________________
પ૦૬
ઉપસંપદા સામાચારી | ગાથા : ૯૯ ભાવાર્થ :
સાધુએ સર્વ પ્રયત્ન કરીને પૂર્ણ આત્મભાવમાં જવાનું છે અને આત્માનો પૂર્ણ ભાવ ક્રોધાદિ ચાર કષાયોના પ્રતિપક્ષરૂપ એવા ક્ષમા, માર્દવતા, આર્જવતા અને નિરીહતરૂપ છે. તેથી ક્ષમાદિ ચાર ભાવોવાળા સાધુ પોતાના આત્માને ધ્યેયરૂપે નક્કી કરીને તે ભાવોને ધ્યાન દ્વારા પ્રગટ કરવાનો અભિલાષ કરે છે. તે માટે “ક્ષમાદિ ભાવોવાળા મારા આત્માનો હું ધ્યાતા છું,' તેવો નિર્ણય કરીને તેવા આત્માને પ્રગટ કરવા માટે સામાચારીમાં યત્ન કરે છે. માટે આવા સાધુની સામાચારીનું પાલન ક્ષમાદિ ભાવોની વૃદ્ધિ દ્વારા સમતાના પ્રકર્ષમાં વિશ્રામ પામે છે.
વળી સામાચારીનું પાલન એ પરની અપેક્ષાએ બહિર્મુખ એવું પોતાનું સ્વરૂપ છે; કેમ કે ઈચ્છાકારાદિ સામાચારીનું પાલન પોતાના સહવર્તી જે સાધુઓ હોય તેમની અપેક્ષાએ કરવામાં આવે છે, તેથી પર જીવોની અપેક્ષાએ ઈચ્છાકારાદિનું પાલન બહિર્મુખ છે. વળી ઈચ્છાકારાદિનું પાલન પોતાનું સ્વસ્વરૂપ છે; કેમ કે ઈચ્છાકારાદિના પાલનથી જીવ કષાયોનું ઉમૂલન કરીને પોતાના સ્વસ્વભાવરૂપ એવા ક્ષમાદિ ભાવોમાં જવા માટે યત્ન કરે છે. તેથી પરની અપેક્ષાથી બહિર્મુખ એવા સ્વસ્વરૂપમાં જવા માટેના ધ્યાનમાત્રમાં નિષ્ઠાને પામેલા એવા સાધુ અધ્યાત્મધ્યાનરત છે, અને આવા સાધુ આ દશવિધ સામાચારી પાળે છે ત્યારે, તે સામાચારીના પાલનની ક્રિયા બાહ્ય આચરણારૂપ હોવા છતાં, અંતરંગ રીતે પોતાનો ધ્યેય એવો ક્ષમાદિભાવવાળો આત્મા પ્રગટ થાય તે રીતે સામાચારીમાં સુદઢ યત્ન કરે છે. માટે આવા સાધુ વડે સેવાયેલી દશવિધ સામાચારી પરમ પુરુષાર્થરૂપ મોક્ષનું કારણ બને છે.
સંસારમાં ચાર પ્રકારના પુરુષાર્થ છે : ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એ ચાર પુરુષાર્થમાં ઉત્કૃષ્ટ પુરુષાર્થ મોક્ષ છે; કેમ કે તે એકાંતે જીવને હિતકારી છે અને તે મોક્ષપુરુષાર્થનું કારણ આ દશવિધ સામાચારી છે.
ઉત્થાન :
અહીં પ્રશ્ન થાય કે જીવને મોક્ષની પ્રાપ્તિ તો શુક્લધ્યાનથી થાય છે, અને જે સાધુઓ ક્ષમાદિભાવવાળા આત્માને ધ્યેય કરીને અને તે ભાવવાળા આત્માનો હું ધ્યાતા છું તેવો સંકલ્પ કરીને, સામાચારીમાં પ્રવૃત્તિ કરે, તોપણ તેનાથી મોક્ષ કઈ રીતે થઈ શકે ? તેથી કહે છે – ટીકાઃ
स्वप्रयोज्यशुक्लध्यानातिशयरूपाध्यात्मध्यानद्वारा तस्या मोक्षहेतुत्वमिति भावः ।
ટીકાર્ય :
સ્વ=સામાચારી, તેનાથી પ્રયોજ્ય જે શુક્લધ્યાન તેના અતિશયરૂપ અધ્યાત્મધ્યાન, તેના દ્વારા તેનું સામાચારીનું, મોક્ષહેતુત્વ છે. એ પ્રમાણે ભાવ છે તાત્પર્ય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org