________________
૨૩૦
ભાવતીર્થ - દ્વાદશાંગી તો જ ખાડો જાણ્યાની ઉપયોગિતા છે. પરંતુ આધુનિક વિજ્ઞાનમાં જીવનનો અંતિમ ઉદ્દેશ પણ નિશ્ચિત કરવાની તાકાત નથી, ખુદ વૈજ્ઞાનિકો પોતાના માટે પણ જીવન ધ્યેય નક્કી કરી શકતા નથી, દિશાશૂન્ય છે. જીવનના મર્મને જ ન ખોલી શકે તેવા વિજ્ઞાનના જ્ઞાનથી અભિભૂત થનારા સ્વયં જીવનમાં થાપ ખાઈ રહ્યા છે.
વિજ્ઞાનની અહિતપ્રેરકતા અને દિશાશૂન્યતા :
સભા : વૈજ્ઞાનિકો માનવજાતનું ભલું કરવાનો આદર્શ રાખે છે એમ ઘણા માને છે.
સાહેબજી : જો માનવજાતનું ભલું કરવું હોય તો તેના ભલાની સ્પષ્ટ વ્યાખ્યા કરવી પડે. વિજ્ઞાન માનવજાતને ભૌતિક દૃષ્ટિએ સુખી કરવાનું ધ્યેય ધરાવતું હોય, તો જે શોધખોળો પ્રજાના આરોગ્ય અને જીવનને નુકસાન કરતી હોય, તેનાથી જ તે વ્યાપારિક લાભોને સામે રાખી પ્રજાને કઈ રીતે છેતરી શકે ? હું અત્યારે આત્મિક હિતની વાત નથી કરતો પરંતુ ભૌતિક હિત તો નાસ્તિકે પણ અવશ્ય વિચારવું પડે. સારા સારા વૈજ્ઞાનિકોના જ રીપોર્ટ છે કે કેટલીય દવાઓ પ્રજાના આરોગ્ય માટે ખતરનાક છે, છતાં વ્યાપારિક લાભોને સામે રાખીને નવી શોધખોળોના નામે તેવી દવાઓનું ચલણ વધારાય છે. અરે ! આ ટી.વી. અને computer games-કોમ્યુટર ગેમ્સ આદિથી શારીરિક અને માનસિક કેટલાં નુકસાન થાય છે તેનો સંશોધિત રીપોર્ટ Times of India છાપામાં એક વૈજ્ઞાનિકે જ આપ્યો હતો. તેમાં ત્યાં સુધી લખ્યું હતું કે કુમળાં બાળકોના વર્તનમાં આના કારણે એવાં પરિવર્તન આવે છે કે જીવનમાં લાગણીઓને કાબૂમાં રાખવાની bearing capacity-સહનશક્તિ તે બાળકોની મૂળમાંથી ઘટી જાય છે. તેથી જીવન દરમિયાન તેમને અનેક સામાજિક પછડાટો વધારે જોરદાર રીતે અનુભવવાની આવે. વિચાર કરો, આ ઊગતી નવી પ્રજાનું ભૌતિક દૃષ્ટિએ ભલું છે કે ભારે બૂરું છે? આવી વિજ્ઞાનના ક્ષેત્રે એક નહીં પણ અનેક વાતો પ્રશ્નાત્મક છે; અને જે હિત ના પ્રેરે તે જ્ઞાન દિશાશૂન્ય જ કહેવાય. જ્યારે હેય-ઉપાદેયનો સંપૂર્ણ વિવેક કરવાની પ્રચંડ શક્તિ ધરાવનાર શાસ્ત્રો આખા જગત માટે આશીર્વાદરૂપ છે. શાસ્ત્ર જગતના પ્રત્યેક જીવના ભલાની ચિંતા કરે છે. ભૌતિક અને આત્મિક બંને હિતની સાચી દૃષ્ટિ આપવાની શાસ્ત્રોમાં ક્ષમતા છે. માહિતીઓની લાયબ્રેરીઓ ઊભી કરવા શાસ્ત્રોની રચના નથી; જીવનને યોગ્ય દિશામાં વાળવું છે, ઘડતર કરીને કાંઈક પામવું છે એ આશયથી જ શાસ્ત્રજ્ઞોએ શાસ્ત્રો રચ્યાં છે. તેના પ્રત્યેક પદમાં હેય-ઉપાદેયની વિવેકદૃષ્ટિ ભરેલી જ છે.
સભા શાસ્ત્રના જ્ઞાન વિના સર્વ કર્મનો ક્ષય થાય ?
સાહેબજીઃ ના, ન થાય. કોઈએ શાસ્ત્રો શબ્દથી જાણ્યાં ન હોય તો ચાલે, પણ અર્થથી તો અવશ્ય જાણવા જ પડે, તે વિના ન તરે. તેમાં ધ્વનિરૂપે-અવાજરૂપે બોલાય છે તે શબ્દરૂપ શાસ્ત્ર, અને પુસ્તકમાં આલેખાયેલ છે તે લિપિરૂપ શાસ્ત્ર, આ ન જાણ્યાં હોય તો ચાલે; પરંતુ સૂત્રાત્મક સંક્ષિપ્ત બોધ તે સૂત્રરૂપ શાસ્ત્ર, અને રહસ્યરૂપ સૂક્ષ્મ તત્ત્વનો બોધ તે અર્થરૂપ શાસ્ત્ર, આ બંને બોધરૂપ શાસ્ત્રો શ્રુતજ્ઞાનમય છે, અને તેના વિના કદી કોઈના સર્વ કર્મનો ક્ષય થયો નથી અને થશે પણ નહીં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org