________________
ધર્મતીર્થની વ્યાખ્યા
પ૯ પતનશીલ આત્માને ધારણ કરે તે ધર્મ :
આત્મિક દૃષ્ટિએ પતન અને ધારણ વિચારવું હોય તો અંદરનું પતન અને અંદરનું ધારણ સમજવું પડે. જેમ શરીર અધોગમનશીલ છે, તેમ કર્મયુક્ત આત્મા પણ અધોગમનશીલ છે. જેમ જેમ આત્મા પર કર્મનો ભાર વધે તેમ તેમ આત્માની અધોગતિ થાય છે, અને કર્મનો ભાર ઘટે તો તે ઊર્ધ્વગતિશીલ થાય છે. વળી, સંપૂર્ણ કર્મરહિત થાય તે આત્મા પરમ ઊર્ધ્વગતિ પામે. આત્માની ગતિ માટેનો આ સામાન્ય નિયમ છે. અતિશય ભારે કર્મથી લદાયેલો આત્મા નરકમાં જાય છે, મધ્યમ ભારથી લદાયેલો આત્મા તિર્યંચ-મનુષ્યગતિમાં જાય છે. જઘન્ય ભારથી લદાયેલો આત્મા દેવગતિમાં જાય છે. અને સર્વ કર્મરહિત આત્મા મક્તિને પામે છે. આત્મા પર કર્મનો ભાર ઘટે તેમ તેમ પતન ઓછું થાય અને જેમ જેમ કર્મનો ભાર વધે તેમ તેમ પતન વધતું જાય. Physics(પદાર્થવિજ્ઞાન)ની દષ્ટિએ બુદ્ધિમાં બેસે તેવી આ વાત છે. આત્મદ્રવ્યને પણ આ જ નિયમ લાગુ પડે છે. આત્મા અશુભ કર્મના ભારથી ભારે થાય છે ત્યારે તેનું અધોગમન થાય છે, અને તે અધોગમન અટકાવે તેનું નામ ધર્મ.
પહેલાં તમારી બુદ્ધિમાં બેસવું જોઈએ કે મારા આત્માનું અનંતકાળથી પતન થઈ રહ્યું છે. તમે શરીરથી ન પડો તે માટે ખૂબ જ સાવધાન છો. તમને ખબર હોય કે લપસી જવાય તેવી જગ્યા છે, અને પડી જઈશું તો હાડકાં ભાંગી જશે, ત્યાં ચાલતી વખતે પણ પહેલાં પગનો ટેકો બરાબર છે કે નહીં તેની ચકાસણી કરીને આગળ વધો છો. શરીરથી અધોગમન ન થાય તે માટે ચોવીસે કલાક જાગૃત છો, પણ આત્માનું અધોગમન ન થાય તેની તમારામાં જાગૃતિ નથી. માટે તમને ધર્મની જરૂરિયાત જીવનમાં ઓછી લાગે છે. ચોવીસે કલાક શરીરનું અધોગમન ન થાય તે માટે ટેકો પકડીને ઊભા રહો છો, ટેકો પકડીને બેસો છો. તમને કહે કે અહીં અદ્ધર બેસો તો તમે નહીં બેસો; કારણ કે દરેક ઠેકાણે શરીરને આધારની જરૂર છે. તમે ટેકા વગર પોતાની જાતને ધારી શકતા નથી. શરીરને આધાર ન મળે તો તેની અધોગતિ સુનિશ્ચિત છે; અને અધોગમન થયું તો બાર વાગી જશે, તેની તમને પૂરેપૂરી ખાતરી છે. પણ આત્માને ધારણ કરવા આધારની જરૂર છે, અને તેમાં સાવધાન નહીં રહો તો down fall(અધઃપતન) નહીં પણ free fall(મુક્ત પતન) ચાલુ થઈ જશે, પરિણામે તમારા હાલહવાલ થઈ જશે, છતાં તેનો કોઈ ભય તમને નથી. તમને તે અધ:પતન સ્પષ્ટ દેખાવું જોઈએ. જેને આત્માના અધઃપતનની ચિંતા છે તેને ચોવીસે કલાક ધર્મની જરૂર છે. તેને ખબર છે કે ધર્મ જ મારા માટે આધાર છે. શરીરથી ખુરશી-સોફા, ફરસ કે જમીન પર ટકી રહો, સ્થિર થાઓ તે બધા શારીરિક દૃષ્ટિએ આધાર, પરંતુ આત્મા માટે તો ધર્મ જ આધાર છે. ધર્મશૂન્ય આત્મા સતત નિરાધાર-પતનશીલ જ છે.
१ धर्मो दुर्गतिगर्तनिपतज्जन्तुजातधरणप्रवणपरिणामः (पंचाशक प्रकरण, प्रथम पंचाशक, श्लोक १ टीका) * दुर्गतो प्रपतन्तमात्मानं धारयतीति धर्मः, (दशवैकालिकसूत्र द्रुमपुष्पिका अध्ययन श्लोक - १ टीका) આ ‘ધમાં' ટુતિપ્રતિરક્ષ દેતુ:,
(अष्टक प्रकरण० अष्टक - २१, श्लोक १ टीका)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org