SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મતીર્થ સ્થાપના – ઉદ્દેશ અને વિધિ ૩૫૫ જ આવે તેવું નથી. વળી આવ્યા પછી સૌ કોઈ ધર્મ પામે તેવું પણ નથી. દેવતાઓમાં પણ આ જ સ્થિતિ છે. ઘણા દેવતા વિચારે કે ઇન્દ્રો પણ આટલી ભક્તિથી દોડીને જાય છે, સ્વયં મહોત્સવ કરે છે, તો ચોક્કસ જોરદાર ઠાઠ હશે, જોવા જઈએ. કોઈ દેવીની પ્રેરણા પામીને આવતા હોય, તો કોઈને મિત્રદેવ કહે કે “ચાલ ચાલ અહીં શું બેઠો છે ? જોવા જેવું છે”, તો તે રીતે પણ સમૂહમાં આવે. સ્નાત્રમાં બોલો છો કે “નારી પ્રેર્યા વળી નિજકુલવટ, ધર્મી ધર્મસખાઈ”. એટલે દેવલોકમાં પણ બધા દેવતાઓ લાયક જ છે અને ધર્મજિજ્ઞાસાથી સમવસરણમાં આવે છે, તેવું નથી. પાત્ર જીવોની દુર્લભતા – પાત્રતાના ધોરણો : તીર્થંકરની પર્ષદામાં પણ બધા પાત્ર જીવો જ હોય તેવું નથી. શ્રોતા ધર્મ સાંભળવા આવે એટલામાત્રથી તેને પાત્ર ન મનાય. તમારો કાયમનો એ દાવો છે કે અમે સાંભળવા આવીએ છીએ તેથી અમને પાત્ર જ ગણી લો, પણ શાસ્ત્રનાં વર્ણન દર્શાવે છે કે તીર્થંકરની બાર પર્ષદામાં આવેલા શ્રોતા પણ તમામ તરી જવાના છે, એવો નિયમ નથી. અરે ! ભગવાનના વિરોધીઓ પણ સમવસરણમાં દેશના સાંભળવા આવે છે. તેમને પહેલેથી ખબર છે કે આપણી માન્યતા વિરુદ્ધ ઉપદેશ આપશે, છતાં કઈ રીતે સત્યનું સમર્થન કરે છે અને અન્ય મતોનું ખંડન કરે છે તેની સારી દલીલો જાણવા મળશે, જેનો પોતે પોતાની વાતના સમર્થનમાં ઉપયોગ કરી શકે. બાર પર્ષદા એટલે બધા આરાધક જીવોનો સમૂહ, એવું નથી. તેમાં પણ ઘઉં, કચરો, કાંકરા બધું હોય. સમવસરણ એ પ્રભુની ધર્મદેશનાનું ઉગમસ્થાન છે, જ્યાંથી આખા જગતમાં સદ્ધર્મનો પ્રવાહ વહેતો થવાનો છે. જ્યાં ધર્મસત્તાનું વિધિપૂર્વક અસ્તિત્વ પ્રસ્થાપિત કરાય છે, છતાં ત્યાં આવેલા પણ બધા જીવોની પાત્રતાની ખાતરી શાસ્ત્ર આપતું નથી. સંસારમાં ભટકતાં-ભટકતાં પુણ્યયોગે મનુષ્યજન્મ પામેલા, તેમાં પણ ઉત્તમ કુળ, જાતિ, ધર્મસામગ્રી પામી છેક તીર્થંકરના સમવસરણ સુધી પહોંચેલા જીવો પણ બધા પાત્ર જ હોય તેવું નથી. તેમાં પણ અપાત્ર હોઈ શકે છે. હા, તીર્થંકરોનું પુણ્ય એવું છે કે કેવલજ્ઞાન પછી તેમનું પ્રથમ સમવસરણ રચાય તેમાં જ ઉત્કૃષ્ટ લાયકાતવાળા શ્રોતા તરીકે ગણધરો અને બીજા અનેક પાત્ર જીવો આવે છે, પરંતુ દરેક દેશનામાં ઉત્કૃષ્ટ પાત્ર જીવો મળે જ એવું નથી. જોકે એક પણ પાત્ર જીવ ન મળે તો તીર્થંકર કદી દેશના ન આપે; કેમ કે પૂર્ણજ્ઞાની અપાત્રને ઉપદેશ આપે નહીં. અપાત્રને ઉપદેશ આપવો નિરર્થક છે. માત્ર વાણી અને શરીરનો શ્રમ છે, શક્તિની, સમયની બરબાદી છે. અજ્ઞાની જીવ (શક્તિની બરબાદી થઈ રહી છે તેવું) જાણવા છતાં આત્મશક્તિની બરબાદી કરે, પણ પૂર્ણજ્ઞાની જાણવા છતાં આત્મશક્તિની બરબાદી કરે તેવું બને નહીં. જ્ઞાની નિષ્ફળ પ્રવૃત્તિ કરે નહીં, તે તો ફળ દેખાય તો જ પ્રવૃત્તિ કરે. તીર્થંકર, કેવલજ્ઞાની વગેરે પૂર્ણ જ્ઞાનીઓ પાત્ર શ્રોતા મળે તો જ ઉપદેશ આપે. પાત્રતા સિવાયના ગમે તેટલા શ્રોતા ભેગા થાય તોપણ મૌન રહે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005531
Book TitleDharmtirth Part 02
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGangotri Granthmala
Publication Year2008
Total Pages508
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy