહાવશેષયુક્ત દાબડો મળ્યો છે, જેના ઉપર બૌદ્ધ સિદ્ધાંત પાલિ ભાષામાં કોતરાયેલા જોવા મળે છે. ઉપરાંત સ્તૂપની ઇમારતમાંથી મળેલી ભગવાન બુદ્ધની છવીસ પ્રતિમા પ્રસ્તુત મતને સમર્થે છે.
ઉત્તર ગુજરાતમાં સ્થિત દેવની મોરી, દક્ષિણ ગુજરાતમાં સ્થિત ભરૂચ અને સૌરાષ્ટ્ર, પ્રદેશમાં સ્થિત વલભી ક્ષત્રપકાલીન ગુજરાતમાં વિદ્યાનાં મહત્ત્વનાં મથક હોવાનું ખસૂસ કહી શકાય. આ ઉપરાંત જૂનાગઢ, ઈંટવા, તળાજા, ઢાંક વગેરે સ્થળોએથી મળી આવેલાં વિહારો અને ગુફાઓ પણ તત્કાલીન કેળવણીનાં નાનાં કેન્દ્રો સૂચવી શકાય. ગિરિનગર, પ્રભાસ પાટણ, ભરુકચ્છ જેવાં સ્થળ સંભવતઃ બ્રાહ્મણધર્મનાં શિક્ષણ કેન્દ્ર હોવાં જોઈએ. સંસ્કૃત શિક્ષણનું માધ્યમ હશે.
આમ, શિક્ષણની સ્થિતિ, શિક્ષણની પદ્ધતિઓ અને શિક્ષણનાં કેન્દ્રો વિશેનાં વિવરણથી સૂચવી શકાય કે ક્ષત્રપકાલીન ગુજરાતમાં કેળવણીની પ્રક્રિયા ઠીક પ્રમાણમાં વિકાસ પામી હતી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org