________________
૩૯
૩. જેને પરથી છૂટવું હોય એટલે કે સ્વતંત્રતા મેળવવી હોય અને સ્વની સંપદામાં એકતા કરવી હોય એણે પ્રથમથી જ સંજોગો અને વિકારોથી રહિત દષ્ટિ કરી સ્વાભાવિક અને પરિપૂર્ણ એવા નિર્વિકાર સ્વભાવમાં સ્થિરતા કરવી એ પરથી પૂર્ણપણે છૂટવાનો એકમાત્ર ઉપાય છે.
૪. અનાદિ અનંત એક નિજ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ તેનું સ્વ સન્મુખ થઈ આરાધન કરવું તે જ પરમાત્મા થવાનો સાચો ઉપાય છે. સુખી થવાનો સાચો ઉપાય છે.
૫. એક આત્મ દ્રવ્યમાં એક ગુણ અનંત શક્તિ સંપન્ન છે. એવા અનંત ગુણ અનંત શક્તિ સંપન્ન હોવાથી એનો આધાર એવું એકરૂપ દ્રવ્ય તે દૃષ્ટિનું ધ્યેય છે.
૬. ભાવ શ્રુતજ્ઞાનરૂપ પરિણમન કે જેમાં સમ્યક્ દર્શન-જ્ઞાન-ચારિત્ર સમાય છે તે ભાવશ્રુતજ્ઞાનરૂપ પરિણમન અખંડ એક દ્રવ્યના આશ્રયે પ્રગટે છે. જે સર્વજ્ઞના સર્વ કથનનો સાર છે. અને સુખી થવાનો એ જ ઉપાય છે. ૭. નિર્દોષ જેને થવું હોય એણે સદોષતા ક્ષણિક છે, ટળી શકે છે એવો નિર્ણય કરવો જોઈએ અને સદોષતાના સ્થાનમાં નિર્દોષતા લાવવી છે તે નિર્દોષતા મારા સ્વક્ષેત્રમાં સ્વભાવરૂપે પૂર્ણપણે પડી છે એમ નિર્ણય કરવો જોઈએ.
વર્તમાન અવસ્થામાં જે નિર્દોષતા લાવવી છે તે બહારથી આવી શકતી નથી પણ ધ્રુવ એવા સ્વભાવનો આશ્રય કરવાથી તે પ્રાપ્ત થાય છે. ૮. નિજ સ્વરૂપનો અનુભવ (ઉપયોગ) તે સુખ છે. તે આબાલ ગોપાળ કરી શકે છે. એના વિના શાંતિનો બીજો કોઈ ઉપાય નથી. સુખની શરૂઆત પણ એક સમયના ધ્રુવની એકાગ્રતાના અનુભવમાં જ થાય છે અને ધર્મની શરૂઆતનું પ્રથમ બિંદુ પણ એ જ છે. એને જ સ્વાનુભૂતિ, આત્માનુભૂતિ અથવા આત્મજ્ઞાન કહેવાય છે.
૯. ચૈતન્ય વસ્તુનો સ્વભાવ તે ત્રિકાળ નિત્ય છે. વિકાર તે ક્ષણિક અનિત્ય છે તેથી ત્રિકાળ સત્યની અપેક્ષાએ તે અસત્ છે. અને પરપદાર્થ તો આત્મામાં એક સમય પણ નથી તેથી તે આત્માની અપેક્ષાએ અસત્ છે. માટે પરમ સત્ એવો જે શુદ્ધ ચૈતન્ય સ્વભાવ તેનું શરણું લેવું.